Select Page

વિપુલભાઈ ચૌધરીનો વિસનગરમાં ભાજપમાંથી ચુંટણી લડવાનો હુંકાર

ધારાસભ્યનુ કદ ઘટાડવા સભાઓને સહકાર આપનાર વિરોધી જુથમાં સોંપો

વિસનગર ધારાસભ્ય તથા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલનુ રાજકીય કદ ઘટાડવા સક્રીય વિરોધી જુથ વિપુલભાઈ ચૌધરીની સભાઓને પાછળથી ટેકો આપતા હોવાનુ ચર્ચાતુ હતુ. ત્યારે વિસનગરમાં મળેલી અર્બુદા સેનાની જીલ્લા કારોબારીમાં વિપુલભાઈ ચૌધરીએ વિસનગરમાં ભાજપમાંથી ચુંટણી લડવાનો હુંકાર કરતા ધારાસભ્ય વિરોધી જુથમાં સોપો પડી ગયો છે. વિપુલભાઈ ચૌધરીના આ નિવેદન બાદ વિસનગરના રાજકારણમાં ભુકંપ સર્જાયો છે. ધારાસભ્ય વિરોધી જુથ તો બકરૂ કાઢવા જતા ઉંટ પેઠુની કહેવતને વાગોળી રહ્યુ છે.

બકરૂ કાઢતા ઉંટ પેઠુની કહેવત વાગોળતુ વિરોધી જુથ

આગામી ૧૮ સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરમાં અર્બુદા સેનાની સાધારણ સભા માટે વિપુલભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં સતત મીટીંગો યોજાઈ રહી છે. વિપુલભાઈ ચૌધરી સતત મીટીંગો કરી તેમના રાજકીય દુશ્મન શંકરભાઈ ચૌધરી, અમીતભાઈ ચૌધરી અને ઋષિભાઈ પટેલની ઉંઘ હરામ કરી દીધી છે. વિસનગર આદર્શ વિદ્યાલયના પ્રાર્થના હૉલમાં વિપુલભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં અર્બુદા સેનાની જીલ્લા કારોબારી મળી હતી. આ મીટીંગમાં મોઘજીભાઈ ચૌધરી, નટુભાઈ ચૌધરી, કે.કે.ચૌધરી, નરસિંહભાઈ જી.ચૌધરી, જે.ડી.ચૌધરી, નારાયણભાઈ ચૌધરી, હસમુખભાઈ ચૌધરી વિગેરે આગેવાનો સાથે મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. જીલ્લા કારોબારીની બેઠક બાબતે વિપુલભાઈ ચૌધરીએ જણાવ્યુ હતું કે, ૧૮ મી સપ્ટેમ્બરના રોજ અર્બુદા સેનાની સાધારણ સભામાં દરેક સભ્ય ઘેર ઘેર નિમંત્રણ આપવા, બીજી ઓક્ટોબરના દિવસે અર્બુદા સેના દ્વારા કરવામાં આવનાર કાર્યક્રમોની રૂપરેખાની સમજ આપવા બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ છે. કયા પક્ષમાં છો અને ક્યાંથી ચુંટણી લડવાના છો તેવા એક પ્રશ્નમાં વિપુલભાઈ ચૌધરીએ જણાવ્યુ હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથે ભાજપનો ખેસ પહેર્યો હતો અને બીજો અર્બુદા સેનાનો ખેસ પહેર્યો છે. આ સીવાય બીજો કોઈ ખેસ પહેરવાનો નથી. રાજકીય ખેસ ભારતીય જનતા પાર્ટીનોજ છે. જ્યારે વિસનગરમાંથી ભાજપમાંથી ચુંટણી લડીશ તેવો હુંકાર કર્યો હતો. વિપુલભાઈ ચૌધરીના આ નિવેદનથી વિસનગર ભાજપમાંથી વિધાનસભાની ચુંટણીના દાવેદારોમાં ખળભળાટ વ્યાપ્યો છે.
કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલનુ રાજકીય કદ ઓછુ થાય તે માટે વિપુલભાઈ ચૌધરી દ્વારા વિસનગર શહેરમાં આદર્શ વિદ્યાલયમાં તેમજ તાલુકાના ગામડામાં અર્બુદા સેનાની અનેક સભાઓ કરવામાં આવી છે. ત્યારે કેબીનેટ મંત્રીના વિરોધી જુથે પણ સહકાર સંમેલન તથા અન્ય સભાઓ સફળ થાય તે માટે પડદા પાછળથી સહકાર આપ્યો છે. વિસનગર તાલુકામાં હોબાળા થાય અને ઋષિભાઈ પટેલની ઈમેજ ખરડાય તેવા ધ્યેય સાથે વિરોધી જુથ દ્વારા વિપુલભાઈ ચૌધરીની સભાઓને સહકાર આપતા હોવાનુ ચર્ચાતુ હતુ. પરંતુ હવે તો વિપુલભાઈ ચૌધરીએજ વિસનગરમાં ભાજપમાંથી ચુંટણી લડવાનો દાવો કરતા વિરોધી જુથ બકરૂ કાઢતા ઉંટ પેઠુ હોવાની કહેવત વાગોળી રહ્યુ છે. વિપુલભાઈ ચૌધરી કોંગ્રેસમાં કે આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવી ચર્ચાઓ ઘણા સમયથી થતી હતી. ત્યારે રાજકીય ખેસ ભારતીય જનતા પાર્ટીનોજ છે તેવુ જણાવી અન્ય પક્ષમાં જોડાવાની ચર્ચાઓ ઉપર પણ પુર્ણવિરામ મુકાઈ ગયુ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us