કોઈની નિંદા કરવી તે અધમ કૃત્ય ગણાય
તંત્રી સ્થાનેથી…
જીવનમાં અનેક પ્રકારના જુદા જુદા રસ છે. ભજનનો રસ, નાટક જોવાનો રસ, પીક્ચર જોવાનો રસ, સંગીતનો રસ આ બધા રસોમાં એક મોટેભાગે સર્વને પ્રિય છે તેવો નિંદા રસ છે. જે જાણે અજાણે પણ જીવનમાં વણાઈ ગયેલો હોય છે. આખી રાત ભજન કરો તો પાછળની રાત્રે ઊંઘ આવવાની જ છે. નાટક અને પિક્ચરમાં પણ આવું કંઈક છે. સંગીત રસમાં પણ આખી રાત સંગીત ગાઈ શકાતું નથી જ્યારે નિંદા રસ એ એવો રસ છે કે કોઈ ટોપીક હાથમાં આવી જાય અને બધા વિરોધીઓનું ટોળુ ભેગુ થાય એટલે આખી રાત નીકળી જાય. રાજકીય વ્યક્તિઓમાં પણ આવું જ કાંઈક છે. વક્તા પોતાના ઉમેદવારનાં વખાણ કરે તો તે લાંબો સમય બોલી શકતા નથી. પણ વિરોધ પક્ષના ઉમેદવારના વિરોધની વાત કરવામાં આવે તો શ્રોતાઓ કંટાળે પણ વક્તવ્ય આપનાર અટકે નહિ. જોકે જાણે અજાણે વિરોધ કરી કર્મનું ભાથુ બાંધી લે છે. બીજાની ગેરહાજરીમાં કોઈ વ્યક્તિની નિંદા કરવી તે યોગ્ય નથી. જોકે નિંદા વ્યક્તિની ગેરહાજરીમાં જ થાય. સામે ઊભેલા વ્યક્તિની નિંદા થઈ શકતી નથી. અમુક માનવીઓને સામેની વ્યક્તિની ભૂલો જોવાની એટલા માટે મન થાય છેકે પોતાની દ્રષ્ટિ ટૂંકી હોય છે. બીજા પાસે છે પણ પોતાની પાસે નથી તેવી સરખામણી કરી ઈર્ષા આવતા નિંદા કરવાનું કશું બાકી રાખતો નથી. સમાજના બીજાને હલકો ગણાવી પોતે સુખ તથા સંતોષ મેળવવાનું કરતો હોય છે. નિંદા ખોરનો એક વર્ગ છે. આ વર્ગને નિંદા કર્યા વિના ચેન પડતું નથી અને નિંદા કરવામા રજનું ગજ કરે છે. નિંદા કરનાર વ્યક્તિ જેની નિંદા કરતો હોય તેની હાજરીમાં કરી શકતો નથી. કોઈની ગેરહાજરીનો લાભ ઉઠાવી બીજા લોકોને મનફાવે તેમ બોલીને પોતે ખુશ થાય છે. પોતાનો અહમ્ પોષતો રહે છે. નિંદા કરવામાં ઈર્ષા વધુ મોટો ભાગ ભજવે છે. ઈર્ષા થવાથી મનમાં અશાંતિ તથા અજંપો થતાં નિંદા કરવાનો વિચાર આવે છે. પોતે પાછળ રહી ગયો છે બીજો આગળ આવી ગયો તેમાંથી આ નિંદા રસનો જન્મ થાય છે. નીંદા એ એક નકારાત્મક પગલું છે. નિંદાખોર બીજાને ઉતારી પાડવામાં અતિશયોક્તિ કરી બીજાને ગેરમાર્ગે દોરે છે. નિંદાખોર વ્યક્તિ જ્યારે બીજાઓની આગળ નિંદા કરે છે ત્યારે બીજાઓને તમાશો જોવા મળે છે. પરંતુ લોકો મનમાં સમજે છે કે આ નિંદાખોર આની નિંદા કરે છે તો કાલે આપણી પણ નિંદા કરવામાં બાકી રાખશે નહિ. આવી નિંદાખોર વ્યક્તિઓથી દૂર રહેવું જોઈએ. શક્ય હોય તો કોઈની નિંદા સાંભળવી જોઈએ નહિ અને પોઝીટીવ થીંકીંગ(વિચારો) રાખવા જોઈએ. જે વ્યક્તિ અદેખાઈ કરતો નથી તે વ્યક્તિ નિંદા કરવાનો વિચાર સુદ્ધા પણ નહિ કરે ખોટા ચિત્રો પ્રદર્શિત કરી કોઈના ઉપર કાદવ ઉછાળવો તે અનિતિ છે. ભલે તમે કોઈની પ્રસંશા ન કરી શકો પણ કોઈની નિંદા કરશો નહિ. નિંદા કરવી તે અધમવૃત્તિ ગણાય છે. જેથી નિંદાખોર અને નિંદાથી દૂર રહેવું જોઈએ.