
વિસનગર પાલિકા દંડક મેહુલભાઈ પટેલની લાબી લડત બાદ મધેક તળાવમાં STP કે પંપીંગ સ્ટેશનની વિચારણા

વિસનગર પાલિકાના દંડક તથા વોર્ડ નં.૭ ના સભ્ય મેહુલભાઈ પટેલ દ્વારા મધેક તળાવની સ્વચ્છતા માટે છેલ્લા ઘણા સમયથી લડત ચાલતી હતી. મુખ્યમંત્રી સુધી અસરકારક રજુઆત કરવામાં આવી હતી. ત્યારે જી.યુ.ડી.સી.ની ફેઝ-ટુ ગટરલાઈન કામગીરીમાં તળાવમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કે પંપીંગ સ્ટેશન બનાવવા વિચારણા કરવામાં આવી છે. મેહુલભાઈ પટેલની રજુઆતથી તળાવમાંથી વર્ષોબાદ ગંદકી દૂર થવાની આશા બંધાતા વોર્ડ નં.૬ અને ૭ ના રહીસોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
વિસનગરમાં કમાણા રોડ ઉપર આવેલ મધેક તળાવમાં વર્ષોથી ગંદકી છે. આસપાસની સોસાયટી દ્વારા ગટરનુ પાણી ઠલાવતા દુર્ગંધથી પણ લોકો ત્રાસી ગયા છે. તળાવની ચારે તરફ રહેણાંક વિસ્તાર છે. વળી તંત્રની દેખરેખના અભાવે તળાવની જગ્યામાં દબાણ પણ પુષ્કળ પ્રમાણમાં થયા છે. રૂા.૪ કરોડની આગવી ઓળખની ગ્રાન્ટમાંથી મધેક તળાવ રિનોવેશન માટે વિચારણામાં હતુ. પરંતુ પીંડારીયા તળાવનો વિકાસ કરાયો હતો.
પાલિકાના નવા બોર્ડમાં વોર્ડ નં.૭ ના સભ્ય તથા દંડક મેહુલભાઈ કરશનભાઈ પટેલે વોર્ડ નં.૬ અને ૭ ની સમસ્યા રૂપ તળાવની સ્વચ્છતા માટે છેલ્લા સાત આઠ માસથી પ્રયત્નો શરૂ કર્યા હતા. તેમની રજુઆત હતી કે જી.યુ.ડી.સી. દ્વારા ગટરલાઈન નંખાઈ તેમાં ખામી રહેવાના કારણે ગટરનુ પાણી તળાવમાં ઠલવાય છે. તળાવ આસપાસની સોસાયટીઓની ગટરલાઈન માટે જી.યુ.ડી.સી.ના ફેઝ-વનના પ્રોજેક્ટમાં કોઈ કાર્યવાહી કરવામાં નહી આવતા તળાવમાં પરાવાર ગંદકી થઈ છે. જી.યુ.ડી.સી.ની ભુલથી તળાવ બગડ્યુ છે તો સાફ કરવાની જવાબદારી પણ આ વિભાગની છે. તળાવમાં સતત ગંદુ પાણી ભરાઈ રહેતા વનસ્પતિ ઉગી નિકળી હોવાથી આસપાસના રહેણાંક વિસ્તારમાં મચ્છરોનો પણ ઉપદ્રવ છે. પાલિકા દંડક દ્વારા મધેક તળાવની ગંદકી બાબતે જી.યુ.ડી.સી.ને જવાબદાર ગણી મુખ્યમંત્રી, પ્રાદેશિક કમિશ્નર, કમિશ્નર ઓફ મ્યુનિસિપાલીટી રીજનલ વિગેરે વિભાગમાં પત્ર વ્યવહાર કર્યો હતો. આ ઉપરાંત્ત સદુથલા રોડ ઉપર ગણપતિ ઓઈલ મીલની સામે આવેલ હેરના તળાવમાં પણ સ્વચ્છતા કરવા રજુઆત કરવામાં આવી હતી. હેરના તળાવમાં પણ અંબર સિનેમા પાછળ આવેલ સોસાયટીઓ તથા સદુથલા રોડની સોસાયટીઓના ગટરના પાણીનો નિકાલ થાય છે. જે પણ જી.યુ.ડી.સી.ની ભુલનુ પરિણામ છે.
પાલિકા દંડક મેહુલભાઈ પટેલ દ્વારા સતત પત્ર વ્યવહારથી રજુઆત કરતા જી.યુ.ડી.સી.ને જવાબ આપવો કઠીન થઈ ગયો હતો. આ પ્રશ્નમાં જી.યુ.ડી.સી. બરોબરનુ ભરાયુ હતુ. છેવટે જી.યુ.ડી.સી. દ્વારા વિસનગરમાં નવીન ગટરલાઈન માટે ફેઝ ટુ નો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે આ પ્રોજેક્ટમાં મધેક તળાવમાં એસ.ટી.પી. અથવા પંપીંગ સ્ટેશન બનાવવાની વિચારણા કરવામાં આવી છે. એસ.ટી.પી. કે પંપીંગ સ્ટેશન માટે તળાવની સફાઈ થશે, કાયમી ગંદકીનો નિકાલ થશે તેવી વોર્ડ નં.૬ અને ૭ ના રહીસોમાં આશા બંધાઈ છે.