પ્રથમ દિવસેજ કપાસનો રૂા.૩૫૧૧ના ઐતિહાસિક ભાવે સોદો થયો
વિસનગર ગંજબજાર વેપારી મંડળ દ્વારા કપાસની નવા વર્ષની હરાજીનો શુભારંભ
વિસનગર માર્કેટયાર્ડ ઉત્તર ગુજરાતમાં કપાસની લે-વેચનુ મોટુ પીઠુ બની ગયુ છે. ખેડૂતોને અન્યાય ન થાય તે માટે ગંજબજાર વેપારી મંડળની નીતિ તેમજ માર્કેટ કમિટિ દ્વારા અપાતી સુવિધાઓના કારણે કપાસ વેચવા ખેડૂતો માટે વિસનગર માર્કેટયાર્ડ પસંદગીનું કેન્દ્ર બની ગયુ છે. કપાસની હરાજીનો શુભારંભ કરતાજ પ્રથમ દિવસે રૂા.૩૫૧૧/- નો ઐતિહાસિક સોદો પડતા વેપારીઓ તથા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. સારો વરસાદ તથા કપાસના સારા પાકથી આ વર્ષે કપાસની મોટી આવક થાય તેમજ રૂા.૨૦૦૦/- આસપાસ ભાવ રહે તેવી શક્યતા જોવામાં આવી રહી છે.
વિસનગર માર્કેટયાર્ડમાં ખેત ઉત્પાદન વેચવા આવતા ખેડૂતને કોઈ તકલીફ ન પડે તે માટે માર્કેટ કમિટિ દ્વારા પૂરતી કાળજી રાખવામાં આવે છે. જ્યારે સાચુ તોલ અને તુર્તજ ચુકવણીની ગંજબજાર વેપારી મંડળની નીતિના કારણે ખેડૂતો ખેત પેદાશ વેચવા માટે વિસનગર માર્કેટયાર્ડને પસંદ કરતા હોય છે. વિસનગર માર્કેટયાર્ડ એ ઉત્તર ગુજરાતમાં કપાસનુ પીઠુ છે. ભાદરવા મહિનાથીજ કપાસની આવક થતી હોય છે. ત્યારે તા.૭-૯-૨૦૨૨ ને બુધવારના રોજ સવારે ૯-૧૫ ના શુભ મુહુર્તમાં ગંજબજાર વેપારી મંડળના પ્રમુખ પંકજભાઈ પટેલ (પી.સી.) દ્વારા દિપ પ્રાગટ્ય કરી નવા વર્ષની કપાસની હરાજીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જે પ્રસંગે માર્કેટયાર્ડના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, ડિરેક્ટર પરેશભાઈ પટેલ, જે.ડી.ચૌધરી, જગદીશભાઈ પટેલ, રાજીવભાઈ પટેલ, એલ.કે.પટેલ, રાજુભાઈ પટેલ આર.કે., નટુભાઈ પટેલ સદુથલા, અંકિતભાઈ પટેલ ઉમતા, રાજુભાઈ ચૌધરી, મહેન્દ્રભાઈ પટેલ કંસારાકુઈ, સેક્રેટરી કમલેશભાઈ પટેલ, વેપારી મિત્રો, હોદ્દેદારો, ખેડૂત મિત્રો વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તમામની હાજરીમાં હરિ ૐ ટ્રેડર્સની હરાજી શરૂ કરવામાં આવી. હરાજીમાં ઘાઘરેટના ખેડૂત પટેલ ભરતભાઈ પરસોત્તમદાસના કપાસના ૨૦ કિલોના રૂા.૩૫૧૧/- જેવા ઐતિહાસિક ભાવે પ્રથમ સોદો થયો હતો. જે સોદો ગંજબજારના વેપારી અગ્રણી વેપારી મંડળના પૂર્વ પ્રમુખ કરશનભાઈ પટેલ(લાછડી)ની પેઢી પટેલ વિજયકુમાર કરશનભાઈના નામે છુટેલ. જે સોદાને સૌએ વધાવી હાજર ખેડૂતોને નવા વર્ષના કપાસના સારા ભાવ મળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. કપાસની શરૂઆતની આવક ૬૦ મણ જેટલી હતી. ધીમે ધીમે બજાર ચાલુ થતા આવકોનુ પ્રમાણ વધશે. બીજા દિવસે કપાસના સરેરાશ રૂા.૧૮૦૦ થી રૂા.૨૨૦૦/- ના ભાવ પડ્યા હતા. વેપારીઓના મતે આ વર્ષે કપાસના રૂા.૨૦૦૦/- ની આસપાસ ભાવ રહેશે. માર્કેટયાર્ડના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ તથા ગંજબજાર વેપારી મંડળના પ્રમુખ પંકજભાઈ પટેલે તમામનો આભાર માન્યો હતો. વિસનગર માર્કેટયાર્ડમાં કપાસની હરાજી શરૂ થઈ ગઈ હોવાથી કપાસ વેચવા માટે આવવા અપીલ કરવામાં આવી છે.