Select Page

સેવા કેમ્પો આસપાસ સફાઈ કરવી એ પણ એક પ્રકારની ભક્તિ છે

સેવા કેમ્પો આસપાસ સફાઈ કરવી એ પણ એક પ્રકારની ભક્તિ છે

તંત્રી સ્થાનેથી…

“સ્વચ્છતા ત્યા પ્રભુતા” ભાદરવી પૂનમના મેળામાં લાખ્ખો પદયાત્રીઓ અંબાજી દર્શને જાય છે. જેમાં મોટાભાગના પદયાત્રી સંઘમાં તો કેટલાક જરૂરીયાત મુજબનો સામાન સાથે લઈને અંબાજી પદયાત્રાએ જતા હોય છે. આ પદયાત્રીઓની સેવા માટે વેપારી મંડળો, મિત્ર મંડળો, વિવિધ સંસ્થાઓ દ્વારા નાના મોટા સેવા કેમ્પ કરવામાં આવે છે. ચા-પાણી નાસ્તાથી માંડીને ચોવીસ કલાક જમણવાર સુધીના સેવા કેમ્પ પદયાત્રીઓના માર્ગે ધમધમે છે. પદયાત્રા માર્ગે દર ચાર પાંચ કિ.મી.ના અંતરે સેવા કેમ્પ હોય છે. હજ્જારોની સંખ્યામાં પદયાત્રી સેવા કેમ્પનો લાભ લેતા હોવાથી મોટાભાગના સેવા કેમ્પની આસપાસ પ્લાસ્ટીક ચમચી, પડીયા, ગ્લાસ, ડીશો, પ્લાસ્ટીક થેલી તથા અન્ય કચરો થાય છે. સેવા કેમ્પના આવા કચરાના કારણે આસપાસના વિસ્તારમાં ભારે પ્રદુષણ થાય છે. સેવા કેમ્પ કરનાર સંચાલકો કેમ્પની પુર્ણાહુતિ બાદ સ્થળ છોડીને જતા રહે છે. પરંતુ સેવા કેમ્પના કારણે એકઠો થયેલો કચરો આસપાસના જીવ જંતુઓ માટે જોખમી બની જાય છે. નાસ્તા, જમણવારના તેમજ શૌચાલયની સેવા આપનાર કેમ્પની આસપાસ ભારે દુર્ગંધ ફેલાય છે. પદયાત્રીઓ માટે એક તરફ સેવા તો થાય છે ત્યારે બીજી તરફ પર્યાવરણ તેમજ જીવ જંતુઓને મોટુ નુકશાન થાય છે. જે નુકશાન કલ્પી ન શકાય તેવુ હોય છે. સેવા કેમ્પના કચરાથી નુકશાન થતુ અટકે તે માટે કેટલીક સ્કુલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અને સફાઈના કેમ્પ કરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં કેમ્પ વધારે પ્રમાણમાં હોવાથી ગામડાની પ્રાથમિક શાળાઓ તથા સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા સેવા કેમ્પની આસપાસ સફાઈ કરવામાં આવે છે. તેમ છતાં પદયાત્રા માર્ગે કેટલાક સેવાભાવી લોકો વ્યક્તિગત રીતે બીસ્કીટ, ચોકલેટ, નાસ્તાના પાઉચ, ઠંડા પાણીની બોટલો વિગેરેનું વિતરણ કરતા હોવાણી ઘણી જગ્યાએ માર્ગ ઉપર ખાલી પેકેટ તથા બોટલોનો કચરો જોવા મળતો હોય છે. વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો નજીકના સેવા કેમ્પના રોડ ઉપરના કચરાની સફાઈ તો કરે છે તેમ છતાં ઘણી જગ્યાએ રોડ ઉપર પ્રદુષણ ફેલાવતો કચરો જોવા મળે છે. ભાદરવી પૂનમના મેળા બાદ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મેઈન હાઈવેની સફાઈના ખર્ચ માટે રૂા.૪૭ લાખની સૈધ્ધાંતિક મંજુરી આપી છે. સરકારના પ્રયત્નોથી હાઈવે તથા સ્ટેટ હાઈવેની સફાઈ થશે. પરંતુ ગ્રામ્ય વિસ્તારના રોડ ઉપરથી સફાઈ થાય તે માટે જે તાલુકા પંચાયત વિસ્તારમાંથી પદયાત્રા માર્ગ પસાર થતા હોય તેની હદમાં આવતા ગ્રામ્ય વિસ્તારના માર્ગોની સફાઈ થાય તે માટે પણ તાલુકા પંચાયતોમાં સ્વચ્છતા માટે બજેટની જોગવાઈ કરવી જરૂરી છે. સરકારી તંત્ર દ્વારા પદયાત્રા માર્ગોની પુરતી સફાઈ થાય તે અશક્ય છે. ત્યારે વડાપ્રધાત નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતાના સંકલ્પને યાદ કરી પર્યાવરણ જાળવણી અને ખાસ કરીને જીવ જંતુઓના જીવન માટે સેવા કેમ્પ આસપાસ સફાઈ કરવી એ પણ એક પ્રકારની ભક્તિ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us