Select Page

વિસનગરમાં પાંચ વર્ષમાં રૂા.૧૭૦૦ કરોડના વિકાસ કામ-કેબીનેટ મંત્રી

વિસનગરમાં મંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે રૂા.૨૬૮ લાખના ૧૨૩ કામોનુ ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહુર્ત કરાયુ

વિસનગર એ.પી.એમ.સી. હોલમાં રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલની અધ્યક્ષતામાં સરકારના વિશ્વાસથી વિકાસ યાત્રાનો પ્રાન્ત કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે વિસનગર અને વિજાપુર તાલુકામાં રૂા.૧૫૯.૨૩ લાખના ખર્ચે થયેલા ૭૩ કામોનુ ઈ-લોકાર્પણ અને રૂા.૧૦૯.૦૬ લાખના ખર્ચે નિર્માણ થનાર ૫૦ કામોનું ઈ- ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં તાલુકા અને જીલ્લા પંચાયતના ભાજપના સદસ્યશ્રીઓ તાલુકા પંચાયતના કર્મચારીશ્રીઓ, તલાટી કમ મંત્રીઓ, એ.પી.એમ.સી.ના ડીરેક્ટરશ્રીઓ, સરપંચશ્રીઓ તથા મિશન મંગલમ્‌ યોજના અને આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલનું બહુમાન કરી શુભકામનાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં વિસનગર ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, ભાજપ સરકારમાં છેલ્લા ૨૨ વર્ષથી વિકાસકામોના ખાતમુહુર્ત અને લોકાર્પણ કાર્યો થઈ રહ્યા છે. વિકાસ એ નિરંતર પ્રક્રિયા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અવિરત વિકાસની સાથે ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો તેમજ ખેડુતોની સતત ચિંતા કરી છે. સરકારે દરેક ગામોને એકબીજા સાથે જોડવાનુ કામ કર્યુ છે. અત્યારે એકપણ ગામ એવુ નહી હોય કે, તેને જોડતા ત્રણ રસ્તા જોવા ન મળે. કોણ કયા રસ્તાથી આવશે અને જશે તેની કોઈને ખબર ન પડે તેટલા રોડ બન્યા છે. વિસનગર અને વિજાપુર તાલુકામાં કરોડો રૂપિયાના ખર્ચે વિકાસકામો થયા છે અને થઈ રહ્યા છે. આગામી ટુંક સમયમાં કરોડો રૂપિયાના વિકાસકામોના ખાતમુહુર્ત અને લોકાર્પણ થવાના છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારમાં પુરેપુરા રૂપિયા વિકાસકામોમાં વપરાઈ રહ્યા છે.વિસનગર શહેર અને તાલુકામાં છેલ્લા પાંચ વર્ષમાં રૂા.૧૭૦૦ થી ૧૮૦૦ કરોડના વિકાસકામો થયા છે. વિકાસ અને લોકોના વિશ્વાસથી આજે ગુજરાત દેશમાં રોલમોડેલ બન્યુ છે. સરકારે શિક્ષણ અને આરોગ્યને લગતી સુવિધાઓ માટે કરોડો રૂપિયા ફાળવ્યા છે. ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે ૧૦૦૦૦ ઓરડાઓ મંજુર કર્યા છે. હોસ્પિટલોમાં પુરતા પ્રમાણમાં તબીબો, પેરામેડીકલ સ્ટાફ તથા નર્સોની નિમણુકો કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય શિક્ષણ, આરોગ્ય સહિત તમામ ક્ષેત્રે પ્રથમ સ્થાન ધરાવે છે. આ પ્રસંગે માહિતી ખાતા દ્વારા નિર્મિત વિશ્વાસથી વિકાસ યાત્રાની સીડી દ્વારા સરકારે કરેલા વિકાસકામોની ઝાંખી રજુ કરવામાં
આવી હતી. જ્યારે તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલે જણાવ્યુ હતુ કે, સરકારની એટીવીટી, આયોજન, નાણાંપંચ, ધારાસભ્ય ફંડ તથા સંસદસભ્ય ફંડની ગ્રાન્ટોમાંથી
ગ્રામ્યકક્ષાએ રોડ, રસ્તા, પાણીની સુવિધા, ગટરલાઈન, વિજળી, સફાઈ જેવી પાયાની સુવિધાના લોક ઉપયોગી કામો થયા છે. સરકારની નલ સે જલ યોજનામાં આજે ગામેગામ પાણીની સુવિધા ઉપલબ્ધ થઈ છે. કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના અથાગ પ્રયત્નોથી સિંચાઈ અને આરોગ્યક્ષેત્રે કરોડો રૂપિયાના કામો થયા છે. આ પ્રસંગે વિસનગર પ્રાન્ત અધિકારી રામનિવાસ બુગાલિયા, વિસનગર તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, વિજાપુર તાલુકા પંચાયત પ્રમુખ ભાવિકભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, એ.પી.એમ.સી. ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, તાલુકા પંચાયત સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન અંકિતભાઈ પટેલ, જીલ્લા સદસ્ય અરવિંદજી ઠાકોર, તાલુકા ભાજપ મહામંત્રી મહેશભાઈ પટેલ (સુંશી), મહેન્દ્રભાઈ ચૌધરી (ગુંજાળા), તાલુકા પંચાયત ઉપપ્રમુખ નિતાબેન ઠાકોર સહિત જીલ્લા પંચાયતના ભાજપના સદસ્યશ્રીઓના પતિદેવો અને તાલુકા પંચાયતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રાન્ત અધિકારી રામનિવાસ બુગાલિયાના માર્ગદર્શન હેઠળ વિસનગર ટી.ડી.ઓ. મનુભાઈ એમ.પટેલ સહિત તાલુકા પંચાયત સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમની આભારવિધિ વિજાપુર તાલુકા પંચાયત વહીવટી કુશળ યુવા ટી.ડી.ઓ. પાર્થ મિશ્રાએ કરી હતી. કાર્યક્રમનું સુંદર એન્કરીંગ ગોઠવાના શિક્ષક કૌશલભાઈ રાવલે કર્યુ હતુ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us