Select Page

વિસનગર વિધાનસભા સીટમાં કોંગ્રેસમાંથી ૧૫ ટીકીટના દાવેદાર

વિસનગર વિધાનસભા સીટમાં કોંગ્રેસમાંથી ૧૫ ટીકીટના દાવેદાર

ભાજપના જુવાળ સામે પણ કોંગ્રેસના આગેવાનોનો થનગનાટ

ભાજપનો ભલે ગમે તેટલો જુવાળ હોય પરંતુ કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરોનો ઉત્સાહ હજુ પણ એવોને એવો છે જે વિસનગર વિધાનસભા સીટમાં ટીકીટની દાવેદારી ઉપરથી કહી શકાય. વિસનગર વિધાનસભા સીટ માટે કોંગ્રેસમાં સેન્સ લેવાઈ હતી. જેમાં ૧૫ જેટલા આગેવાનોએ ઉમેદવારી માટે દાવો કર્યો હોવાનુ જાણવા મળ્યુ છે.
જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ ઠાકોર તથા પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં જીલ્લાની ૭ વિધાનસભા સીટ માટે ઉમેદવારોની સેન્સ લેવામાં આવી હતી. જેમાં ૨૨ વિસનગર વિધાનસભા સીટમાં કોંગ્રેસના ૧૫ આગેવાનોએ ટીકીટની દાવેદારી કરી હતી. વિસનગર સીટ ઉપરથી કોને કોને દાવેદારી કરી તે જોઈએ તો, જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન હસમુખભાઈ ચૌધરી, જીલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ કિર્તિસિંહ કે.ઝાલા, વિસનગર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મનુજી મફાજી ઠાકોર, સી.કે.ઠાકોર, વિક્રમજી જેસંગજી ઠાકોર, સુરેશભાઈ બબલદાસ પટેલ, વિસનગર તાલુકા સમુહલગ્ન સમિતિના પ્રમુખ મણાજી મોતીજી ઠાકોર સદુથલા, અનીલજી ગાંડાજી ઠાકોર, અંતરબેન એસ.ઠાકોર, રામાજી સોનાજી ઠાકોર, પ્રકાશબેન વિક્રમસિંહ ઠાકોર, જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શીલાબેન સુધીરભાઈ પટેલ, સુધીરભાઈ પટેલ, જીતુભાઈ નારાણભાઈ ચૌધરી, જીલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ રીટાબેન પટેલ વાલમ, જીલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન તથા કાંસા સરપંચ ગાયત્રીબેન પટેલ, સુરેશભાઈ પટેલ વાલમ વિગેરે દ્વારા દાવેદારી કરવામાં આવી હોવાનુ જાણવા મળ્યુ છે. આ ચુંટણીમાં વિસનગર વિધાનસભા સીટ ઉપર કોંગ્રેસમાંથી ઠાકોર સમાજને ટીકીટ આપવામાં આવે તેવી ચર્ચાઓને કારણે કુલ દાવેદારોમાંથી ઠાકોર સમાજના ૯ આગેવાનો દ્વારા ટીકીટની માગણી કરવામાં આવી છે.
વિસનગર વિધાનસભા સીટ ભાજપનો ગઢ ગણાય છે. કિરીટભાઈ પટેલ ભાજપમાંથી ચુંટણી લડી જીત્યા ત્યારથી આ સીટ ઉપર ભાજપના ઉમેદવાર જીતતા આવ્યા છે. પાટીદાર અનામત આંદોલનના પવનમાં પણ ભાજપમાંથી ઋષિભાઈ પટેલ વિજયી થયા હતા. આમ વિસનગર સીટ ભાજપનો ગઢ હોવા છતા આ સીટમાં કોંગ્રેસમાંથી ટીકીટના દાવેદારોની ઓટ આવી નથી. વિસનગર સીટ ઉપરથી ચુંટણી લડવા કોંગ્રેસના આગેવાનોનો એક અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ ઠાકોરની પણ અગાઉ વિસનગર સીટમાં દાવેદારોમાં ગણના થતી હતી. પરંતુ પાર્ટીએ જીલ્લાની મહત્વની જવાબદારી આપી હોવાથી ટીકીટની માગણી કરી નથી તેમ જણાવ્યુ હતુ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us