Select Page

અર્બુદા સેનાનો વિપુલભાઈ ચૌધરીના સમર્થનમાં આર-પારનો મિજાજ

જાખડ ઋષિએ ભવિષ્ય ભાખ્યુ ટીકીટ પ્રકાશભાઈ પટેલને મળશે

  • વિપુલભાઈ ચૌધરીની મુક્તી ન થાય ત્યા સુધી જુસ્સો અકબંધ રાખવાનો છે-કે.કે.ચૌધરી
  • અર્બુદા ધામમાં ચૌધરી સમાજની ૨૦ થી ૨૫ હજારની જનમેદની ઉમટી

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલભાઈ ચૌધરીની ધરપકડના વિરોધમાં બાસણા અર્બુદા ધામમાં અર્બુદા સેના દ્વારા આયોજીત મહાસંમેલનમાં ચૌધરી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. આ સંમેલનમાં વિપુલભાઈ ચૌધરીને મુક્ત નહી કરાય તો અર્બુદા સેનાનો આરપારનો મિજાજ જોવા મળ્યો હતો. કે.કે.ચૌધરીએ અર્બુદા સેનામાં ભાગફોડ ન થાય તેનુ ધ્યાન રાખવા સુચન કર્યુ હતુ. ત્યારે જાખડ ઋષિએ આ વખતે ટીકીટ પ્રકાશભાઈ પટેલને મળશે તેવુ ભવિષ્ય ભાખતા વિસનગરના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. જાખડ ઋષિએ સમગ્ર ઘટનામાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલને દોષિત ગણાવ્યા હતા.
દૂધસાગર ડેરીની ચુંટણીનુ સુકાન સંભાળી અશોકભાઈ ચૌધરીને ચેરમેન બનાવતા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલને વિપુલભાઈ ચૌધરીએ ટાર્ગેટમાં લીધા છે. અર્બુદા સેનાની સ્થાપના કર્યા બાદ વિસનગર તાલુકામાંથી સભાઓની શરૂઆત થઈ. વિપુલભાઈ ચૌધરીએ અર્બુદા સેનાની આખી ફોજ ઉત્તર ગુજરાતમાં ધમધમતી કરી. ત્યારે દૂધસાગર ડેરીના કૌભાંડમાં વિપુલભાઈ ચૌધરીની ધરપકડ કરવામાં આવતા ચૌધરી સમાજના સમર્થકોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. વિસનગર તાલુકાના ચૌધરી સમાજના ગામોમાં વિપુલભાઈ ચૌધરી મુક્ત ન થાય ત્યાં સુધી ભાજપના નેતા, મંત્રી અને આગેવાનોને ગામમાં પ્રવેશવા દેવામાં આવશે નહી તેવા બોર્ડ લાગ્યા હતા. ત્યારે કેટલાક ગામમાં ગામના અમુક માણસો જાણે આખુ ગામ તેમના તાબામાં હોય તે રીતે રાજકીય પક્ષના આગેવાનોએ આવવુ નહી તેવા બોર્ડ માર્યા છે. ત્યારે ગામ તમામ પક્ષોના આગેવાનોને આવકારે છે તેવા બોર્ડ માર્યા હતા. આમ વિપુલભાઈ ચૌધરીના સમર્થકો તેમજ ઋષિભાઈ પટેલના સમર્થકો વચ્ચે પોસ્ટર યુધ્ધ ચાલ્યુ હતુ.
આ દરમ્યાન વિપુલભાઈ ચૌધરીને મુક્ત કરવાની માગણી માટે તેમજ સરકારની કિન્નાખોરી ભર્યા વલણ સામે રોષ વ્યક્ત કરવા માટે બાસણા અર્બુદા ધામમાં અર્બુદા સેના દ્વારા સદ્‌ભાવના યજ્ઞ તથા મહાસંમેલનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ચૌધરી સમાજના મોઘજીભાઈ ચૌધરી, અર્બુદા ધામના સ્થાપક જાખડ ઋષિ, નટુભાઈ ચૌધરી, શંકરભાઈ ચૌધરી, વાઘજીભાઈ ચૌધરી, અમથાભાઈ ચૌધરી, હસમુખભાઈ ચૌધરી મગરોડા, કે.કે.ચૌધરી દઢિયાળ સહિત ૨૦ થી ૨૫ હજાર ચૌધરી સમાજના લોકો ઉમટ્યા હતા. સ્વાગત પ્રવચનમાં કે.કે.ચૌધરીએ જણાવ્યુ હતું કે, વિપુલભાઈ ચૌધરીની ધરપકડ કરી છે તેના વિરોધમાં સરકાર સુધી અવાજ પહોચાડવા અર્બુદા ધામમાં અર્બુદા સેનાના સૈનિકો ઉપસ્થિત રહ્યા છે. વિપુલભાઈ ચૌધરીની મુક્તિ ન થાય ત્યાં સુધી આવોજ જુસ્સો જાળવી રાખવાનો છે. વિપુલભાઈ ચૌધરીનુ રાજકીય રીતે સમાજમાં વધતુ મહત્વ અટકાવવા સરકારે યેન કેન પ્રકારે ધરપકડ કરી છે. જેને વખોડીયે છીએ. સમાજની એકતા હશે તો ન્યાય મળીને રહેશે. અર્બુદા સેનામાં ભાગફોડ ન થાય તેનુ ધ્યાન રાખવાનુ છે.
જાખડ ઋષિએ જણાવ્યુ હતું કે, અશોકભાઈ ચૌધરી ચેરમેન બન્યા તેમા વાંધો નથી. પરંતુ બીજાના ઈશારે વિપુલભાઈ ચૌધરીને જેલમાં ન પુરાય. વિસનગરના ધારાસભ્ય ઋષિભાઈ પટેલને જીતાડવા ચૌધરી સમાજે મદદ કરી છે. નહી તો તેઓ જીતી શક્યા ન હોત. અશોકભાઈ ચૌધરીને ઋષિભાઈ પટેલના સહારે કેમ બેસવું પડ્યુ. આંજણા ક્યા નહોતા. હરિભાઈ ચૌધરી અને અશોકભાઈ ચૌધરી સભામાં કેમ નથી. જુદા રહીને તેમનો ઉધ્ધાર થવાનો નથી. ઋષિભાઈ પટેલ અને સરકારની મદદથી વિપુલભાઈ ચૌધરી જેલમાં ગયા અને અશોકભાઈ ચૌધરી ડેરીમાં બેઠા. નહીતો કોઈ સંજોગે ચેરમેન બન્યા ન હોત. આ વખતે ઋષિભાઈ પટેલ આવવાના નથી. ટીકીટ પ્રકાશભાઈ પટેલને મળવાની છે તેવુ જાખડ ઋષિએ ભવિષ્ય ભાખ્યુ હતુ. માનસિંહભાઈનુ ડેરીમાં નામ છે. પ્રતાપ કાકાનું અખીલ આંજણા મહાસભામાં નામ છે તેમ સાંકળચંદકાકાનુ વિસનગરમાં નામ છે. છ દિવસમાં વિપુલભાઈ ચૌધરીને મુક્ત કરવામાં નહી આવે તો ગાંધીનગર ઉપવાસ ઉપર ઉતરવાની જાખડ ઋષિ દ્વારા ચીમકી આપવામાં આવી હતી. આ સીવાય ચૌધરી આંજણા સમાજના અન્ય આગેવાનોએ પણ વિપુલભાઈ ચૌધરીને મુક્ત કરવામાં નહી આવે તો આરપારનો મિજાજ વ્યક્ત કર્યો હતો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts