ભાજપના નેતાઓ માટે નો એન્ટ્રીના બોર્ડ લાગ્યા
વિપુલભાઈ ચૌધરીની જેલમુક્ત કરવાની માંગ સાથે ખેરાલુ, વડનગર, સતલાસણામાં
- ચૌધરી સમાજે આક્રોશ સાથે ઊણાદ, વઘવાડી, ગોરીસણા, સમોજા, સાગથળા, થાંગણા, નાની હીરવાણી, મોટી હીરવાણી, મછાવા, બળાદ, મંડાલી, રાજપુર, સંતોકપુરા, કુડા, અને મોટીભાલુ, ઉમરેચા, ગામમાં ભાજપને નો એન્ટ્રીના બોર્ડ લાગ્યા
મહેસાણા દૂધ સાગર ડેરીમાં રૂા. ૭પ૦ કરોડના કથિત કૌભાંડમાં પૂર્વ ચેરમેન વિપુલભાઈ ચૌધરીની ધરપકડ કરાઈ છે. આગઉ દૂધસાગર ડેરીની ચુંટણી ટાણે જે રીતે ધરપકડ કરાઈ હતી તેજ રીતે વિધાનસભાની ચુંટણી પહેલા ધરપકડ કરાઈ છે. જેનાથી ચૌધરી સમાજમાં વ્યાપક આક્રોશ ફેલાયો છે. ભાજપના મંત્રીઓ અને આગેવાનોને ખેરાલુ તાલુકાના ૧ર ગામ અને સતલાસણાના બે અને વડનગર તાલુકાના એક ગામમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ લગાવતા બેનરો લગાવવામાં આવતા ભારે વિવાદ ઉભો થયો છે.
દૂધ સાગર ડેરીમાં આચરવામા આવેલી નાણાકીય ગેરરીતીના કેસમાં વિપુલભાઈ ચૌધરીની રાત્રે બે વાગે ધરપકડ કરવામા આવી હતી. બીજા દિવસે મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં ટીવી મીડીયા દ્વારા સમાચારો વહેતા થતા સમગ્ર ચૌધરી-આંજણા સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અર્બુદાસેના દ્વારા ઠેર ઠેર આવેદન પત્રો આપવાના કાર્યક્રમ પછી ગામે ગામ બેનરો લગાવવામાં આવ્યા છે. જેમા સ્પષ્ટ લખવામાં આવ્યુ છે કે આંજણા-ચૌધરી સમાજની અર્બુદા સેના ગુજરાત રાજ્યના અધ્યક્ષ વિપુલભાઈ ચૌધરીની ખોટાકેસમાં ધરપકડનો સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે. જયાં સુધી વિપુલભાઈને મુક્ત કરવામાં ન આવે ત્યાં સુધી ભાજપના નેતા, મિનિસ્ટર કે આગેવાનો એ ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી બહિષ્કાર કરવામા આવે છે. ખેરાલુ તાલુકામાં ઊણાદ, વઘવાડી, ગોરીસણા, સમોજા, સાગથળા, થાંગણા, નાની હીરવાણી, મોટી હિરવાણી, મછાવા, સંતોકપુરા, કુડા, બળાદ અને મંડાલી, વડનગર તાલુકાના રાજપુર અને સતલાસણા તાલુકાના મોટીભાલુ તથા ઊમરેચાના ગ્રામજનો દ્વારા વિપુલભાઈ ચૌધરીના સમર્થનમાં બેનરો લગાવવામાં આવ્યા છે.
અર્બુદા સેનાના અગ્રણી હર્ષદભાઈ મોંઘજીભાઈ ચૌધરીએ આક્રોશ સાથે જણાવ્યુ હતુ કે વિધાનસભાની ચુંટણી આવે ત્યારે જ ખોટા કેસો કરીને વિપુલભાઈ ચૌધરીની ધરપકડ કરાઈ છે. અર્બુદા સેના ઓ.બી.સી.અને ગૌરક્ષાના મુદ્દે સરકાર સામે છે. જે ગામમાં અર્બુદા સેનાની મિટીંગ થાય છે તે ગામનુ દૂધ મંડળીનું દૂધ હલકુ ગણીને દુધ સાગર ડેરીના સત્તાધિશો દ્વારા દૂધ ગ્રાહકોને દબાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે તેવો આક્ષેપ પણ કર્યો હતો.