Select Page

વિસનગર બાયપાસ જમીન એક્વાયરનું જાહેરનામું મંજુર

વિસનગર બાયપાસ જમીન એક્વાયરનું જાહેરનામું મંજુર

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે આપેલ વચન નિભાવવા અથાગ પ્રયત્નોનું પરિણામ

વિસનગર બાયપાસ રોડના સર્વે માટે મંજુરી મળ્યા બાદ ૧૦ વર્ષથી ફાઈલ ધુળ ખાતી હતી. ત્યારે એક સન્માન સમારોહમાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે સમય ટુંકો છે અને કામ અઘરુ છે તેમ કહી બાયપાસની મંજુરી માટે આશ્વાસન આપ્યુ હતુ. તેમ છતા મંત્રીપદ મળ્યુ છે તો તેના વગથી શહેરને વધુમાં વધુ ફાયદો થાય તેવા અથાગ પ્રયત્નોના પરિણામે બાયપાસ માટે જમીન એક્વાયર કરવા જાહેરનામાની ગેજેટમાં પ્રસિધ્ધિ માટે મંજુરી મળી છે. કેબીનેટ મંત્રીની આ સફળતાથી ફતેહ દરવાજા પાટીદાર સમાજના તથા અન્ય સમાજના ખેડુતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વિસનગરમાં પસાર થતા હાઈવે ઉપર ટ્રાફીકનુ ભારણ રહેવાથી તેમજ અવાર નવાર અકસ્માતના બનાવો બનતા હોવાથી ધારાસભ્ય ઋષિભાઈ પટેલે કડા રોડથી વડનગર રોડને જોડતો બાયપાસ રોડ માટે વર્ષ ર૦૧રમાં સરકારમાં રજુઆત કરી હતી. ત્યારે તત્કાલીન માર્ગ મકાન મંત્રી આનંદીબેન પટેલે બાયપાસ રોડના સર્વે માટે રૂા. ૭ કરોડની મંજુરી આપી હતી. ત્યારબાદ બાયપાસ રોડનો સર્વે થયો. જમીન એક્વાયર કરવા માર્ગ મકાન વિભાગ દ્વારા ખુંટ મારવામાં આવ્યા હતા. પરંતુ જમીન એક્વાયર કરવાની મંજુરી મળતી નહોતી. ધારાસભ્ય ઋષિભાઈ પટેલના બાયપાસ માટે સતત પ્રયત્નો હતા પરંતુ સફળતા મળતી નહોતી. વિસનગર બાયપાસની ફાઈલ ધુળ ખાતી હતી. ત્યારે યાત્રાધામ અંબાજી તથા પાલનપુર બાયપાસ માટે કરોડો ફળવાતા વિસનગર બાયપાસની મંજુરી માટેની માંગણી બુલંદ બની હતી.
રર૮ સર્વે નંબરની ૪.૬૮,૩૦૬ ચો.મી.જમીન એક્વાયર થશે
ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી બન્યા બાદ તેમનું સન્માન અને સત્કાર કાર્યક્રમો શરૂ થયા. વિસનગરમાં ફતેહ દરવાજા પાટીદાર સમાજ દ્વારા યોજાયેલ સત્કાર સમારોહમાં આ વિસ્તારના પડતર પાંચથી છ પ્રશ્નોનો નિકાલ કરવા રજુઆત થઈ હતી. તેમાં બાયપાસ રોડનો પણ પ્રશ્ન હતો. જેમા કેબીનેટ મંત્રીએ મંત્રી પદ મળ્યા બાદ સમય ટુંકો હોવાથી તેમજ બાયપાસનો વિષય અઘરો હોવાથી અન્ય પડતર પ્રશ્નોનો નિકાલ થશે. પરંતુ બાયપાસની મંજુરી માટે પ્રયત્નો કરવા આશ્વાસન આપ્યુ હતુ. વિસનગરને વર્ષો બાદ કેબીનેટ મંત્રી પદ મળ્યુ હતુ. વધુ ફાયદો થાય તેવા અથાગ પ્રયત્નોના પરિણામે સરકારે બાયપાસની ફાઈલ હાથ ધરી અને ગવર્નમેન્ટ ગેજેટમાં જાહેરાનામાની પ્રસિધ્ધિ માટે દરખાસ્તને મંજુરી મળી.
વિસનગર માટે બાયપાસ રોડનો પ્રશ્ન ખુબજ મહત્વનો હતો. ત્યારે સરકારમાં કેબીનેટ મંત્રીના વગથી જમીન એક્વાયરની પ્રક્રિયા માટે ૧૦ એનું જાહેરનામું પ્રસિધ્ધ થઈ ગયું છે. બાયપાસ રોડ માટે વિસનગર ગ્રામ્ય વિસ્તારમાં આવેલા રર૮ સર્વે નંબરમાં ૪,૩૮,૩૦૬ ચો.મી.જમીન એક્વાયર કરવામા આવશે. લગભગ આવનાર બે વર્ષમાં બાયપાસ માટે ફોરલેન રોડ બનશે. બાયપાસ માટે મંજુરી મળતા અત્યારે ફતેહ દરવાજા પાટીદાર, રબારી તથા ઠાકોર સમાજમા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સમાજોની જમીન આ વિસ્તારમાં આવેલી છે. બાયપાસ રોડ બનશે ત્યારે આસપાસની જમીનોના ભાવ આસમાને જશે. વિસનગરની સ્થાપના બાદ વર્ષો પછી આ વિસ્તારમાં વિકાસનું ભાગ્ય ખુલશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us