પાલિકાના રૂા.૭.૧૯ કરોડના ૭ ટેન્ડરની મંજુરી માટે દરખાસ્ત
ર૧ થી ૪૭ ટકા એબોવ રકમના
વિસનગરમાં વિકાસ કામ શરૂ થાય તે માટે પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, સભ્યો તથા બાંધકામ વિભાગના કર્મચારીઓ દ્વારા ભારે મથામણ કરવામા આવી રહી છે. વિકાસ કામના ૭ ટેન્ડર ર૧થી ૪૭ ટકા એબોવ રકમના ખુલતા મંજુરી માટે પ્રાદેશિક કમિશ્નર કચેરી ગાંધીનગરમાં દરખાસ્ત કરવામા આવી છે. પરંતુ જટીલ પ્રક્રિયા હોવાના કારણે દરખાસ્તમાં વારંવાર તુટીઓ કાઢવામાં આવતા ઝડપી મંજુરી મળતી નથી અને વિકાસ કામ થતા નથી.
વિસનગર પાલિકામાં ભાજપનું શાસન આવ્યુ ત્યારથી વિકાસ કામમાં એક પછી એક વિધ્નો આવી રહ્યા છે. પ્રથમ કોરોના કાળ આવ્યો. ત્યારબાદ એસ.ઓ.આર.રેટ વધારવા કોન્ટ્રાક્ટરોની હડતાલ આવી. ત્યારબાદ ૧૦ ટકા એબોવ રકમની મંજુરી માટે દરખાસ્ત કરવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામા આવ્યો. આ નિર્ણય બાદ દરખાસ્ત મંજુર કરાવવા સાત કોઠામાંથી પસાર થવું પડે તેટલી હદે પ્રાદેશિક કમિશ્નર કચેરીની પ્રક્રિયા જટીલ બની ગઈ છે. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના માર્ગદર્શનમાં પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ દ્વારા વિકાસ કામની મંજુરી મળે તે માટે ગાંધીનગરના અનેક ધક્કા ખાધા બાદ ટેન્ડર પાડવામાં આવ્યા હતા. જેમાં રૂા.રર૧ લાખના ખર્ચ ગૌરવપથ રોડના વિકાસનું અભી કન્સ્ટ્રકશન કંપનીનું ૪૭ ટકા એબોવ, રૂા. ૯૬ લાખના ખર્ચ થલોટા ચાર રસ્તા સીટી પોઈન્ટથી કૃષ્ણનગર સંપ સુધી ડી.આઈ.પાઈપ લાઈનનું જગદીશ આર.પટેલનું ૩૬ ટકા એબોવ રૂા.૧૧૭ લાખના ખર્ચ ગંજબજાર ભોજનાલયથી કાંસા ચાર રસ્તા સુધીની કેનાલનું ઓરબીસ એનજીકોન પ્રા.લી.નું ર૭ ટકા એબોવ, રૂા.૬પ લાખના ખર્ચ સર્વે નં.૩૦પ મા રોડ, ગોડાઉન, સબ ઓફીસનું એ.જે.કન્સ્ટ્રકશનનું ૩૪ ટકા એબોવ, રૂા. ૮૭ લાખના ખર્ચે પેવર બ્લોક, ડ્રેનેજ લાઈન, સ્લેબ સ્ટ્રોમ વોટરનું ઓરબીસ એનજીકોન પ્રા.લી.નું ર૪ ટકા એબોવ, રૂા. ર૬.૬૯ લાખના ખર્ચે સીસી.રોડ,વરંડા, ટોઈલેટ, બાથરૂમ, ગટરલાઈનનું ઓરબીસ એનજીકોન પ્રા.લી.નું ર૧ ટકા એબોવ તથા રૂા. ૧૦૭ લાખના ખર્ચે સુંશી રોડ ઉપરના નવા કચરા સ્ટેન્ડમાં વરંડો, ઓફીસ રૂમ, સી.સી.રોડ, માટેનું એ.જે.કન્સ્ટ્રકશનનું રર ટકા એબોવ રકમનું ટેન્ડર ખુલ્યુ હતુ. આ સાત ટેન્ડરમાં અન્ય કોન્ટ્રાક્ટરોની સરખામણીમાં નીચા રહેતા ટેન્ડર મંજુર કરવામા આવ્યા હતા.
પાલિકાના કારોબારી ચેરમેન આશાબેન નીરવભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કારોબારીની મીટીંગમાં કોન્ટ્રોકટરો સાથે નેગોશીયેશન માટે ચર્ચા કરવામા આવી હતી. ત્યારબાદ ૧૦ ટકાથી ઉપરની રકમના આ ટેન્ડરની મંજુરી માટે પ્રાદેશિક કમિશ્નર કચેરીમાં દરખાસ્ત કરવામાં આવી છે. દરખાસ્તની પ્રક્રિયા એટલી જટીલ છે કે એક ટેન્ડરમાં ૧પ૦ થી ર૦૦ પેજની દરખાસ્ત થાય છે. જેમાં વારંવાર ક્વેરી કાઢવાના કારણે દરખાસ્ત મંજુર થતી નથી અને વિકાસ કામ શરૂ થતા નથી.