Select Page

પાલિકા ભવન માટે જમીન ફાળવણીની કેબીનેટમાં મંજુરી

પાલિકા ભવન માટે જમીન ફાળવણીની કેબીનેટમાં મંજુરી

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના માર્ગદર્શનમા પ્રમુખ વર્ષાબેન પટેલની મહેનત ફળી

વિસનગર પાલિકા ભવન માટે જમીન ફાળવણીની મંજુરી માટે છેલ્લા બે વર્ષથી પ્રયત્નો ચાલી રહ્યા હતા. ત્યારે કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલના માર્ગદર્શનમાં પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ તથા ચિફ ઓફિસર પાર્થ ત્રિવેદી દ્વારા ગાંધીનગરમા અનેક વખત ફેરા કર્યા હતા છેવટે કેબિનેટ મંત્રીના પ્રયત્નોથી પાલિકા ભવનની જગ્યા ફાળવવા કેબિનેટની મંજુરી મળી છે.
સરકારની ગ્રાન્ટમાંથી ગુજરાતની મોટા ભાગની પાલિકાઓના અદ્યતન ભવન બન્યા છે. પરંતુ જગ્યાના અભાવે વિસનગર પાલિકા ભવન બનતુ ન હોતુ. છેવટે ધારાસભ્ય ઋષિભાઈ પટેલની જીલ્લા સંકલનમાં રજુઆતથી તાલુકા પંચાયત કમ્પાઉન્ડમાં પાલિકા ભવન બનાવવા માટે કલેક્ટર સંમત થયા હતા. આ સમયે વર્ષ ૨૦૨૦મા તાલુકા પંચાયતમા કોંગ્રેસનુ શાસન હતુ. પાલિકાને જગ્યાની ફાળવણી નહી કરવા ઠરાવ પણ કરાયો હતો. બીજી તરફ કોઈના ઈશારે તત્કાલિન કલેક્ટરે પણ જમીન ફાળવણી માટે મંજુરીની ફાઈલ અટકાવી દીધી હતી. પરંતુ ઈરાદો મજબુત હોય તો સફળતા મળ્યા વગર રહેતી નથી. ધારાસભ્ય ઋષિભાઈ પટેલે પાલિકા ભવનની જગ્યાની મંજુરી માટે સતત પ્રયત્નો ચાલુ રાખ્યા હતા. આ દરમ્યાન તાલુકા પંચાયતમા ભાજપનુ શાસન આવ્યુ. ઋષિભાઈ પટેલ કેબિનેટ મંત્રી બન્યા અને જીલ્લા કલેક્ટર પણ બદલાયા. પાલિકા ભવન માટે તાલુકા પંચાયતમા જમીન ફાળવણી માટે કલેક્ટર દ્વારા મંજુરી આપવામા આવી પરંતુ સરકારના મહેસુલ ખાતામા પણ ફાઈલ અટકી હતી. વર્ષાબન પટેલ પાલિકા પ્રમુખ બન્યા ત્યારથી પાલિકા ભવનની મંજુરી માટે ગાંધીનગર ધક્કા ખાતા હતા. ઋષિભાઈ પટેલ કેબિનેટ મંત્રી બનતાજ તેમના માર્ગદર્શનમા પ્રમુખ વર્ષાબેન પટેલ તેમજ ચિફ ઓફિસર પાર્થ ત્રિવેદીએ ગાંધીનગર રૂબરૂ જઈ મહેસુલ ખાતાના સચીવ સુધી ફાઈલને આગળ વધારી હતી. ત્યારે સરકારની કેબિનેટ મિટીંગમાં પાલિકા ભવન માટે ૨૦૦૦ ચો.મી.જગ્યા ફાળવણીની મંજુરી મળી છે.
વિસનગર શહેરના ગીચ મંડીબજાર વિસ્તારમા પાલિકા કાર્યાલય હોવાથી ટ્રાફીકની ભારે સમસ્યા રહે છે. પાલિકા જનરલ હોય એ દિવસે તો સભ્યોને પણ પોતાના વાહનો મુકવા અગવડતા રહે છે. ચિફ ઓફિસર કે પ્રમુખ પાલિકાની કારમા આવે તો સાત ચકલી ઢાળથી ચાલતા આવવાની ફરજ પડે છે. વળી શહેરના વિકાસ પ્રમાણે પાલિકા કાર્યાલય નાનુ પડતુ હોવાથી વહિવટ કાર્યમાં પણ અગવડતા ઉભી થાય છે. ત્યારે નવુ પાલિકા ભવન બનાવવા વર્ષોથી માંગણી હતી. પાલિકા ભવન માટે સરકારની લગભગ રૂા.૨ કરોડની ગ્રાન્ટ મંજુર થઈ પડી છે. અદ્યતન પાલિકા ભવન માટે તત્કાલિન ચિફ ઓફિસર અશ્વિનભાઈ પાઠકની દેખરેખમા નકશો અને ડીઝાઈન પણ તૈયાર કરવામાં આવી છે. કેબિનેટ મંત્રીની મહેનતથી પાલિકા ભવનની જગ્યા માટે મંજુરી મળતા વર્ષોની સમસ્યાનો હવે અંત આવશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us