
ચાયનાની વસ્તુઓ નહી ખરીદી ગલવાનમાં શહિદ થયેલા સૈનિકોને સાચી શ્રધ્ધાંજલી આપીએ

તંત્રી સ્થાનેથી…
દુશ્મન દેશને મદદ કરનારને ભૂલતા નહી
ભારતનો વિકાસ આગળ વધતો અટકાવવા તથા ભારત વિરોધી પ્રવૃત્તિ કરનાર દુશ્મન દેશોને મદદ કરતા ચાયના દ્વારા દેશમાં અબજો રૂપિયાનો માલ ઠલવાય છે. વિદેશ નીતિના કારણે ભારત દેશ ચાયનાની વસ્તુઓની આયાત અટકાવી શકાતી નથી. ચાયનાની વસ્તુઓ ખરીદનાર જે ગ્રાહક વર્ગ છે તે ભારત દેશનાજ નાગરિકો છે. નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં રોશની, લાઈટીંગ, ફટાકડા, બુટ ચંપલ, રેડીમેડ, કપડા, લેડીઝ લેગીંસ, ઘડીયાળ, મોબાઈલ, ચશ્માની ફ્રેમ વિગેરે વસ્તુઓ મોટા પ્રમાણમાં ઠલવાય છે. હવે તો ચાયનાનુ ફર્નિચર પણ મળી રહ્યુ છે. હલકી ગુણવત્તાની અને સસ્તી વસ્તુઓ હોવાના કારણે ચાયનાના માલ સામાન સામે ભારતની વસ્તુઓ લોકોને મોઘી લાગી રહી છે. બજારમાં ખરીદી કરવા જઈએ ત્યારે તુલનામાં સસ્તી વસ્તુઓ ધ્યાન આકર્ષિત કરતી હોય છે. ચાયનાની વસ્તુઓ સસ્તી મળતી હોવાથી દેશના લોકો ચાયનાની વસ્તુઓ ખરીદી કરે છે. ત્યારે દેશના લોકોએ એનો પણ ખાસ ખ્યાલ રાખવો જોઈએ કે આપણે જે ચાયનાનો મોટા પ્રમાણમાં માલ ખરીદીએ છીએ તેની મોટી આવક ચાયનાને થઈ રહી છે અને ચાયના આપણો હિતેચ્છુ દેશ નથી. લોકો હસતા હસતા ચાયનાનો માલ ખરીદે છે અને થતી મોટી આવકમાંથી ચાયના ઉત્સાહથી ભારત દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરે છે. આઝાદી બાદ પાકિસ્તાન ભારતનો દુશ્મન દેશ છે. આઝાદીથી અત્યાર સુધી ભારત વિરોધી પ્રવૃત્તિ કરવાની પાકિસ્તાન એક પણ તક ચુકતુ નથી. પાકિસ્તાનમાં આતંકવાદી ટ્રેનીંગ કેમ્પ ચાલી રહ્યા છે. જેને પાકિસ્તાન સરકારની મદદ મળે છે. આતંકવાદીઓ દેશમાં આવીને દેશના સૈનિકો તથા દેશના લોકોને ઠાર મારી રહ્યા છે. આતંકવાદી પ્રવૃત્તિઓના કારણે અત્યાર સુધી અસંખ્ય લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશને ઘણુ નુકશાન થયુ છે. ચાયના સીધુજ ભારતનો સામનો કરી શકતુ નથી. પરંતુ ભારત વિરોધી પ્રવૃત્તિ કરનાર પાકિસ્તાન જેવા દેશોને અબજો રૂપિયાની મદદ કરી રહ્યુ છે. ચાયના જે મદદ કરી રહ્યુ છે તે રૂપિયા ભારત દેશના લોકોએ ચાયનાની ચીજ વસ્તુઓની કરેલી ખરીદીની આવક છે. ચાયનાની વસ્તુઓ દેશમાં વેચાશે તોજ ભારત દેશ ચાલશે એવુ નથી. કોરોના કાળના બે વર્ષ દરમ્યાન ચાયનાના માલ સામાનની ભારત દેશમાં આયાત બંધ થઈ ગઈ હતી. છતાં લોકોને ચાયનાની વસ્તુઓ વગર ચાલ્યુ, તો અત્યારે કેમ નહી. ભારતમાં વિવિધ ચીજ વસ્તુઓનો માલ ઠલવી થયેલી આવકમાંથી ચાયના અત્યારે દેશની શરહદ નજીક સૈન્ય કેમ્પ ઉભા કરી રહ્યુ છે. ભારત સામે યુધ્ધ કરવાની ચાયનાની તાકાત નથી. પરંતુ યુધ્ધ થશે તો ભારત દેશમાંથી કરેલી આવકમાંથી બનાવાયેલ સૈન્ય કેમ્પમાંથીજ હુમલો કરશે. દેશના લોકો ચાયનાનો જેટલો વધુ સામાન ખરીદશે તેટલુ ચાયના મજબુત થશે અને દેશના વિરોધમાંજ તેનો ઉપયોગ કરશે. વર્ષ ૨૦૨૦ માં ગલવાન ઘાટીમાં ચાયનાના સૈનિકોને મુહતોડ જવાબ આપવામાં દેશના ૨૦ જેટલા સૈનિકો શહિદ થયા હતા. ત્યારે નવરાત્રી તેમજ દિવાળીના તહેવારોમાં ચાયનાની ચીજ વસ્તુઓ નહી ખરીદી ગલવાનના શહિદોને સાચી શ્રધ્ધાંજલી આપીએ.