આપમાંથી મોટા બાવન સમાજના બે આગેવાનની દાવેદારી
વિસનગર સીટ ઉપર વિધાનસભાની ચુંટણીમાં
ગુજરાત વિધાનસભાની યોજાનાર ચુંટણીમાં ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાવાનો છે. જેમાં વિસનગર વિધાનસભામા ભાજપનો ગઢ ગણાતી બેઠક ઉપર કાંસા અને ગણેશપુરા (તરભ) ગામના મોટા બાવન કડવા પાટીદાર સમાજના બે આગેવાનોએ આમ આદમી પાર્ટીમા ઉમેદવારી માટે દાવેદારી નોંધાવતા કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાત વિધાનસભાની બેઠકોમાં વિસનગર તાલુકાને ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક ઉપર ભાજપમાથી પુર્વ ધારાસભ્ય પ્રહલાદભાઈ પટેલ(ગોસા) તથા હાલના કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલ સતત વિજયી થયા છે. તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ ભાજપનુ શાસન છે. વિસનગર એ.પી.એમ.સી. તથા તાલુકા ખરીદ વેચાણ સંઘ પણ ભાજપ સમર્થિત હોદ્દેદારો ચુંટાયા છે. આમ રાજકીય અને સહકારી ક્ષેત્રે વિસનગર શહેર- તાલુકામાં ભાજપના મજબુત મુળીયા રોપાયેલા છે. પરંતુ આગામી ટુંક સમયમાં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી વચ્ચે ચુંટણી જંગ ખેલાવાનો છે. જેમાં ભાજપનો ગઢ ગણાતા વિસનગર વિધાનસભાની મહત્વની પ્રતિષ્ઠાભરી બેઠક ઉપર તાલુકાના કાંસા ગામના વતની અને વર્ષોથી સામાજીક અને ધાર્મિક ક્ષેત્રે તન,મન,ધનથી પોતાનુ યોગદાન આપનાર મોટા બાવન કડવા પાટીદાર સમાજના આગેવાન પટેલ જયંતિભાઈ મોહનલાલ (વકીલ) શાખે મોરલીયા તથા ગણેશપુરા (તરભ) ગામના અને વર્ષોથી કાંસા એન.એ. વિસ્તારમાં રહેતા આમ આદમી પાર્ટીના પાયાના કાર્યકર પટેલ કૌશિકકુમાર વિઠ્ઠલદાસએ ઉમેદવારી માટે દાવેદારી નોંધાવી છે. જેમાં કાંસાના આગેવાન જયંતિભાઈ એમ.પટેલે શ્રી મોટા બાવન કડવા પાટીદાર સમાજ પ્રગતિ મંડળ સુરતમાં પુર્વ પ્રમુખ, પુર્વ મંત્રી અને વર્ષ ૧૯૮૫થી કારોબારી સભ્ય તરીકે સેવાઓ આપી છે. કાંસા પ્રગતિ મંડળ સુરતમાં છેલ્લા ૩૦ વર્ષથી પ્રમુખ તરીકે પારદર્શક વહીવટ કરી સેવા આપી રહ્યા છે. સુરતના વરાછા રોડ ઉપર આવેલ સીટી સેન્ટર ઓફિસ હોલ્ડર્સ કો.ઓપ.ક્રેડીટ સોસાયટી લી.મા છેલ્લા ૧૫ વર્ષથી પ્રમુખ તરીકે તેમજ સુરતમાં શ્રી ઉમિયા પરિવાર સંસ્થાન ઉમિયાધામમાં છેલ્લા ૩૦ વર્ષથી કારોબારી સભ્ય તરીકે સતત સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત કાંસા ગામમાં કું.રાઈબેન ઈ.પટેલ એજ્યુકેશન ડેવલપમેન્ટ ફાન્ડેશનમાં ટ્રસ્ટી તરીકે પણ સેવા આપી રહ્યાછે. પાટીદાર અનામત આંદોલનમા પોલીસ દ્વારા અટકાયત કરેલ યુવાનોને નિઃશુલ્ક જામીન ઉપર મુક્ત કરાવવાનુ તથા નાત-જાતનો ભેદભાવ રાખ્યા વગર દરેક સમાજના ગરીબ અને જરૂરીયાતમંદ પરિવારોને મેડીકલ સારવાર માટે માર્ગદર્શન અને જરૂર જણાય તો આરોગ્ય અને શિક્ષણ માટે સહાય કરવાનુ સમાજસેવાનુ ભગીરથ કાર્ય કરી રહ્યા છે. જ્યારે તાલુકાના ગણેશપુરા (તરભ) ગામના મોટા બાવન કડવા પાટીદાર સમાજના અને આમ આદમી પાર્ટીના પાયાના કાર્યકર કૌશિકકુમાર વી.પટેલ હાલમાં મહેસાણા જીલ્લા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. કૌશિકભાઈ તાલુકા પ્રમુખ હતા ત્યારે તેમને સ્થાનિક સ્વરાજ્યની વર્ષ ૨૦૨૧માં યોજાયેલ ચુંટણીમાં કાંસા એન.એ.૩ બેઠક ઉપર આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવારને વિજયી બનાવવા મહત્વની ભુમિકા ભજવી હતી. આ ઉપરાંત સમગ્ર ગુજરાતમા સહકારી ક્ષેત્રે સૌ પ્રથમ વિસનગર એ.પી.એમ.સી.ની ચુંટણીમા આમ આદમી પાર્ટીની આખી પેનલ બનાવી મજબુત ટક્કર આપીને રાજકીય વિશ્લેષકોનુ ધ્યાન ખેચ્યુ હતુ. કોરોના મહામારીના કપરા સમયમાં ૨૪ કલાક ૧૦૮ની જેમ દર્દીઓની સેવા કરી તાલુકામાં લોકચાહના મેળવી છે. તાલુકાના ગામેગામ દરેક સમાજના લોકો સાથે સારા સબંધો હોવાથી કાર્યકરોની મોટી ફોજ ઉભી કરી પાર્ટીને મજબુત બનાવી છે. વિસનગર તાલુકામાં યોજાયેલ ગ્રામ પંચાયતોની ચુંટણીમા આમ આદમી પાર્ટીની વિચારધારા વાળા ઉમેદવાર નિમિષાબેન પ્રશાંતકુમાર પટેલને સરપંચ પદે જીતાડવા રાત- દિવસ તનતોડ મહેનત કરી હતી. વિસનગર તાલુકાના મોટા બાવન કડવા પાટીદાર સમાજના બંન્ને આગેવાનોની સેવાકીય પ્રવૃતિઓ અને પાર્ટીના મજબુત સંગઠનને જોતા આ વિધાનસભાની ચુંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપ- કોંગ્રેસના ઉમેદવારો માટે પડકાર રૂપ હશે તે ચોક્કસ વાત છે.