Select Page

પ્રચાર સાપ્તાહિકના તંત્રી બાલમુકુન્દભાઈ બ્રહ્મભટ્ટની અલવિદા

ગ્રામીણ પ્રશ્નોને વાચા આપવાના ધ્યેયથી પત્રકારીત્વ અપનાવનાર

વિસનગરથી પ્રસિધ્ધ થતા પ્રચાર સાપ્તાહિકના તંત્રી બાલમુકુન્દભાઈ બ્રહ્મભટ્ટનુ ટુંકી માંદગી બાદ દુઃખદ અવસાન થતા પ્રચાર સાપ્તાહિક, જી.પી.બ્રહ્મભટ્ટ એન્ડ સન્સ, અરૂણ એજન્સી, પ્રચાર પ્રિન્ટોરીયમ, ઉમિયા ટોકીઝ ખેરાલુ પરિવારમાં ન પુરાય તેવી ખોટ પડી છે. ગ્રામીણ પ્રશ્નોને વાચા આપવાના ધ્યેયથી પત્રકારીત્વનો વ્યવસાય અપનાવ્યો હતો. જેને પુરી નિડરતાથી અને નિષ્પક્ષ રીતે પરિપુર્ણ કરી બતાવ્યુ. જેમની સ્મશાન યાત્રામાં તથા બેસણામાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
કોરોના તો ગયો પણ તેની અસરો હજુય વર્તાઈ રહી છે. પ્રચાર સાપ્તાહિકના તંત્રી બાલમુકુન્દ ગોવર્ધનદાસ બ્રહ્મભટ્ટને કોરોનાની પ્રથમ લહેરમાં સંક્રમણનો ભોગ બનતા ફેફસામાં ઈન્ફેક્શન થયુ હતુ. ત્યારબાદ શ્વાસની તથા અન્ય બીમારી શરૂ થઈ હતી. છેલ્લે ફરીથી બીમાર થતા ઓક્સીજન ઘટવાથી પ્રથમ અમદાવાદ એસ.જી.વી.પી.હોલીસ્ટીક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યા દસ દિવસની સારવાર બાદ ઓક્સીજન લેવલ ૯૪-૯૫ થતા ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ઘરે લાવ્યા બાદ ચાર દિવસ પછી ફરીથી ઓક્સીજન લેવલ ઘટતા અમદાવાદની સ્ટર્લીંગ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યા ૨૭ દિવસની સારવાર બાદ ૭૬ વર્ષની ઉંમરે તા.૧૮-૧૦-૨૦૨૨ ને મંગળવારના રોજ સવારે પ્રચાર સાપ્તાહિકના તંત્રીશ્રીએ દુનિયાને અલવિદા કરી હતી. જેમના નિવાસ્થાને નસ્વર દેહ દર્શનાર્થે મુકવામાં આવતા મોટી સંખ્યામાં લોકોએ શાલ તથા ફુલહાર અર્પણ કરી શ્રધ્ધાંજલિ આપી હતી. જેમની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વિસનગરના અંતિમ વિસામો ટ્રસ્ટ સાર્વજનિક સ્મશાનગૃહમાં અંતિમ વિધિ કરવામાં આવતા પ્રચારના તંત્રીશ્રી પંચમહાભૂતોમાં વિલિન થયા હતા.
વિસનગર પાલિકાના પૂર્વ કોર્પોરેટર અરૂણાબેન બ્રહ્મભટ્ટના પતિ, મોટા પુત્ર મનોજભાઈ બ્રહ્મભટ્ટ, વચોટ પુત્ર શ્યામભાઈ બ્રહ્મભટ્ટ તથા નાના પુત્ર ર્ડા.રવિભાઈ બ્રહ્મભટ્ટના પિતા બાલમુકુન્દભાઈ બ્રહ્મભટ્ટનું સમગ્ર જીવન સંઘર્ષમય રહ્યુ છે. જેમના પિતા ગોવર્ધનદાસ પૃથ્વીરાજ બ્રહ્મભટ્ટ દરબાર કુમાર શાળા નં.૧ મા આચાર્ય હતા. બાલમુકુન્દભાઈ બ્રહ્મભટ્ટ ચાર વર્ષના હતા ત્યારેજ માતા આનંદીબેન બ્રહ્મભટ્ટનું અવસાન થયુ હતુ. માતાનો પ્રેમ અને હુંફ વગર ઉછરેલા બાલમુકુન્દભાઈ બ્રહ્મભટ્ટે પિતાની છત્રછાયામાં પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ મેળવી પાટણમાંથી મિકેનિકલ એન્જીનિયરની ડીગ્રી મેળવી અમદાવાદ ખાનગી કંપનીમાં એન્જીનિયરીંગની નોકરી શરૂ કરી. આ દરમ્યાન પિતા ગોવર્ધનદાસ બ્રહ્મભટ્ટ નિવૃત્ત થયા બાદ સંદેશ અને ગુજરાત સમાચારની વિસનગરમાં એજન્સી શરૂ કરી. પિતાના એકના એક પુત્ર હોવાથી વૃધ્ધાવસ્થામાં પિતાની સેવા કરવા બાલમુકુન્દભાઈ બ્રહ્મભટ્ટ અમદાવાદ નોકરી છોડીને વિસનગર આવ્યા.
બાલમુકુન્દભાઈ બ્રહ્મભટ્ટ યુવાનીમાં ડગ માંડતા હતા ત્યારે ૨૫ વર્ષની ઉંમરે તા.૧૨-૨-૧૯૭૨ ના રોજ પિતાની છત્રછાયા ગુમાવી. પિતાના અવસાન બાદ ન્યુઝ પેપરનો વ્યવસાય સંભાળ્યો અને બચુભાઈ પેપરવાળા નામથી ઓળખ ઉભી કરી. ન્યુઝ પેપરમાં વર્ષો પહેલા લોકલ આવૃત્તી આપતા નહોતા. જેના કારણે ગ્રામીણ પ્રશ્નોને વાંચા મળતી નહોતી. નાનામાં નાનુ ગામડુ અને નાનામાં નાના સમાજના પ્રશ્નોને તંત્ર સુધી પહોચાડવાના હેતુથી વર્ષ ૧૯૯૪ માં પ્રચાર વિસનગર સાપ્તાહિકની શરૂઆત કરી. કોઈપણ સ્વાર્થ વગર નિડર અને નિષ્પક્ષતાથી સમાચારો પ્રસિધ્ધ કરવામાં આવતા તંત્ર અને સરકાર દ્વારા પણ નોધ લેવાતી. લોકલ સમાચારો અને પ્રશ્નોનુ મહત્વ સમજી દૈનિક પેપરો દ્વારા પણ તેની નોધ લઈ લોકલ એડીશનની શરૂઆત કરી. બાલમુકુન્દભાઈ બ્રહ્મભટ્ટના તંત્રી પદે શરૂ થયેલા પ્રચાર સાપ્તાહિકની નોધ લઈ દિલ્હીની એક સંસ્થા દ્વારા ગુજરાતના શ્રેષ્ઠ સાપ્તાહિકનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા પણ વર્ષો પહેલા શ્રેષ્ઠ સાપ્તાહિકનો એવોર્ડ આપવામાં આવતો હતો. પરંતુ વગ વાપરી મોભો મેળવવો તે બાલમુકુન્દભાઈ બ્રહ્મભટ્ટના લોહીમાં નહોતુ. જેથી ગુજરાત સરકારનો એવોર્ડ મેળવવા ક્યારેય ફાઈલ કરી નહોતી.
બાલમુકુન્દભાઈ બ્રહ્મભટ્ટ અગાઉ રાજકારણમાં સક્રીય હતા. આર.ટી.મણીયાર જ્યારે પાલિકા પ્રમુખ હતા તે બોર્ડમાં બાલમુકુન્દભાઈ બ્રહ્મભટ્ટના પત્ની અરૂણાબેન બ્રહ્મભટ્ટ પાલિકા સભ્ય હતા. જેમને સ્વચ્છતા સમિતિના ચેરમેન પદે મહત્વની જવાબદારી સંભાળી હતી. બાલમુકુન્દભાઈ બ્રહ્મભટ્ટે શહેરના વેપારીઓ માટે પણ સંઘર્ષ કર્યો હતો. પાલિકાની જગ્યામાં કાચા કેબીન હતા. ત્યારે કેબીન એસોસીએશનના પ્રમુખ બની વેપારીઓને કાચા કેબીનમાંથી પાકી દુકાનોનો હક્ક અપાવ્યો. વિસનગર સિવિલ હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિમાં વર્ષોથી સભ્ય પદે રહી હોસ્પિટલમાં વધુમાં વધુ સેવા મળે તે માટે સતત પ્રયત્નશીલ રહેતા હતા. વિસનગર વેપારી મહામંડળમાં પણ ઉપપ્રમુખ પદે રહી વેપારીઓની ચીંતા કરતા હતા. વિસનગરમાં વેપારી મંડળના બે ભાગ પડતા સમાધાન કરી એક વેપારી મંડળ બનાવવા છેલ્લે સુધી પ્રયત્નશીલ હતા. બાલમુકુન્દભાઈ બ્રહ્મભટ્ટ શહેરની અનેક સંસ્થાઓના વિકાસમાં સહભાગી હતા. સંસ્થાઓમાં હોદ્દાનો ક્યારેય મોહ રાખ્યા વગર નિઃસ્વાર્થ ભાવે સંસ્થાના સભ્યની જેમ સેવા આપતા હતા. પત્રકારીત્વના વ્યવસાયમાં ક્યારેય જશ મળતો નથી. તેમ છતાં હકારાત્મક પત્રકારીત્વના કારણે બાલમુકુન્દભાઈ બ્રહ્મભટ્ટે તમામ સમાજ અને વેપારીઓમાં એક આગવી છાપ ધરાવતા હતા. તંત્રીશ્રી બાલમુકુન્દભાઈ બ્રહ્મભટ્ટ ભારતીય બંધારણના કાયદાના જાણકાર હોવાથી તેમનો વિસનગરના તથા બહારના જાણીતા વકીલ મિત્રો સાથે વર્ષોથી ઘરોબો હતો. કાયદાના જાણકાર હોવાથી પ્રચાર સાપ્તાહિક અને જી.પી.બ્રહ્મભટ્ટ એન્ડ સન્સના કર્મચારીઓના તેઓ માર્ગદર્શક હતા. જોકે બાલમુકુન્દભાઈ બ્રહ્મભટ્ટ શેઠ હોવા છતાં તેઓ દરેક કર્મચારીને પોતાના પરિવારનો સભ્ય માનતા હતા. જેના કારણે પ્રચાર સાપ્તાહિક અને જી.પી.બ્રહ્મભટ્ટ એન્સ સન્સ તેમજ પ્રચાર પ્રિન્ટોરીયમના ૧૦૦ જેટલા કર્મચારીઓએ પોતાના પરિવારના મોભી ગુમાવ્યા હોય તેટલું દુઃખ વ્યક્ત થયુ છે. તટસ્થ અને નિષ્પક્ષ સમાચાર માટે સામે કોણ છે તેનો ક્યારેય વિચાર કર્યો નહોતો. કોઈપણ સંજોગોમાં આદર્શો અને સિધ્ધાંતોને વળગી રહેતા બાલમુકુન્દભાઈ બ્રહ્મભટ્ટ સ્પષ્ટ વક્તા, દયાળુ, પરગજુ, અસ્પૃશ્યતાના પ્રખર વિરોધી, નિરાભિમાની, ધાર્મિક વૃત્તિ ધરાવતા, દિર્ઘદ્રષ્ટિ, કોમી એકતાના હિમાયતી, આદર્શરૂપ હતા. ૧૯૮૪-૮૫ માં ગુંદીખાડ બારોટવાસના મકાનમાંથી હરિહર સોસાયટીમાં આવ્યા. તે સમયે સાયકલ લઈને ફરતા હતા. ત્યારે નિતિમત્તાથી વ્યવસાય કરી એક વટવૃક્ષ ઉભુ કર્યુ. જેઓ તેમની પાછળ એક બહોળો પરિવાર વિલાપ કરતા મુકી ગયા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts