ખેરાલુ વિધાનસભામાં ટીકીટ માટે ભાજપમાં ૨૬ દાવેદાર
ખેરાલુ વિધાનસભામાં વડનગર, ખેરાલુ અને સતલાસણા તાલુકાના કુલ ૨૬ દાવેદારોએ ભાજપમાંથી ઉમેદવારી માટે ટીકીટની માંગણી કરી છે. જેમાં આશરે ૧૦ ઉપરાંત્ત ઉમેદવારો તો એવા છેકે જેમને ખેરાલુ વિધાનસભાના ત્રણે તાલુકામાં નામથી પણ કોઈ ઓળખતુ નથી તેવા લોકોએ ભાજપની ટીકીટ લેવા દાવેદારી નોંધાવી હાસ્ય ઉભુ કર્યુ છે. ખેરાલુ વિધાનસભા ભાજપનો ગઢ મનાય છે. ૨૦૦૨ માં રમીલાબેન દેસાઈ ભાજપમાંથી ચુંટાયા ત્યારથી ખેરાલુ વિધાનસભામાં ભાજપનાજ ઉમેદવારો જીતતા આવ્યા છે. છેલ્લા ૨૦ વર્ષથી ભાજપનું શાસન છે. ગત ૨૦૧૭ ની મત ગણત્રી પ્રમાણે ખેરાલુમાં ઠાકોર, ચૌધરી અને રાજપૂત સમાજનું પ્રભુત્વ જોવા મળે છે. ખેરાલુ વિધાનસભામાં અર્બુદા સેના આવવાથી ચૌધરી સમાજમાં બે ભાગ થઈ જતા ભાજપ કોઈપણ કાળે ચૌધરી સમાજને ટીકીટ આપે તેમ લાગતુ નથી. છતાં વડાપ્રધાને મહિલાઓને વધુ પ્રમાણમાં વિધાનસભા લડાવવા ઉપર ભાર મુકતા ભારતીય જનતા પાર્ટીના એકમાત્ર મજબુત દાવેદાર પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈએ ટીકીટ માટે દાવેદારી મજબુત રીતે નોધાવી છે. રાજપૂત સમાજમાં દિગ્ગજ નેતાઓ જયરાજસિંહ પરમાર, રાઠોડ યશવંતસિંહ, પરમાર, વિરેન્દ્રસિંહ અને ચૌહાણ વિનુસિંહે દાવેદારી નોંધાવી છે. ઠાકોર સમાજમાં મહિલા ઉમેદવાર લક્ષ્મીબેન અનારજી ઠાકોર કે જે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રહી ચુક્યા છે. તેમણે દાવેદારી નોધાવી છે. તેમની સાથે ઠાકોર સમાજના ખમતીધર તથા આજીવન ધારાસભ્ય સ્વ.શંકરજી ઠાકોરના પુત્ર રામસિંહ શંકરજી ઠાકોરે મજબુત દાવેદારી નોધાવી છે. ખેરાલુ વિધાનસભાના ૨૦૧૭ ના વર્ષ પ્રમાણે જ્ઞાતિવાઈઝ આંકડા અંદાજે આંકડા જોઈએ તો, ઠાકોર-૬૨૬૨૧, ક્ષત્રિય-૨૬૦૦૦, ચૌધરી-૧૮૩૨૯, દલિત-૧૭૦૦૦, મુસ્લીમ-૧૪૦૦૦, પાટીદાર-૧૧૦૦૦, પ્રજાપતિ-૯૦૯૦, બ્રાહ્મણ-૬૦૦૦, દરજી-૧૯૦૦, બારોટ-૧૮૦૦, સીંધી-૧૮૦૦, સુથાર-૧૮૦૦, મોદી-૧૧૦૦, શાહ-૬૦૦, અન્ય-૧૫૦૦૦ તથા અન્ય આમ કુલ ૨,૫૯,૦૦૦ મતદારો છે.
ખેરાલુ વિધાનસભામાં કયા વર્ષમાં કોણે રાજ કર્યુ તે જોઈએ તો, ૧૯૬૫ નટવરલાલ પટેલ, ૧૯૬૭ વી.વી.પારેખ, ૧૯૭૨ શંકરજી ઠાકોર, ૧૯૭૫ શંકરજી ઠાકોર, ૧૯૮૦ મોહનભાઈ દેસાઈ, ૧૯૮૫ શંકરજી ઠાકોર, ૧૯૯૦ શંકરજી ઠાકોર, ૧૯૯૫ શંકરજી ઠાકોર, ૧૯૯૮ શંકરજી ઠાકોર, ૨૦૦૨ રમીલાબેન દેસાઈ, ૨૦૦૭ ભરતસિંહ ડાભી, ૨૦૧૨ ભરતસિંહ ડાભી, ૨૦૧૭ ભરતસિંહ ડાભી, ૨૦૧૯ અજમલજી ઠાકોર, ૨૦૨૨ ……..?
ખેરાલુ વિધાનસભાની ચુંટણીમાં ભાજપની ટીકીટ મેળવવા દાવેદારી કરનાર ૨૬ ઉમેદવારોમાં (૧) ઠાકોર અજમલજી વલાજી(ધારાસભ્ય) (૨) ઠાકોર નવાજી બાબુજી (નિ.આચાર્ય સુલતાનપુર) (૩) દેસાઈ રમીલાબેન રામભાઈ(પૂર્વ ધારાસભ્ય) (૪) ર્ડા.દલપતસિંહ સરદારસિંહ ઠાકોર(સિપોર) (૫) ચૌધરી સરદારભાઈ શામળભાઈ (ફતેપુરા) (૬) ચૌધરી રેખાબેન શંકરભાઈ (બોરીયાવી) (૭) પ્રજાપતિ જયંતીભાઈ દેવજીભાઈ(વિઠોડા) (૮) ઠાકોર રામસિંહ શંકરજી (ડભોડા) (૯) રાઠોડ યશવંતસિંહ બલવંતસિંહ (વલાસણા) (૧૦) પટેલ મોંઘીબેન હીરાભાઈ (હિંમતપુરા) (૧૧) ર્ડા.નરસિંહભાઈ લાલજીભાઈ ચૌધરી (નવાવાસ) (૧૨) ચૌહાણ વિનુસિંહ અમરસિંહ (ટીંબા) (૧૩) પરમાર વિરેન્દ્રસિંહ હરિશ્ચંદ્રસિંહ (નવા સુદાસણા) (૧૪) પટેલ નરેન્દ્રભાઈ ચુનીલાલ એન.સી.પટેલ (પીંપળદર) (૧૫) ચૌધરી ભરતભાઈ ગલબાભાઈ(ચાણસોલ) (૧૬) દેસાઈ અશોકભાઈ મોહનભાઈ (ખેરાલુ) (૧૭) ચૌધરી માનસિંહભાઈ દેવજીભાઈ (અરઠી) (૧૮) પરમાર જયરાજસિંહ પ્રતાપસિંહ(સુદાસણા) (૧૯) પ્રજાપતિ ગોવિંદભાઈ કરશનભાઈ (ખેરાલુ) (૨૦) ઠાકોર દિલિપસિંહ શિવાજી (વલાસણા) (૨૧) ઠાકોર બાબુજી વરવાજી (સિપોર) (૨૨) ચૌધરી નારાયણભાઈ ડાહ્યાભાઈ (એન.ડી.) (ઉણાદ) (૨૩) ઓઝા ભારતીબેન નેહલભાઈ (ખેરાલુ) (૨૪) ચૌધરી સંજયભાઈ અંબાલાલ (ગઢા મહેસાણા) (૨૫) ઠાકોર લક્ષ્મીબેન અનારજી (અરઠી) (૨૬) શુકલ હેમન્તકુમાર મહેન્દ્રકુમાર (ખેરાલુ) છે.