વિસનગરના સ્થાપક વિશળદેવસિંહ વાઘેલાની પ્રતિમાનું અનાવરણ
વિસનગરના સ્થાપક મહારાજા વિશળદેવસિંહ વાઘેલાની શહેરના જાહેર માર્ગો ઉપર પ્રતિમા મુકવા ઠાકોર ક્ષત્રિય સમાજ દ્વારા છેલ્લા ઘણા સમયથી ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલ સમક્ષ માંગણી કરવામા આવી હતી. જેને ધ્યાને રાખી મંત્રી ઋષિભાઈ પટેલ દ્વારા સંતો, મહંતો, શહેરના આગેવાનો અને ઠાકોર સમાજના ભાઈ-બહેનોની ઉપિસ્થિતિમાં શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢી શહેરના રેલ્વે સર્કલ પાસે મહારાજા વિશળદેવસિંહ વાઘેલાની વિશાળ પ્રતિમાનું અનાવરણ કરવામા આવ્યુ હતુ.
મહારાજા વિશળદેવસિંહજી વાઘેલા વિક્રમ સંવત ૧૩૬પ માં વિસનગર આવ્યા ત્યારે વિસનગરનું જુનુ નામ ભેમટોડા હતુ. અને મહારાજા વિશળદેવસિંહજી વાઘેલાના નામ ઉપરથી વિસનગર નામ પડયુ હોવાનું ઈતિહાસકારો કહી રહ્યા છે. વિસનગર શહેરને વસાવનાર અને વિસનગર શહેરનું તોરણ બાંધનાર એવા મહારાજા વિશળદેવસિંહજી વાઘેલાની શહેરમાં પ્રતિમા મુકવા ઠાકોર સમાજ દ્વારા છેલ્લા ઘણા સમયથી ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટમંત્રી ઋષિભાઈ સમક્ષ માંગણી કરવામા આવી હતી. ત્યારે મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નો અને સહયોગથી વિશળદેવ વાઘેલા ઉજવણી સમિતિ દ્વારા તા.ર૧-૧૦-ર૦રર ના રોજ શહેરના રેલ્વે સર્કલ પાસે વિશળદેવસિંહજી વાઘેલાની પ્રતિમાનું અનાવરણ કરવાનું આયોજન કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે વિસનગરના કડા દરવાજા પાસે આવેલ બહુચર માતાના મંદિરથી રેલ્વે સર્કલ સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાઆવી હતી. આ શોભાયાત્રામાં ખેરાલુના વતની અને ગુજરાતના પ્રખ્યાત ગાયક કલાકાર જીગ્નેશ કવિરાજ, વિશાલ કવિરાજ, સહિત શહેર તાલુકાના ઠાકોર ક્ષત્રિય સમાજના ભાઈ-બહેનો અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે વિસનગરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે મહારાજા વિશળદેવસિંહ વાઘેલાની પ્રતિમાનું અનાવરણ કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, યુવા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષ અભિજીતસિંહ બારડ સહીત સંતો-મહંતો, ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો, વિસનગર વિશળદેવસિંહ વાઘેલા ઉજવણી સમિતિના સભ્યો, તથા શહેર-તાલુકાના ભાઈ-બહેનો હર્ષોલ્લાસ સાથે મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.