કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે સ્ટોપેજ માટે દર્શનાબેન જરદોશને રજુઆત કરી
વલસાડ વડનગર ટ્રેનનુ વિસનગરમાં સ્ટોપેજ આપવામાં નહી આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. જોકે આ ટ્રેન નહી રોકાવાનુ કારણ ટેકનિકલ છે. વિસનગરનુ રેલ્વે પ્લેટફોર્મ નાનુ છે અને ટ્રેન લાબી છે. ટ્રેન ઉભી રહેતો આગળ અને પાછળના કોચના પેસેન્જર કઈ રીતે ઉતરે તે એક સમસ્યા છે. રેલ્વે સ્ટેશનનુ પ્લેટફોર્મ લાબુ બનાવવા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ દ્વારા રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશને રજુઆત કરવામાં આવી છે.
રેલ્વે વિભાગ કેન્દ્ર સરકાર હસ્તકનો છે. તેમ છતા કેન્દ્ર સરકાર દ્વારા મળતી સુવિધાઓમાં પણ સરળતા રહે તે માટે વિસનગરના ધારાસભ્ય તેમજ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ સતત જાગૃત છે. વલસાડ વડનગર સુપરફાસ્ટ ટ્રેન શરૂ થતા વિસનગર સ્ટોપેજ આપવામાં આવ્યુ નથી. વિસનગર તેમજ આસપાસના તાલુકાના લોકો મોટી સંખ્યામાં સુરત સ્થાયી થયા છે. જે લોકોને અવાર નવાર સુરતથી વિસનગર આવનજાવન થતી હોય છે. દિલ્હી રૂટની ટ્રેનમાં મહેસાણા સુધી રીઝર્વેશન મળતુ નથી. જેથી વલસાડ વડનગર ટ્રેનમાં સરળતાથી રીઝર્વેશન મળતુ હોવાથી સુરતથી વિસનગર આવવા માટે આ ટ્રેન ખુબજ ઉપયોગી છે. પરંતુ ટ્રેનનુ વિસનગર સ્ટોપેજ નહી હોવાથી પેસેન્જરોને મહેસાણા કે વડનગર ઉતરવુ પડે તેમ છે.
વિસનગરને સ્ટોપેજ કેમ આપવામાં આવ્યુ નથી તેની તપાસ કરતા જાણવા મળ્યુ છેકે, વિસનગર રેલ્વે સ્ટેશનનુ પ્લેટફોર્મ ૧૪ કોચની ટ્રેનનુ છે. જ્યારે વલસાડ વડનગર ટ્રેન ૨૨ કોચની છે. સુપરફાસ્ટ ટ્રેન વિસનગર સ્ટોપ કરવામાં આવે તો આગળના ૪ અને પાછળના ૪ કોચ પ્લેટફોર્મની બહાર રહે છે. પ્લેટફોર્મની વ્યવસ્થા ન હોય તો કોચમાંથી નીચે ઉતરવુ ખુબજ મુશ્કેલ છે. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે આ બાબતે રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશને ટેલીફોનીક વાત કરી લાબા રૂટની સુપરફાસ્ટ ટ્રેન ઉભી રહે તે માટે વિસનગર રેલ્વે સ્ટેશનનુ પ્લેટફોર્મ મોટુ કરવા તેમજ પ્લેટફોર્મ મોટુ ન થાય ત્યા સુધી ટ્રેન ઉભી રહે તેવી વ્યવસ્થા કરવા રજુઆત કરી હતી.