Select Page

ખેરાલુ વિધાનસભામાં મુકેશભાઈ દેસાઈને જંગી લીડથી જીતાડવા સંકલ્પ

મઢાસણા ખાતે કોંગ્રેસી આગેવાનોની મિટીંગમાં

ખેરાલુ વિધાનસભામાં સૌથી પહેલી કોંગ્રેસે મુકેશભાઈ દેસાઈની ટીકીટ જાહેર કરતા હજારોની સંખ્યામાં તમામ જ્ઞાતિના લોકો મુકેશભાઈ દેસાઈને હાર પહેરાવી, શાલ, શ્રીફળ અને સાકર આપી મુકેશભાઈ દેસાઈને જીતની શુભેચ્છા સહ આશિર્વાદ આપતા જોવા મળ્યા હતા. ત્યારે મુકેશભાઈ દેસાઈએ ચુંટણી પ્રવાસ શરૂ કરે તે પહેલા વડનગર- ખેરાલુ-સતલાસણા તાલુકાના ગામેગામ આગેવાનો સાથે ખાનગી મિટીંગો શરૂ કરી દીધી છે. તેની સામે ભાજપના ઉમેદવાર જાહેર ન થતા મુકેશભાઈ દેસાઈ બિન હરીફ ઉમેદવાર બની ફરી રહ્યા છે. વડનગર તાલુકાના મઢાસણા ખાતે બ્રાહ્મણ સમાજની વાડીમાં કોંગ્રેસી આગેવાનોની મિટીંગમાં વડનગર અને ખેરાલુના પુર્વ પટ્ટાના કોંગ્રેસી આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
     મઢાસણા ખાતે કોંગ્રેસના ઉમેદવાર મુકેશભાઈ દેસાઈ હાજર રહેવાની જાહેરાત કરવાને બદલે ગણત્રીના કોંગ્રેસી આગેવાનોને બોલાવ્યા હતા છતાં મોટી સંખ્યામાં આગેવાનો તથા કાર્યકરો હાજર રહ્યા હતા. મઢાસણા- બ્રાહ્મણ સમાજની વાડીમાં ચુંટણીની રણનીતીની ચર્ચા કરવા મુકેશભાઈ દેસાઈ હાજર રહ્યા હતા. મુકેશભાઈ દેસાઈ પહેલા શ્રી મહાકાલીમાતાના દર્શન કરી બ્રાહ્મણ સમાજની વાડીમાં પહોંચ્યા હતા. મુકેશભાઈ દેસાઈએ મહાકાળી માતાના દર્શન કરી કોંગ્રેસના આગેવાનો અનેે કાર્યકરોને સંબોધીત કરી ૫-૧૨-૨૦૨૨ના રોજ જંગી લીડથી વિજયી બનાવવા અપીલ કરી હતી. ખેરાલુ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિનુભાઈ ચૌધરીએ જણાવ્યુ હતુ કે, અત્યારસુધી લોકોની ખુબ સેવા કરી છે. પરંતુ હવે ધારાસભ્ય બનીને ડબલ તાકાતથી સેવા કરવા તત્પર છે. મુકેશભાઈ દેસાઈ ૧૦૮ તરીકે ઓળખાય છે. પ્રજાના સાથ અને સહકારથી વિજય નિશ્ચિત છે. તેમજ બુથ સ્તર પક્ષ વધુમા વધુ કાર્યદક્ષ યુવાઓને જોડીને વધુમા વધુ કોંગ્રેસ તરફી મતદાન થાય તે માટે વિસ્તૃત જાણકારી આપી હતી. મુકેશભાઈ દેસાઈ સમક્ષ તમામ હાજર આગેવાનો અને કાર્યકરોએ જીતાડવા માટે સંકલ્પ લીધો હતો.
આ કાર્યક્રમમાં ખેરાલુ વિધાનસભાના ઉમેદવાર મુકેશભાઈ દેસાઈ, ખેરાલુ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિનુભાઈ ચૌધરી, વડનગર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સતિષભાઈ પટેલ, જગતસિંહ ડાભી, રમેશજી ઠાકોર, વિષ્ણુજી ઠાકોર, વડનગર તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ મંજુલાબેન ઠાકોર, દુધ સાગર ડેરીના ડીરેક્ટર દશરથભાઈ જોષી, વડનગર તલુકા કોંગ્રેસના પુર્વ પ્રમુખ પ્રહેલાદજી ડાભી, મહેસાણા જીલ્લા કોંગ્રેસની મહામંત્રી રામાજી ઠાકોર (ડાબુ), ખેરાલુ તાલુકા કોંગ્રેસના ડેલીગેટો, સામાજીક આગેવાન ખાનાભાઈ પરમાર, અશ્વિનભાઈ બ્રહ્મભટ્ટ, રણછોડજી ઠાકોર, ખેરાલુ શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ દેસાઈ, જીલ્લા કોંગ્રેસ મહામંત્રી મહેન્દ્રભાઈ ઠાકોર સહિત વડનગર તાલુકાના         કોંગ્રેસી આગેવાનો કાર્યકરો સાથે મઢાસણા ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મુકેશભાઈ દેસાઈને વિજયી બનાવવા સંકલ્પ લીધો હતો.
મુકેશભાઈ દેસાઈએ પોતાના વક્તવ્યમાં જણાવ્યુ હતુ કે, આ વિસ્તારના એકે એક ગામનો પ્રવાસ કર્યો છે. આ વિસ્તારમાં શુ ખુટે છે તેનાથી સારી રીતે વાકેફ છું. ક્યા ગામના ક્યા નેળીયામાં રોડની જરૂર છે તેની મને ખબર છે. ક્યા મહોલ્લામાં મફત ગાળાની જરૂર છે તેની મને ખબર છે. અહીં બેસેલા વિવિધ ગામના આગેવાનોને ખબર છે કે ગામ દીઠ ૨૦૦ મફત ગાળા જોઈએ છે. સરકારે કોઈની વાત સાંભળી નથી. સમસ્યાઓ અનેક છે. જેને હલ કરવા પરિવર્તનની જરૂરીયાત છે. કોંગ્રેસ પાર્ટી વખતે જે વિકાસ હતો તેને ભાજપે ખતમ કરી દીધો છે. મોટાભાગના ગરીબ લોકોની સમસ્યા આ સરકારને દેખાતી નથી. આ સરકારને માત્ર પાંચ ઉદ્યોગપતિઓજ દેખાય છે. સામાન્યમાં સામાન્ય લોકોને ખબર પડી છે કે, આ સરકાર ઉદ્યોગપતિઓના કામ કરે છે. ગરીબોના કામ નથી કરતી. હવે વિચારવુ પડશે કે આપણે કેમ ચુંટીને મોકલ્યા હતા. આપણી શું અપેક્ષાઓ હતી. બહેનોને ગેસનો બાટલો કોંગ્રેસના સમયમાં રૂા.૪૦૦મા મળતો હતો. તેના રૂા.૧૨૦૦ થયા તેના માટે ચુંટીને મોકલ્યા હતા. વાતો એવી કરે છે કે, મારી બહેનો ચુલા ઉપર રોટલા કરે છે. તેમના સ્વાસ્થ્યને ગંભીર તકલીફ થાય છે. માટે ગેસનો બાટલો મફત આપ્યો હતો. જેવા મફત બાટલા આપ્યા અને કેરોસીન બંધ થઈ ગયુ. તો ક્યા મોઢે ગરીબોની સેવા કરવાની વાતો કરે છે. આમ મુકેશભાઈ દેસાઈએ સરકાર ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us