વિપુલભાઈ ચૌધરી ભાજપમાંથી ચુંટણી લડે કે સમર્થન કરે તેવા સંજોગો
આ વખતની વિધાનસભાની ચુંટણીમાં જો અને તો ના સંજોગો જોવા મળી રહ્યા છે. વિપુલભાઈ ચૌધરી આમ આદમી પાર્ટીમાંથી ચુંટણી લડવાની ચર્ચા સોશિયલ મીડીયા ઉપર જાગી છે. ત્યારે બીજી બાજુ પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ ચરાડા ખાતે યોજાનાર અર્બુદા સેનાના સ્નેહમિલન સમારોહમાં હાજર રહેવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખતા રાજકીય ચર્ચાઓ તેજ બની છે. વિપુલભાઈ ચૌધરી ભાજપમાંથી ચુંટણી લડે કે સમર્થન કરે તેવા હાલમાં સંજોગો જોવા મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતની કેટલીક સીટ ઉપર અર્બુદા સેના અસર કરી શકે તેમ હોવાથી સાંસદ દ્વારા વડાપ્રધાનને પત્ર લખવાનુ ભાજપનો ગેમ પ્લાન હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે.
વિસનગરમાં અર્બુદા સેનાના એક કાર્યક્રમમાં કયા પક્ષમા છો તેવા એક પ્રશ્નમાં વિપુલભાઈ ચૌધરીએ પ્રથમ ખેસ ભાજપનો તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પહેરાવ્યો હતો અને બીજો અર્બુદા સેનાનો પહેર્યો છે. આ સીવાય કોઈ ખેસ પહેરવાનો નથી તેવો જવાબ આપ્યો હતો. વિપુલભાઈ ચૌધરીએ પોતાની રાજકીય તાકાત બતાવવા અર્બુદા સેનાની રચના કરી સભાઓ ગજવી હતી. વિપુલભાઈ ચૌધરીના આ શક્તિ પ્રદર્શનથી કેટલાકના પગ તળે રેલો આવતા દૂધસાગર ડેરીના કથીત કૌભાંડમાં ધરપકડ કરાઈ હતી. જે કાર્યવાહીથી અર્બુદા સેના લાલઘૂમ થઈ હતી. વિધાનસભાની ચુંટણીમાં અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલભાઈ ચૌધરીના ઈશારે સેનાના કાર્યકરો ઉત્તર ગુજરાતની કેટલીક સીટો ઉપર અસર કરી શકે તેમ છે. વિધાનસભાની ચુંટણીમાં ભાજપને અર્બુદા સેનાના નારાજગીથી ઘણુ નુકશાન થાય તેમ છે. વિપુલભાઈ ચૌધરીની ધરપકડ બાદ ભાજપ સરકાર સાપે છછુંદર ગળ્યા જેવો અહેસાસ કરી રહી છે. આવા સંજોગોમાં વિપુલભાઈ ચૌધરીને ટીકીટ આપે અને ચુંટણી લડે તોજ અર્બુદા સેનાનો રોષ ઓછો થાય તેમ છે અને વિપુલભાઈ ચૌધરી ભાજપમાં આવે તો તેની ઉત્તર ગુજરાતની કેટલીક સીટો ઉપર હકારાત્મક અસર થાય તેમ છે.
તા.૧૫-૧૧-૨૦૨૨ ને મંગળવારના રોજ ચરાડામાં અર્બુદા સેના દ્વારા માનસિંહભાઈ પટેલના જન્મદિને સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલને આમંત્રીત કરાયા છે. અર્બુદા સેનાના આ કાર્યક્રમમાં હાજરી આપવા ભાજપના પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખ્યો છે. જોકે સાંસદ ભરતસિંહ ડાભી અગાઉ પણ વિપુલભાઈ ચૌધરીની તરફેણ કરી ચુક્યા છે. જોકે વડાપ્રધાનને પત્ર લખવા પાછળનુ કારણ સાંસદ સભ્યએ જણાવ્યુ છેકે, ઉત્તર ગુજરાતમાં અર્બુદા સેનાના સમર્થકો ભાજપને ટેકો કરે તો મતનો વ્યાપ વધે અને ભાજપના ઉમેદવારો લીડથી જીતે. ભાજપ દ્વારા મોટાભાગની વિધાનસભા સીટના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. ફક્ત ખેરાલુ અને માણસા સીટના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૭-૧૧ છે. ત્યારે તા.૧૫-૧૧ ના ચરાડા ખાતેના અર્બુદા સેનાના સ્નેહમિલન કાર્યક્રમમાં કોઈ ધડાકો થાય તેવી પુરેપુરી શક્યતા છે.