વિસનગરમાં રોજગારી માટે મોટી ઈન્ડસ્ટ્રીઝ લાવીશ-કિરીટભાઈ પટેલ
કોંગ્રેસ દ્વારા મધ્યસ્થ ચુંટણી કાર્યાલય ખુલ્લુ મુકાયુ
ગામ બોલે છે કિરીટભાઈ પટેલનુ કામ બોલે છે ના સુત્ર સાથે વિધાનસભાની વિસનગર સીટમાં કોંગ્રેસ દ્વારા ચુંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ગામડામાં પ્રચાર દરમ્યાન લોકોનો આવકાર મળી રહ્યો છે. કોંગ્રેસના મધ્યસ્થ ચુંટણી કાર્યાલયના શુભારંભ પ્રસંગે ઉમેદવાર કિરીટભાઈ પટેલે વિસનગરને જેની જરૂરી છે તેવી મોટી ઈન્ડસ્ટ્રીઝ લાવવા માટે જણાવ્યુ છે. જેમણે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ ઉપર પણ આક્ષેપો કરી ચાબખા માર્યા હતા.
વિસનગરમાં ડોસાભાઈ બાગની સામે સ્પાન ચંદન મૉલમાં કોંગ્રેસના ઉમેદવાર કિરીટભાઈ પટેલના મધ્યસ્થ ચુંટણી કાર્યાલયનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ હાજરી આપી હતી. કાર્યાલયના શુભારંભ પ્રસંગે પૂર્વ મંત્રી કિરીટભાઈ પટેલે જણાવ્યુ હતું કે, ચુંટણી પ્રચારના પ્રવાસમાં ફરતા મતદારોનો સંપર્ક કરૂ છું ત્યારે આ વખતે મતદારોનો એટલો ઉત્સાહ છે કે જંગી બહુમતીથી કોંગ્રેસ પાર્ટીને જીતાડવા મન બનાવી લીધુ છે. મારી ઓળખાણ આપવાની જરૂર નથી. ૧૯૯૫ માં ધારાસભ્ય બનીને આવ્યો ત્યારે મારી કામગીરી બધાએ જોઈ છે. જીત્યા બાદ ૧૯૯૫ માં જે કામગીરી કરી હતી તેવી કામગીરી કરીશ. વિસનગરમાં રોજગારી માટેની કોઈ વ્યવસ્થા નથી ત્યારે ૧૨૦૦ થી ૧૫૦૦ યુવાનોને રોજગારી મળે તેવી ઈન્ડસ્ટ્રીઝ લાવવી છે. જી.આઈ.ડી.સી.ને ધમધમતી કરવી છે. ભાજપે નાના ઉદ્યોગોને ખતમ કરી દીધા છે અને મોટા ઉદ્યોગપતિઓના લાભ માટે સરકાર ચાલી રહી છે. આવી સરકારને ઘર ભેગી કરવાની છે. ભૂતકાળમાં કોંગ્રેસે જે કામ કર્યા છે તે આજની તારીખે લોકો વાગોળી રહ્યા છે. કોંગ્રેસે બનાવેલી મિલ્કતો અત્યારે વેચવા નિકળ્યા છે. વેચીને તો રાંડી રાંડ ઘર ચલાવે. કોંગ્રેસની વિરાસતો વેચીને ભાજપ દેશ ચલાવી રહ્યુ છે.
કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના વિરોધમાં આક્ષેપ કરતા જણાવ્યુ હતું કે, આ ધારાસભ્યએ પોતાનુ નીજી વ્યાપાર સીવાય કંઈ કર્યુ નથી. મગફળીમાં ૩૫ કરોડનું કૌભાંડ કર્યુ છે. બી.એડ.કોલેજ વેચીને ૨૬ કરોડનો નફો કર્યો છે. પોતાના ધંધા સીવાય આ ધારાસભ્યએ કંઈ કર્યુ નથી. જ્યારે મારા ઉપર કોઈ લાંછન લાગે તેવુ નથી.