Select Page

ઋષિભાઈ પટેલના ઝંઝાવતી ચુંટણી પ્રચારમાં મતદારોનો અભૂતપૂર્વ પ્રતિસાદ

વિસનગર વિધાનસભાની પ્રતિષ્ઠાભરી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર

  • ગ્રામજનોની લાગણી : નાત જાતનો ભેદભાવ રાખ્યા વગર ગામડામાં કરોડોના વિકાસ કાર્યો કર્યા છે
  • પાટીદાર આંદોલનમાં મત આપ્યા નહોતા છતા કિન્નાખોરી રાખ્યા વગર વિકાસ કર્યો છે

૫ મી ડિસેમ્બરના રોજ યોજાનાર ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં વિસનગરની પ્રતિષ્ઠાભરી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ઋષિભાઈ પટેલે તાલુકાના આગેવાનોની ટીમ સાથે તા.૧૯ થી ૨૬-૧૧ સુધી તાલુકાના ગામડાઓમાં ઝંઝાવતી ચુંટણી પ્રચાર શરૂ કર્યો હતો. જેમાં ઋષિભાઈને તમામ ગામોમાં મતદારોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળતા અત્યારે આ ચુંટણીમાં ઋષિભાઈનો કેટલા મતોની લીડથી વિજય થશે તેની રાજકીય પંડિતો ગણતરી કરી રહ્યા છે. જ્યારે કેટલાક આગેવાનો આ ચુંટણી જીત્યા પછી ગુજરાત સરકારમાં ઋષિભાઈને કયા ખાતાના મંત્રી બનાવાશે તેની ચર્ચાઓ કરી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની યોજાનાર ચુંટણીમાં વિસનગર બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ તાલુકાના મતદારોને રિઝવવા જોરશોરથી ચુંટણી પ્રચાર શરૂ કર્યો છે. જેમાં ભાજપના ઉમેદવાર ઋષિભાઈ પટેલે ભાજપના હોદ્દેદારો અને પ્રતિષ્ઠિત આગેવાનોની ટીમ સાથે તા.૧૯-૧૧ થી ૨૬-૧૧ સુધી તાલુકાના ગામડાઓમાં ઝંઝાવતી ચુંટણી પ્રચાર શરૂ કર્યો હતો. આ ચુંટણી પ્રચાર દરમિયાન દરેક ગામના સરપંચો, પૂર્વ સરપંચો, તાલુકા અને જીલ્લા ડેલીગેટો તથા સહકારી આગેવાનોએ ગામમાં જંગી સભાનું આયોજન કરી ઋષિભાઈ પટેલે છેલ્લા ૧૫ વર્ષના શાસનમાં ધારાસભ્ય તરીકે તેમજ રાજ્યના કેબીનેટ મંત્રી બન્યા પછી શિક્ષણ, આરોગ્ય, વિજળી, પીવાનુ પાણી, સિંચાઈ, ગટરલાઈન સહિત અન્ય વિકાસ કામ માટે ગામમાં કેટલા કરોડ રૂપિયાની ગ્રાન્ટો ફાળવી તેની માહિતી આપી આ ચુંટણીમાં હવે આપણો ધારાસભ્યને નહી પણ રાજ્યના કેબિનેટ મંત્રીને મત આપવાનો છે તેવું ગામના મતદારોને આહ્‌વાન કર્યુ હતુ. કેટલાક ગામના આગેવાનોએ તો ઋષિભાઈને એટલે સુધી કહ્યુ હતુ કે, સાહેબ અમારા ગામમાં ગમે તે પક્ષના ઉમેદવાર મત માટે આવશે તો પણ અમારૂ આખુ ગામ તમને જ મત આપશે. કારણ કે તમે ગામમાં નાત-જાતનો ભેદભાવ રાખ્યા વગર અમારા ગામમાં કરોડો રૂપિયાના વિકાસકામો કર્યા છે. જેનુ ઋણ ચુકવવાનો સમય આવ્યો છે. જ્યારે કેટલાક ગામમાં પાટીદાર આગેવાનો અને યુવાનોએ જાહેરસભામાં પોતાની ભૂલ સ્વિકારતા કહ્યુ હતુ કે, સાહેબ પાટીદાર અનામત આંદોલનના કારણે અમે તમને મત નહોતા આપ્યા. છતાં તમે કોઈપણ પ્રકારની રાજકીય કિન્નાખોરી કે નાત-જાતનો ભેદભાવ રાખ્યા વગર અમારા ગામનો વિકાસ કર્યો છે. અને રાજ્યના કેબિનેટ મંત્રી બન્યા પછી ગામના વિકાસકામોની સાથે વ્યક્તિગત કામો પણ કર્યા છે. જેથી આ ચુંટણીમાં સામે પક્ષના ઉમેદવાર કોણ છે તે જોયા વગર અમે તમને મત આપી અપાવી જંગી બહુમતીથી વિજયી બનાવી ફરીથી તમને ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે જોવા માગીએ છીએ. આ ચુંટણીમાં તમને ખોબલે ખોબલે મત આપી વર્ષ-૨૦૧૭ ની વિધાનસભાની ચુંટણીનું પ્રાયશ્ચિત કરીશું. તમે મત ગણતરીના દિવસે અમારા ગામનું બુથ ખુલે ત્યારે જોજો. પાટીદાર યુવાનોની વાત સાંભળી ઋષિભાઈએ કહ્યુ કે આજદીન સુધીની ચુંટણીમાં જીત્યા પછી મને કયા ગામમાંથી અને કયા બુથમાંથી કેટલા મત મળ્યા તે ક્યારેય જોયુ નથી. ચુંટણી જીત્યા પછી હુ સમગ્ર વિસનગર તાલુકાનો જનપ્રતિનિધિ છુ તેમ વિચારી કોઈપણ પ્રકારની રાજકીય કિન્નાખોરી કે નાત જાતનો ભેદભાવ રાખ્યા વગર શહેર અને ગામડાઓમાં કરોડો રૂપિયાના વિકાસ કામો કર્યા છે. જેમાં પહેલા વિકાસ કામની ગ્રાન્ટ મેળવવા માટે બીજા પાસે મારે માગવા જવુ પડતુ હતુ. પરંતુ ભૂપેન્દ્રભાઈ પટેલની ગુજરાત સરકારમાં સવા વર્ષ માટે મને રાજ્યના આરોગ્ય મંત્રી, તથા પાણી પુરવઠા મંત્રી બનાવતા જેમ “ભૂવો ધૂણે એટલે નારિયેળ ઘર તરફ ફેંકે” તેમ મેં સમગ્ર ગુજરાતમાં વિસનગરની પ્રજા તરફ વધારે ધ્યાન આપ્યુ હતુ. વિસનગર સિવિલ હોસ્પિટલને અદ્યતન બનાવવા, તાલુકા પંચાયતના નવ નિર્માણ માટે, ખેડૂતોને સિંચાઈ માટે, તળાવો ભરવાનુ કામ, ગામડાના નાગરિકોને ઘરઆંગણે આરોગ્યલક્ષી સેવા પુરી પાડવા માટે, P.H.C. તથા C.H.C. ની મંજુરી આપી છે. ઘરે ઘરે નર્મદાનું પાણી આપવાનું કામ તો લોકો વર્ષો સુધી યાદ રાખશે. આમ મંત્રી બન્યા પછી છેલ્લા સવા વર્ષના ટુંકા ગાળામાં ક્રિકેટની જેમ ફટકાબાજી કરીને આશરે ૨૫૦૦ કરોડના વિકાસકામો કર્યા છે. આવનાર સમયમાં ગમે તે ધારાસભ્ય બને તેના માટે રોડ રસ્તા સિવાય કોઈ મોટુ કામ કરવાનું બાકી રાખવાનો નથી. જોકે આ ચુંટણી પ્રચારમાં ચૌધરી સમાજના ગામોમાં પણ ઋષિભાઈને અભૂતપૂર્વ પ્રતિસાદ મળતા અત્યારે રાજકીય પંડિતો ઋષિભાઈ પટેલ કેટલા મતોની લીડથી વિજયી બનશે તેનું ગણિત માંડી રહ્યા છે. જેમાં રાજકીય પંડીતો એવુ ગણિત માંડી રહ્યા છે કે ગત વિધાનસભાની ચુંટણીમાં પાટીદાર અનામત આંદોલનનો માહોલ હોવા છતાં ઋષિભાઈ આશરે ૨૮૭૦ મતોની લીડથી ચુંટણી જીત્યા હતા. તે વખતે ઋષિભાઈ ફક્ત ધારાસભ્ય હતા તો પણ લોકોએ તેમને ખોબલે ખોબલે મત આપી જીતાડ્યા હતા. અને અત્યારે તો વિસનગર તાલુકામાં સૌથી વધુ પ્રભુત્વ ધરાવતો પાટીદાર, અને ઠાકોર સમાજ પણ તેમની સાથે છે. વધુમાં હવે ઋષિભાઈ ચુટંણી જીતશે એટલે રાજ્યના કેબિનેટ મંત્રી બનશે તે નક્કી છે. જેથી વિસનગર શહેર અને ગામડાના બુધ્ધિજીવી જાગૃત મતદારો વિસનગરના વિકાસ માટે ઋષિભાઈને ખોબલે ખોબલે મત આપી ફરીથી જીતાડશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us