તંત્રી સ્થાનેથી…
૮ મી નવેમ્બર ૨૦૧૬ ની રાત્રે ૮-૦૦ કલાકે ટીવી ઉપર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનુ ‘મેરે પ્યારે દેશવાસીઓ’થી જે સંબોધન ભાષણ થયુ અને રૂા.૧૦૦૦ તથા રૂા.૫૦૦ ની નોટબંધીની જે જાહેરાત કરવામાં આવી તે હજુ પણ લોકોને યાદ છે. રૂા.૧૦૦૦ અને રૂા.૫૦૦ ની નોટ થકી કાળા નાણાંનો સંગ્રહ થયો હોવાના અનુમાનથી અને આ બન્ને ચલણી નોટોના સ્વરૂપે દેશમાં ફરી રહેલી નકલી નોટોના કારણે અર્થવ્યવસ્થા ખોરવાઈ છે તેવા અંદાજથી નોટબંધી કરવામાં આવી હતી. કરોડો દેશવાસીઓ બંધ થયેલ નોટો જમા કરાવવા બેંકમાં લાઈનમાં ઉભા હતા. આ તકનો લાભ લઈ ડિજિટલ બેંકીંગ તરફ દેશવાસીઓ વળે તે માટે એટીએમ, યુપીઆઈ, ભીમ જેવી એપ શરૂ કરવામાં આવી. મોબાઈલ વોલેટની સવલત આપતી આ એપ ઘણા લોકોને અનુકુળ આવી. બાળકોથી માંડી વૃધ્ધો સુધીના લોકો સરળતાથી ઉપયોગ કરી શકાય તેવી ડિજિટલ એપથી વ્યવહાર કરી રહ્યા છે. નાના મોટા તમામ વ્યવસાયનો વ્યવહાર જો બેંક દ્વારા થાય તો દેશમાં કાળા નાણાંને કોઈ સ્થાન રહે નહી. બેંકના વ્યવહાર આધારેજ કેટલો ધંધો થયો તેની જાણ થાય અને ટેક્ષ પણ વસુલાય. આજે ૧૩૦ કરોડ ભારતીયોમાંથી ૧.૪૬ કરોડ લોકોજ ટેક્ષ ભરે છે. આમ દેશની કુલ વસતીના બે ટકા લોકો પણ ટેક્ષ ભરતા નથી. કરોડો લોકો વ્યવસાય કરે છે અને ટેક્ષ બે કરોડ લોકો પણ ભરતા નથી. વ્યવસાય કરતા તમામ લોકો ટેક્ષ ભરે તો દેશ ફરીથી સોને કી ચીડીયા બનતા વાર લાગે નહી. નોટબંધી બાદ રૂા.૨૦૦૦ અને ૫૦૦ ની નવી ચલણી નોટો શરૂ કર્યા બાદ ફરીથી એની એજ પરિસ્થિતિ સર્જાઈ છે. દેશમાં કાળા નાણાંનો સંગ્રહ રૂા.૨૦૦૦ ની નોટ થકી થઈ રહ્યો છે. રોકડ વ્યવહારના કારણે ભ્રષ્ટાચાર પણ નિરંકુશ થઈ રહ્યો છે. નોટબંધી બાદ નવી બહાર પાડવામાં આવેલી રૂા.૨૦૦૦ અને રૂા.૫૦૦ ની ઘુસેલી નકલી નોટો પાછી અર્થવ્યવસ્થા ઉપર અસર કરી રહી છે. લોકો ૧૦૦ ટકા બેંક દ્વારા વ્યવહાર કરતા થાય, નકલી નોટોનુ કોઈ સ્થાન રહે નહી તેમજ ભ્રષ્ટાચાર ઉપર પણ અંકુશ આવે તે માટે કેન્દ્રની મોદી સરકાર ડિજિટલ રૂપી થકી નોટબંધી તરફ આગળ વધી રહી છે. ૧ લી ડીસેમ્બરને ગુરૂવારથી બીજા ચરણમાં ઈ રૂપીની શરૂઆત થઈ ગઈ છે. જોકે ડિજિટલ રૂપી એ ફોન પે, ગુગલ પે અને પેટીએમથી અલગ છે. ફોન પે કે ગુગલ પે થી ટ્રાન્સફર કરેલા પૈસા ફીઝીકલ ચલણની ગણતરીએ કરવામાં આવે છે. આર.બી.આઈ.ની આ નવી કરન્સી ડિજિટલ રૂપી હાથમાં આવશે નહી પરંતુ ચલણી નોટો પ્રમાણેજ કામ કરશે. ડિજિટલ રૂપી ભારતની અર્થવ્યવસ્થા મજબુત કરવાનુ કામ કરશે. ડિજિટલ રૂપીના ઉપયોગથી ખીસ્સામાં કેશ રાખવાની જરૂર પડશે નહી. મોબાઈલ વોલેટની જેમ ઈ પેમેન્ટ કરવાની સુવિધા મળશે. ડિજિટલ રૂપીને કેશમાં આસાનીથી કન્વર્ટ કરી શકાશે. મહત્વની વાત એ છેકે, ફોન પે, ગુગલ પે, પેટીએમ, ભીમ, યુપીઆઈ જેવા ટ્રાન્ઝેક્શન ઈન્ટરનેટ વગર થતા નથી. ત્યારે ઈ-રૂપી ઈન્ટરનેટ વગર પણ કામ આવશે. કેન્દ્ર સરકાર પૂર્ણ રીતે નોટબંધી તરફ એટલા માટે આગળ વધી રહી છેકે, લોકો સંપુર્ણ રીતે બેંક દ્વારા વ્યવહાર કરતા થાય, નકલી નોટોનુ કોઈ સ્થાન રહે નહી, કાળા નાણાંનો સંગ્રહ બંધ થાય અને રોકડમાં થતા ભ્રષ્ટાચારના વ્યવહારો બંધ થાય. ત્યારે દેશને મજબુત બનાવવા ડિજિટલ રૂપીને આવકારવુ તે સૌના માટે હિતાવહ છે.