Select Page

ખેરાલુ સીટમાં સરદારભાઈ ચૌધરીની ભવ્ય જીત થતા ૧ કી.મી.લાંબી વિજય યાત્રા

  • ખેરાલુ વિધાનસભામાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, ધાનેરા વિધાનસભા પ્રભારી નરેશભાઈ બારોટ, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી પંકજભાઈ ચૌધરી અને ખેરાલુ વિધાનસભાના પ્રભારી હેમન્તભાઈ શુકલ ચુંટણી ચાણક્ય સાબિત થયા.
  • જ્ઞાતિવાદ, પરિવારવાદને જાકારો
  • ભાજપ સંગઠનના ૭૨ અસંતુષ્ટોને પ્રજાએ જાકારો આપ્યો.
  • સતલાસણા-વડનગર તાલુકાના ક્ષત્રિય રાજપૂતોના ભાજપ તર્ફી મતદાન માટે જયરાજસિંહ પરમાર અને યશવંતસિંહ રાઠોડની નિર્ણાયક ભૂમિકા
  • સતલાસણા અને વડનગર તાલુકાની લીડને કારણે સરદારભાઈ ચૌધરીની જીત
  • ખેરાલુ તાલુકામાં ઠાકોર અને ચૌધરી સમાજનું ભાજપ વિરૂધ્ધમાં મતદાન
  • અર્બુદા સેનાનો હેતુ સિધ્ધ ન થયો

ખેરાલુ વિધાનસભામાં ભાજપની જીત માટે દૂધ સાગર ડેરીની પ્રતિષ્ઠા દાવ ઉપર લાગી હતી. તેવી ચર્ચાઓ વચ્ચે ભાજપના સરદારભાઈ ચૌધરીની ૩૯૬૪ મતની લીડથી જીત થઈ હતી. કોંગ્રેસના મુકેશભાઈ દેસાઈને પ૧૪૯૬ મત મળ્યા હતા. સામે સરદારભાઈ ચૌધરીને પપ૪૬૦ મત મળ્યા હતા. અપક્ષ રામસિંહ ઠાકોરને ૩૬૩૮૪ મત મળ્યા હતા. ર૦૧૭ની વિધાનસભામાં અપક્ષ મુકેશભાઈ દેસાઈને ૩૮૪૩ર મત મળ્યા હતા. રામસિંહ ઠાકોર પાસે ઠાકોર સમાજનું પીઠબળ હોવા છતા ર૦૧૭ ની વિધાનસભાના અપક્ષ મુકેશભાઈ દેસાઈ કરતા ર૦રર વિધાનસભાન અપક્ષ રામસિંહ ઠાકોરને ર૦૪૮ મત ઓછા મળ્યા છે. ખેરાલુ વિધાનસભાની ચુંટણીમા ચાર ચાણક્ય અને બે સેનાપતિઓ દ્વારા ભાજપે જીત મેળવી છે. જેમા દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીની ટીમ, ગુજરાત પ્રદેશ ચુંટણી પ્રબંધન તથા ધાનેરા વિધાનસભાના પ્રભારી નરેશભાઈ બારોટ, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી પંકજભાઈ ચૌધરી તથા ખેરાલુ વિધાનસભાના પ્રભારી હેમન્તભાઈ શુકલ ચુંટણી ચાણક્ય સાબિત થયા છે. તેમજ ખેરાલુ વિધાન સભામાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવક્તા જયરાજસિંહ પરમાર તથા સિપોર જિલ્લા પંચાયત સીટના સભ્ય યશવંતસિંહ માટેલની સફળ રણનીતીના કારણે સતલાસણા તાલુકો તથા વડનગર તાલુકાના રર ગામે ભાજપને લીડ આપી છે. આમ ખેરાલુ વિધાનસભામા સરદારભાઈ ચૌધરીને ધારાસભ્ય બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. ખેરાલુ વિધાનસભામાં ૧૯પરથી સ્વ.શંકરજી ઠાકોર પરિવારનો દબદબો હતો પરંતુ ર૦૧૯ની પેટા ચુંટણીમાં અજમલજી ઠાકોરને ધારાસભ્ય બનાવી ભાજપે પરિવારવાદને તોડયો હતો. ર૦રરની વિધાનસભામાં પરિવારવાદ સાથે જ્ઞાતિવાદને પણ દૂર કરી સરદારભાઈ ચૌધરીને ભાજપે ટીકીટ આપી હતી. ભારતીય જનતા પાર્ટીના ખેરાલુ વિધાનસભાના ૭ર ઉપરાંત સક્રિય કાર્યકરો, સંગઠનના હોદેદારોએ ભાજપ વિરૂધ્ધમાં કામ કર્યુ હતુ. જેનું લીસ્ટ તૈયાર છે ત્યારે ૭ર અસંતુષ્ટોને પણ પ્રજાએ જાકારો આપ્યો છે. અર્બુદા સેનાએ ભાજપ વિરૂધ્ધમાં મતદાન કરાવ્યુ છતા સરદારભાઈ ચૌધરીની ભવ્ય જીત થઈ છે. ખેરાલુ વિધાનસભામાં ભાજપની ભવ્ય જીત થતા ૧ કી.મી.લાંબી વિજય યાત્રા નીકળી હતી.
સરદારભાઈ ચૌધરીની ભવ્ય જીત થતા વિસનગર માટેલ હોટલના માલિક તથા સિપોર જિલ્લા પંચાયત સીટના સદસ્ય યશવંતસિંહ રાઠોડે સરદારભાઈ ચૌધરી, અશોકભાઈ ચૌધરી, પુર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર, હેમન્તભાઈ શુકલ તથા વી.ડી.દેસાઈનુ ભવ્ય સ્વાગત કર્યુ હતુ. પેરેડાઈઝ હોટલ પાસે વડનગર તાલુકાના રર ગામના આગેવાનો દ્વારા સરદારભાઈ ચૌધરીનું ભવ્ય સ્વાગત કરાયુ હતુ. વે-વેઈટ હોટલ પાસે પણ સરદારભાઈ ચૌધરીનું સ્વાગત કરાયુ હતુ. ખેરાલુ એ.પી.એમ.સી.ના ચેરમેન ભીખાલાલ ચાચરીયાની ગેરહાજરીમાં સુદાસણા, ડભાડ, અને ખેરાલુ શહેરના આગેવાનો સાથે વિસનગરના અગ્રણી બિલ્ડર હીરેનભાઈ ભરતભાઈ પટેલ ઉર્ફે કાલુભાઈ દ્વારા ફુલહાર તેમજ દશરથભાઈ પરમાર દ્વારા સુતરની આંટીથી સ્વાગત કરાયુ હતુ. શિતકેન્દ્ર પહોચતા પહેલા સરદારભાઈ ચૌધરીના સમર્થનમાં એક સાથે ૬૦થી ૭૦ કારો જીપો લઈને કાર્યકરો પહોચી જતા કોણ સ્વાગત કરતુ હતુ તે કોઈપણ જોઈ શકતુ નહોતું. હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. એક કીલો મીટર કરતા પણ લાંબી વિજય યાત્રાને કારણે ખેરાલુ એ.પી.એમ.સી.થી શીતકેન્દ્ર ચાર રસ્તા સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો.
ખેરાલુ શહેરમાં પ્રવેશતા ઠેરઠેર લોકો હજારોની સંખ્યામાં સરદારભાઈ ચૌધરીનું સ્વાગત કરવા ઉમટી પડયા હતા. હાટડીયાથી વણકરવાસ, ચમારવાસ, વાલ્મીકીવાસના લોકો દ્વારા ચોખા ઉછાળી સરદારભાઈ ચૌધરીનું સ્વાગત કર્યુ હતુ. બારોટવાસ પાસે સમગ્ર બ્રહ્મભટ્ટ બારોટ સમાજના આગેવાનો દ્વારા ફુલહાર અને શાલથી સ્વાગત કર્યુ હતુ. બજારમાં ઠેરઠેર વેપારીઓ દ્વારા સરદારભાઈ ચૌધરીનું સ્વાગત કરાયુ હતુ. બજારમાં સૌથી ભવ્ય સ્વાગત ખેરાલુ વિધાનસભાના ચુંટણી ચાણક્ય હેમન્તભાઈ શુકલના વૃદાંવન પરોઠા હાઉસ પાસે બ્રહ્મ સમાજના લોકો અને ખેરાલુ બજારના વેપારીઓ સાથે ફુલહાર અને કેસરી શાલથી સ્વાગત કરાયુ હતુ. ખેરાલુ શહેરમાં ઠેરઠેર સ્વાગત કરી ખોખરવાડા સંઘે વિજય યાત્રા પહોચતા ઠાકોર સમાજ સાથે તમામ નાના મોટા સમાજના હજારો લોકો સ્વાગત માટે ઉમટી પડયા હતા. ખેરાલુ સ્પાન બજાર ખાતેના ચુંટણી કાર્યાલયે મોટી સંખ્યામાં કાર્યકરો પહોચ્યા હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us