Select Page

એસ.કે.યુનિવર્સિટીમાં ૧૪૭૮ વિદ્યાર્થીઓને પદવી એનાયત

નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના સંસ્થાપક, સ્વતંત્ર સેનાની, સમાજસેવક, પ્રેરણામૂર્તિ અને કર્મવીર સ્વ. સાંકળચંદભાઈ પટેલની ૩૬મી પુણ્યતિથિના સ્મરણીય દિવસે તારીખ ૨૮ નવેમ્બર ૨૦૨૨, સોમવારના રોજ સવારે ૮ઃ૩૦ કલાકે વિસનગર શહેરમાં વિવિધ જગ્યાએ પ્રસ્થાપિત પ્રતિમાને સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમ યોજાયો. તેમજ આ દિવસે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનો પદ્દવીદાન સમારોહ યોજાયો.
સમગ્ર ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને મેડિકલ, પેરા-મેડિકલ, ટેકનીકલ, ફાર્મસી, મેનેજમેંટ, કોમ્પ્યુટર સાયન્સ, કોમર્સ, સાયન્સ, ડિઝાઇન વિગેરે અભ્યાસક્રમોમાં શિક્ષણ અને વિદ્યાર્થીઓની શ્રેષ્ઠ કારકિર્દીના નિર્માણમાં સર્વોત્તમ પ્લેટફોર્મ પુરુ પાડતી એક માત્ર સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે યુનિવર્સિટીના પાંચમાં પદ્દવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી, ગાંધીનગરના ડાયરેક્ટર જનરલ, ડો. સુંદર મનોહરન, સરદારધામ અમદાવાદના પ્રમુખ ગગજીભાઇ સુતરીયા તથા મહેસાણા જિલ્લા સાંસદ, શારદાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને પદ્દવીદાન સમારોહની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.
શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં વિવિધ વિદ્યાશાખાઓમાં અભ્યાસ પૂર્ણ કરી ઉત્તીર્ણ થયેલ કુલ ૧૪૭૮ પદવીધારકોમાં ૭૯૧ સ્નાતક, ૬૦૮ અનુસ્નાતક, ૧૨ પોસ્ટ ડિપ્લોમા, ૪૯ પી.જી. ડિપ્લોમા અને ૧૮ પી.એચ.ડી. વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. ઉપરાંત વિવિધ વિદ્યાશાખાઓમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ ઉત્તમ અભ્યાસ પૂર્ણ કરેલ કુલ ૩૮ ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓ અને ૧૮ પી.એચ.ડી. સ્કોલર્સને ઉપસ્થિત મહેમાનોના વરદહસ્તે સુવર્ણચંદ્રક તથા પી.એચ.ડી. પદવી એનાયત કરી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
મહેમાનોની ઉપસ્થિતિમાં યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ દ્વ્રારા પ્રોટોકોલ મુજબ પદ્‌વીદાન સમારોહને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. ડી.જે.શાહે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના નિમંત્રણને માન આપી પધારેલ સર્વે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને યુનિવર્સિટી દ્વારા વર્તમાન સમયમાં એજ્યુકેશનલ, રિસર્ચ એન્ડ ઇનોવેશન, સ્પોટ્‌ર્સ ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેળવેલ સિધ્ધિઓની વિશેષ ઝલક આપી હતી.
યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે વિવિધ વિદ્યાશાખાઓમાં પદવી પ્રાપ્ત કરનાર સર્વે વિધાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ યુનિવર્સિટી દ્વારા સ્થાપનાના છ વર્ષના ટૂંકા સમયગાળામાં રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય તથા રાજ્યકક્ષાએ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે નામાંકિત યુનિવર્સિટીમાં સ્થાન મેળવવા બદલ યુનિવર્સિટી તેમજ સંલગ્ન સંસ્થાઓના સર્વે સ્ટાફની કામગીરીને બિરદાવી હતી. ઉપરાંત યુનિવર્સિટીની આગામી વર્ષોની વિવિધ યોજનાઓ વિષે સર્વે મહેમાનોને માહિતી આપી હતી. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે યુનિવર્સિટી હંમેશા વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ઠ ભવિષ્ય માટે સદાય અવિરત મદદરૂપ રહેશે અને કેમ્પસ ખાતે કાર્યરત નૂતન જનરલ હોસ્પિટલ, હોમીયોપેથિક હોસ્પિટલ અને આયુર્વેદિક હોસ્પિટલનો લાભ ઉત્તર ગુજરાતની જનતાને મળી રહેશે.
પદ્દવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી, ગાંધીનગરના ડાયરેક્ટર જનરલ, ડો. સુંદર મનોહરને પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યુ હતું કે, વિદ્યાર્થીઓને પોતાના એજ્યુકેશનનો ઉપયોગ કરી ભારત સરકાર દ્વારા ચાલતી આત્મનિર્ભર ભારત જેવી સ્કીમનો લાભ લઈ ભારતના વિકાસમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપવું જોઈએ.
સમારોહમાં ઉપસ્થિત સરદારધામ, અમદાવાદના પ્રમુખ ગગજીભાઇ સુતરીયાએ લક્ષ થકી પોતાનો ધ્યેય પૂરો કરવા અને આગળ વધવા માટે જુદા જુદા ઉદાહરણ થકી વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ માટે પ્રેરિત કર્યા હતા અને સરદાર ધામ સંસ્થા દ્વારા ચાલતી વિવિધ જીપીએસસી, યુપીએસસી પરીક્ષાઓ લક્ષી તથા એજ્યુકેશનલ સેવાઓનો ઉપયોગ કરવા આહ્‌વાન કર્યું હતું. આ પ્રસંગે મહેસાણા જિલ્લા સાંસદ, શારદાબેન પટેલે વિદ્યાર્થીઓને સમગ્ર વિશ્વમાં આગામી સમયમાં તકનીકી અને આરોગ્ય ક્ષેત્રે ઉપલબ્ધ વિવિધ તકોનો લાભ લઇ પોતાની કારકિર્દીનું ઉત્તમ નિર્માણ કરવા અનુરોધ કર્યો હતો. સમારોહના અંતે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. પી કે પાંડે દ્વારા ઉપસ્થિત સર્વે મહાનુભાવોનો યુનિવર્સિટી વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us