Select Page

વિસનગરમાં ચૌધરી સમાજના ગામોમાં ભાજપના મતોનુ ધોવાણ

વિસનગરમાં ચૌધરી સમાજના ગામોમાં ભાજપના મતોનુ ધોવાણ

વિધાનસભાની ચુંટણીમાં વિપુલભાઈ ચૌધરી મૌન રહ્યા છતા અર્બુદા સેનાના ભુગર્ભ રોષની અસર

વિધાનસભાની ચુંટણીમાં વિસનગર સીટ ઉપર ચૌધરી સમાજ ચર્ચામાં રહ્યો હતો. દૂધસાગર ડેરીની ચુંટણીના વિવાદમાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના વિરોધમાં અર્બુદા સેનાની ભારે હિલચાલ હતી. ચુંટણી દરમ્યાન વિપુલભાઈ ચૌધરીએ કોઈપણ પક્ષને ટેકો નહી આપવાની જાહેરાત કરી હતી. તેમ છતા વિસનગર સીટ ઉપર ચૌધરી અર્બુદા સેનાનો ભુગર્ભ રોષ અસર કરી ગયો અને ચૌધરી સમાજના ગામોમાં ભાજપના મતોનુ ધોવાણ થયુ હતુ.
પાટીદાર અનામત આંદોલન કાળની વર્ષ-૨૦૧૭ ની વિધાનસભાની ચુંટણીમાં વિસનગર સીટ ઉપર ભાજપના ઉમેદવાર ઋષિભાઈ પટેલની સાથે પટેલ અને લઘુમતી સીવાયના તમામ મતદારો હતા. લગભગ ૮૫ થી ૯૦ ટકા પાટીદાર ભાજપના વિરોધમાં હતા. તેમ છતાં અન્ય તમામ નાના સમાજોના કારણે ઋષિભાઈ પટેલ જીત્યા હતા. વિસનગર તાલુકામાં મોટા મતદારો ધરાવતા સમાજ પૈકીનો ચૌધરી સમાજ પણ ઋષિભાઈ પટેલની પડખે હતો. છેલ્લા બે રાઉન્ડમાં ચૌધરી સમાજના ગામના બુથ ખુલતા ઋષિભાઈ પટેલ વિજેતા બનતા એકજ ચર્ચા હતી કે ચૌધરી સમાજના કારણે વિજય થયો. ઠાકોર સમાજના મત પણ વિસનગરમાં બીજા નંબરે છે. ઠાકોર સમાજ પણ ઋષિભાઈ પટેલ સાથે હતો તેમ છતા ચૌધરી સમાજને જશ મળ્યો હતો. પરિણામ બાદ ઋષિભાઈ પટેલની આસપાસ ચૌધરી સમાજના લોકો જોવા મળતા એક સમયે તો એવી ચર્ચા થતી હતી કે ઋષિભાઈ પટેલ ચૌધરી બની ગયા છે. આવો ચૌધરી સમાજનો વટ અને દબદબો હતો.
જોકે આ વખતની ચુંટણીમાં વિપરીત પરિસ્થિતિ જોવા મળી. વિસનગર સીટમાં સૌથી વધુ મત ધરાવતો પાટીદાર સમાજ ભાજપની સાથે હતો. જ્યારે મોટાભાગનો ચૌધરી સમાજ ઋષિભાઈ પટેલના વિરોધમાં હતો. દૂધસાગર ડેરીની ચુંટણીનું સંચાલન લઈ અશોકભાઈ ચૌધરીની પેનલને પરિણામ અપાવતા ઋષિભાઈ પટેલે જાણે મોટુ પાપ કર્યુ હોય તેમ ચૌધરી સમાજનો રોષ હતો. ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ પશુપાલકોના હિતમા અને ફાયદામાં ઐતિહાસિક નિર્ણયો કર્યા હતા. પરંતુ ડેરીની ચુંટણીમાં પટેલ આગેવાને કેમ રસ લીધો તે બતાવી દેવાનો રોષ ચૌધરી સમાજમાં જોવા મળતો હતો. વિપુલભાઈ ચૌધરીના માર્ગદર્શનમાં અર્બુદા સેનાનુ નિર્માણ થયુ. ઋષિભાઈ પટેલની રાજકીય ઈમેજ ખરડાય અને રીપીટ ન થાય તે માટેના તમામ પ્રયત્નો થયા. પરંતુ વિપુલભાઈ ચૌધરી જેલમાં ગયા અને ઋષિભાઈ પટેલ રીપીટ થયા.
વિપુલભાઈ ચૌધરી જેલમાં હોવા છતા કોંગ્રેસ કે આપમાંથી ચુંટણી લડશે તેવી ચર્ચાઓ ચાલતી હતી. ત્યારે અર્બુદા સેના કોઈપણ પક્ષને ટેકો આપશે નહી તેવી જાહેરાત કરવામાં આવી હતી. વિધાનસભાની ચુંટણી દરમ્યાન વિસનગર સીટમાં ચૌધરી સમાજના ગામડામાં અર્બુદા સેનાનો કોઈ વિરોધ જોવા નહી મળતા તેમજ મોટી સંખ્યામાં સભાઓ થતા ઋષિભાઈ પટેલની સાથે ચૌધરી સમાજ હોવાનુ માનવામાં આવતુ હતુ. જંગી મતોથી ઋષિભાઈ પટેલ વિજયી બનશે તેવુ ગણિત હતુ. પરંતુ પરિણામ બાદના આકડા જોતા વિસનગર સીટમાં ચૌધરી સમાજના ગામડામાં ભલે અર્બુદા સેનાનો બહારથી રોષ જોવા મળતો નહોતો પરંતુ ઋષિભાઈ પટેલના વિરોધમાં ભુગર્ભમાં ભારે રોષ હતો. વર્ષ ૨૦૧૭ ની ચુંટણીમાં ચૌધરી સમાજના ગામમાંથી ભાજપને ૯૨૦૦ મતની લીડ મળી હતી. જ્યારે વર્ષ ૨૦૨૨ ની ચુંટણીમાં ૧૪૦૦ મતની લીડ મળી. પાંચ વર્ષમાં ચૌધરી સમાજના ગામડામાં ભાજપમાં ૭૮૦૦ મતનુ ધોવાણ થયુ. ચૌધરી સમાજના ગામમાં અન્ય સમાજના પણ મતદારો છે. પરંતુ મોટો સમાજ જે તરફે હોય તે બાજુ નાના સમાજનુ વલણ જોવા મળતુ હોય છે. જેની અસર પણ જોવા મળી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us