ખેરાલુમાં હજ્જારોની સંખ્યામાં ચાણસોલના શહીદવીરને શ્રધ્ધાંજલિ આપવા ઉમટ્યા
- ખેરાલુ ખાતે પુર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર, વિપુલભાઈ ચૌધરી, મુકેશભાઈ દેસાઈ, તથા રામસિંહ ઠાકોર અંતિમ યાત્રામાં જોડાયા
ખેરાલુ તાલુકાના ચાણસોલ ગામના વતની ૪૦-પ૦ યુવાનો આર્મિમા ફરજ બજાવે છે. આર્મીમેનોના ગામ ચાણસોલ ના બે ભાઈઓ ૧૪થી ૧પ વર્ષ પુર્વે આર્મીમાં જોડાયા હતા.જેમાં કમલેશસિંહ દિલીપસિંહ રાણા અને ભરતસિંહ દિલીપસિંહ રાણા સાથે આર્મીમા જોડાયા હતા. જે પૈકી ભરતસિંહ રાણાની જમ્મી કાશ્મીરમાં પોસ્ટીંગ હતુ તે દરમિયાન વતનની રક્ષા કરતા જવાનની તબીયત બગડી હતી. સારવાર દરમ્યાન વીરગતી પામતા તેમના પાર્થિવદેહ ખેરાલુ વૃદાવન ચાર રસ્તે બપોરે ૧ર-૦૦ કલાકે પહોચશે તેવા સમાચારો વહેતા થતા ખેરાલુ અને સતલાસણાના હજારો યુવકો અંતિમ દર્શન માટે ભગ્ન હૃદયે ઉમટી પડતા એક કલાક સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. વિસનગર કાંસા ચોકડી પાસે તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, કાંસા રાજપૂત સમાજના ભાઈઓએ તેમજ વડનગર તોરણીયા વડ,પાસે ખેરાલુ શિત કેન્દ્ર કોલેજ ચોકડી થી વૃદાવન ચાર રસ્તા સુધી હજારોની સંખ્યામા લોકો ફુલ દ્વારા શહીદ વિરને અંતિમ વિદાય આપી હતી.
ખેરાલુ તાલુકાના ચાણસોલના વતની અને જમ્મુના લદાખ ખાતે માતૃભુમિની રક્ષા અર્થે ફરજ બજાવતા ભરતસિંહ દિલીપસિંહ રાણાની તબીયત બગડી હતી. બરફમા ઠંડી લાગતા શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને ચંદીગઢ હોસ્પિટલમં સારવારઅર્થે ખસેડાયા હતા. જયાં સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ લઈ વીરગતી પામ્યા હતા. ભરતસિંહ રાણાના અંતિમ દર્શન માટે ખેરાલુના પુર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર, દુધસાગર ડેરીના પુર્વ ચેરમેન વિપુલભાઈ ચૌધરી, રામસિંહ ઠાકોર અને મુકેશભાઈ દેસાઈ સહિત સતલાસણા તાલુકાના ભાજપ પ્રમુખ વિનુસિંહ ચૌહાણ તથા ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખ પરથીભાઈ ચૌધરી સહીત ભાજપ-કોંગ્રેસના મોટાભાગના અગ્રણીઓ હાજર હતા. અંતિમ યાત્રા પહેલા ખેરાલુ શિતકેન્દ્રથી ખેરાલુ શહેરમાં પ્રવેશી વૃદાવન ચાર રસ્તે આવવાની હતી. પરંતુ વિસનગર, વડનગર, ખેરાલુ રોડ ઉપર ઠેર ઠેર અંતિમ દર્શન માટે લોકો ઉમટી પડતા દોઢ કલાક લેટ થયા હતા. જેથી ખેરાલુ શહેરનો રૂટ કેન્સલ કરી હાઈવે માર્ગે વૃદાવન ચાર રસ્તે અંતિમયાત્રા પહોંચી હતી. ખેરાલુ શહેરમાં થઈ વિરશહીદની અંતિમ યાત્રા પસાર થવાના સમાચારથી ખેરાલુ શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર લોકો હાજર હતા પરંતુ સમયના અભાવે હાઈવે ઉપર અંતિમયાત્રા નિકળતા ખેરાલુ શહેરને અંતિમ યાત્રાના દર્શનનો મોકો મળ્યો નહોતો. અંતિમ યાત્રા સાથે હજારોની સંખ્યામાં બાઈકચાલકો જોડાયા હતા. વંદે માતરમ્, ભારત માતા કી જય, શહીદો અમર રહોના ગગનચુંબી નારાઓ સાથે અંતિમ યાત્રા ચાણસોલ પહોંચી હતી. ચાણસોલ ખાતે ભરતસિંહ રાણાના અંતિમ સંસ્કાર મિલિટરીના જવાનોએ ગાર્ડ ઓેફ ઓનર સાથે કર્યા હતા. આર્મી સોલ્જરોના ગામ ચાણસોલમાં બપોરે કોઈનો ચુલો સળવ્યો નહોતો. ચાણસોલના વીરશહીદ ભરતસિંહનો દેહ પંચમહાભુતમાં વીલીન થઈ ગયો હતો. હાજર તમામ લોકોની આંખમાં આસુ જણાતા હતા.
ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને દુધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી અંતિમ યાત્રાના બીજા દિવસે ચાણસોલ ખાતે ભરતસિંહના ઘરે જઈ શ્રધ્ધાંજલી પાઠવી હતી. અંતિમ યાત્રાના દિવસે કેટલાક લોકો ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી હાજર ન રહી શક્યા માટે રાજકીય રોટલો શેકતા જોવા મળ્યા હતા. પરંતુ શહીદવીર ભરતસિંહ રાણાની અંતિમ યાત્રા હતી તેજ દિવસે ગુજરાત વિધાનસભાના તમામ ધારાસભ્યોની શપથ વિધી હતી. જેથી સરદારભાઈ ચૌધરીને અચુક હાજર રહેવાનું હોવાથી અંતિમ યાત્રામાં હાજર રહી શક્યા નહોતા.