વિસનગરમાં ૧૮ વર્ષથી ઉપર ૬૨.૩૫ ટકા બુસ્ટર ડોઝ બાકી
કોરોનાની ચોથી લહેરનો ભય છતા વેક્સીનનો સ્ટોક નથી
તાલુકા હેલ્થ ઓફીસની અપીલ
• તાવ-શરદી ઉધરસના લક્ષણો જણાય તો તુર્તજ નજીકના સેન્ટરમાં ટેસ્ટ કરાવો
• ડાયાબીટીસના દર્દિઓ તથા વૃધ્ધોએ ખાસ કાળજી રાખવી
કોરોનાની ચોથી લહેરની આગાહીથી લોકોના માનસ ઉપર વર્ષ-૨૦૨૧ ના જુન અને જુલાઈના બીજી લહેરના ભયાનક દ્રશ્યો રમી રહ્યા છે. કોરોના સામે રક્ષા કવચ આપતી વેક્સીનના બુસ્ટર ડોઝ માટે સરકારે ૮ મહિના પહેલા જાહેરાત કરી હતી. પરંતુ લોકો કોરોનાને ભુલી નિશ્ચીત બની જતા વિસનગરમાં ૧૮ વર્ષથી ઉપર ૬૨.૩૫ ટકા બુસ્ટર ડોઝ બાકી છે. તજજ્ઞોના મતે આગામી માર્ચ મહિનામાં ભારત કોરોનાની ચોથી લહેરના ભરડામાં આવે તેવી શક્યતા છે. કોરોનાના હાહાકારથી લોકો બુસ્ટર ડોઝ માટે અર્બન હેલ્થ સેન્ટરના ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે વેક્સીનનો ડોઝ ઉપલબ્ધ નથી.
જાપાન, ચીન, અમેરિકા જેવા દેશોમાં ઝડપી ફેલાતો ઓમિક્રોન વેરીઅન્ટનો સૌથી ખતરનાક ગણાતો સબવેરીઅન્ટ ઠમ્મ્ ૧.૫ ના ભારતમાં પાંચ કેસ જોવા મળ્યા છે. આ સબ વેરીએન્ટ અત્યાર સુધીનો સૌથી વધુ ચેપી ગણવામાં આવે છે. આ સબવેરીઅન્ટની ફેલાવાની ઝડપ અગાઉના વેરીઅન્ટ કરતા ૧૦૪ ગણી છે. અત્યાર સુધી કોરોનાનો વિદેશોમાં જ્યારે પણ વેરીઅન્ટ જોવા મળ્યો તેના બે ત્રણ માસ બાદ ભારતમાં આ વેરીએન્ટ ફેલાયો છે. જે મુજબ વૈજ્ઞાનિકો અને તજજ્ઞોના મત પ્રમાણે ભારતમાં ઠમ્મ્ ૧.૫ વેરીએન્ટના સૌથી વધુ કેસ આગામી માર્ચ એપ્રીલ માસમાં જોવા મળશે.
કોરોનાની ચોથી લહેરના હાહાકારથી બુસ્ટર ડોઝ બાકી છે તેવા લોકો અર્બન હેલ્થ સેન્ટરના ધક્કા ખાઈ રહ્યા છે. જોકે કોરોના ફરીથી ગમે ત્યારે વકરે તેવી શક્યતા જોઈ કેન્દ્ર સરકાર દ્વારા ૮ માસ પહેલા ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકોને બુસ્ટર ડોઝની જાહેરાત કરી હતી. છતા વિનામુલ્યે કોરોના સામે રક્ષા કવચ આપતો વેક્સીનનો ડોઝ લેવામાં લોકોએ આળસ રાખી હતી. ફર્સ્ટ, સેકન્ડ અને બુસ્ટર ડોઝની માહિતી માટે તાલુકા હેલ્થ ઓફીસનો સંપર્ક કરતા મળેલ માહિતી પ્રમાણે ૧,૯૦,૧૮૫ એ ફર્સ્ટ ડોઝ લીધો હતો. જ્યારે ૧,૮૫,૯૮૧ એ સેકન્ડ ડોઝ લીધો હતો. ૪૨૦૪ લોકોને હજુ સેકન્ડ ડોઝ લેવાનો બાકી છે. ૧૮ વર્ષથી ઉપરના તમામને બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત લગભગ ગત ફેબ્રુઆરી-૨૨ થી થઈ હતી. જેમાં ૭૦,૦૧૫ એટલે કે ૩૭.૬૫ ટકા લોકોએ બુસ્ટર ડોઝ લીધો છે. ૧,૧૫,૯૬૬ એટલે કે ૬૨.૩૫ ટકા બુસ્ટર ડોઝમાં બાકી છે. વર્ષ ૧૫ થી ૧૭ માં ૧૦૫૬૭ પ્રથમ ડોઝ તથા ૯૯૩૦ સેકન્ડ ડોઝ, વર્ષ ૧૨ થી ૧૪ માં ૭૧૭૬ પ્રથમ ડોઝ તેમજ ૬૮૦૨ સેકન્ડ ડોઝ લીધો હતો.
વિસનગરમાં જુલાઈ ઓગસ્ટ સુધી પુરતા પ્રમાણમાં કોવીશીલ્ડ અને કોવેક્સીનના પુરતા પ્રમાણમાં ડોઝ હતા. પરંતુ ત્યારબાદ બુસ્ટર ડોઝ લેવા આવનાર બંધ થતા ડોઝ પરત કર્યા હતા. નવીન સ્ટોકની માગણી કરવામાં આવી છે. જે ટુંક સમયમાં આવી જશે. કોરોના અંતર્ગત હાલમાં શું કાર્યવાહી ચાલી રહી છે. તે બાબતે તાલુકા હેલ્થ ઓફીસર ર્ડા.આર.ડી.પટેલે જણાવ્યુ છેકે, દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ જનરલ હોસ્પિટલમાં આર.ટી.પી.સી.આર અને એન્ટીજન ટેસ્ટ થઈ રહ્યા છે. તાવ, શરદી કે ઉધરસના લક્ષણો જણાય તો તુર્તજ નજીકના સેન્ટરમાં ટેસ્ટ કરાવવો. અત્યારે રોજના ૧૨૦ જેટલા ટેસ્ટ થાય છે. જે તમામનો રીપોર્ટ નેગેટીવ આવે છે. કોરોના પ્રોટોકોલનો પુરતો અમલ કરવો. ડાયાબીટીસના દર્દિઓ તથા વૃધ્ધોને વિશેષ કાળજી રાખવી.