ચોક્સી-સુવર્ણકાર એસો.નુ ૧૨૩ બોટલ રક્તદાન
વિસનગર વોલન્ટરી બ્લડ બેંકના લાભાર્થે
- ૫૦ કિ.મી. સુધી બ્લડ બેંકના લાભાર્થીઓ
- બ્લડ બેગ લેવા આવનાર દર્દિના સ્નેહીઓને બ્લડ રીપ્લેશ કરવા બ્લડ બેંકના ચેરમેન રાજુભાઈ પટેલની અપીલ
- ચોક્સી એસો.ના ત્રણ વેપારીઓનુ બ્લડ બેંકમાં ત્રણ વેપારીઓનુ બ્લડ બેંકમાં રૂા.૪૫,૦૦૦/- નુ દાન
વિસનગર વોલન્ટરી બ્લડ બેંકના લાભાર્થે વિવિધ એસો. દ્વારા રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. વિસનગર મર્ચન્ટ એસો. સાથે સંકળાયેલા વિવિધ વેપારી એસો.ના વેપારીઓનો બ્લડ બેંકના વિકાસમાં તથા બ્લડ બેંકની અવિરત સેવામાં અમૂલ્ય યોગદાન છે. મર્ચન્ટ એસો. સાથે સંકળાયેલા ચોક્સી તથા સુવર્ણકાર એસો. દ્વારા રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. બ્લડ બેંકમાં કમ્પોનેન્ટ સેન્ટર શરૂ કર્યુ તેનુ એક વર્ષ પૂર્ણ થતા આ ગૌરવ દિન નિમિત્તે આયોજીત કેમ્પમાં ૧૨૩ બોટલનુ રક્તદાન થયુ હતુ. રક્તદાતાઓને આકર્ષવા ભેટ માટે દાન આપનાર વેપારી દાતાઓ અભિનંદનને પાત્ર છે.
વિસનગર વોલન્ટરી બ્લડ બેંકનુ સંચાલન રાજુભાઈ પટેલ આર.કે. એ હાથમાં લીધા બાદ બ્લડ બેંકના વિકાસમાં તથા સંચાલનમાં કોપરસીટી મર્ચન્ટ એસો. તેમજ સ્વસ્તિક મિત્રમંડળનો અભૂતપૂર્વ સહયોગ મળી રહ્યો છે. તા.૪-૧-૨૦૨૨ ના રોજ બ્લડ બેંકમાં કમ્પોનેન્ટ સેન્ટર શરૂ કર્યા બાદ બ્લડ બેગની જાવક વધી છે. અગાઉ દિવસમાં ત્રણ થી ચાર બેગ જતી હતી. તેની જગ્યાએ આ સંખ્યા વધીને ૧૫ થી ૨૦ સુધી પહોચી છે. વડનગર, ખેરાલુ, સતલાસણા, અંબાજી, ઉંઝા, હિમ્મતનગરથી લોકો વિસનગર બ્લડ બેંકમાં બ્લડ લેવા માટે આવે છે. બ્લડ બેંક સેવાકીય સંસ્થા હોવાથી બ્લડ સ્ટોકમાં હોય તો કોઈને ઈન્કાર કરવામાં આવતો નથી. રાજુભાઈ પટેલ આર.કે. ઘર કે દુકાનનુ પગથીયુ ચડનારને ક્યારેય નાખુશ કરતા નથી. તેવીજ રીતે તેમના પ્રમુખ પદ નીચેની બ્લડ બેંક પણ એજ સદ્ભાવનાથી કાર્યરત છે. બ્લડ બેંકમાં બ્લડની માગ વધતા તેને પહોચી વળવા બ્લડ બેંકના સંચાલકો ઉપરાંત્ત સ્વસ્તિક મિત્ર મંડળ તેમજ કોપરસીટી મર્ચન્ટ એસો. દ્વારા નિયમિત કેમ્પ કરવામાં આવી રહ્યા છે.
વિસનગર કોપરસીટી મર્ચન્ટ એસો. સાથે સંકળાયેલ ચોક્સી એસોસીએશન તથા સુવર્ણકાર એસોસીએશન દ્વારા તા.૪-૧-૨૦૨૩ ના રોજ આર.કે.પાર્ટી પ્લોટમાં સ્નેહમિલન સમારોહ સાથે રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં આ બન્ને વેપારી એસો.ના સભ્યો દ્વારા ૧૨૩ બોટલ રક્તદાન કરવામાં આવ્યુ હતુ. જાવેદભાઈ ચોક્સીએ આ કેમ્પમાં મુસ્લીમ યુવાનોને રક્તદાન માટે પ્રેર્યા હતા. ભાવેશભાઈ ચોક્સી શ્રીજી બુલીયન, લાલભાઈ પટેલ પટેલ જ્વેલર્સ, અનિલભાઈ પટેલ હેપ્પી અને સુભાષભાઈ પટેલ વી.જી.આર. તથા ચોક્સી છગનલાલ ગંગારામ તરફથી દરેક રક્તદાતાને ઓસવાલ કંપનીનુ આકર્ષક બ્લેન્કેટ આપવામાં આવ્યુ હતુ. નિમેષભાઈ તાવડાવાળા, રમેશભાઈ પટેલ સાયકલવાળા, કનૈયાલાલ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ કમાણા, દિનેશભાઈ હિંગુ માસ્ટર ટેલર્સ વિગેરેએ રક્તદાન કેમ્પની સફળતા માટે પ્રયત્નો કર્યા હતા.
રક્તદાન કેમ્પમાં બ્લડ બેંકના ચેરમેન રાજુભાઈ પટેલ આર.કે.એ જણાવ્યુ હતું કે જે પ્રમાણે બ્લડ બેંકમાંથી રક્તની બોટલો જાય છે તે પ્રમાણે આવક ખુબજ ઓછી છે. રક્તની બોટલ લઈ જનાર લાભાર્થીમાંથી ૩૦ ટકા પણ રીપ્લેશ કરતા નથી. રક્ત લઈ જનારને રીપ્લેશ કરવા પ્રમુખે ખાસ વિનંતી કરી છે. રાજુભાઈ પટેલે વધુમાં જણાવ્યુ છેકે, વિસનગર કોપરસીટી મર્ચન્ટ એસો.સાથે સંકળાયેલા ૭૨ એસોસીએશનમાંથી દરેક એસો. વર્ષમાં બે વખત રક્તદાન કેમ્પ કરે તેવુ આયોજન કરવામાં આવ્યુ છે. કોપરસીટી મર્ચન્ટ એસો. સાથે સંકળાયેલા વિવિધ એસો.ના વેપારીઓના સહકારથીજ બ્લડ બેંકે વિકાસ કર્યો છે અને બ્લડ બેંક ચાલી રહી છે. મર્ચન્ટ કોલેજ કેમ્પસના ચેરમેન રાજુભાઈ દાળીયાએ પણ વર્ષમાં ત્રણ વખત કેમ્પ કરવા તૈયારી બતાવી છે.
નોધપાત્ર બાબત છેકે કોપરસીટી મર્ચન્ટ એસો.ના વેપારીઓ ઈમરજન્સીમાં લોકોને રક્ત મળી રહે તે માટે રક્તદાન કરી રહ્યા છે અને બ્લડ બેંકના વિકાસ માટે દાન પણ આપી રહ્યા છે. રમણભાઈ ઈશ્વરભાઈ ચોક્સી દ્વારા રૂા.૧૫,૦૦૦/-, રફીક જ્વેલર્સવાળા રફીકભાઈ ઈસ્માઈલભાઈ ચોક્સી દ્વારા રૂા.૧૫,૦૦૦/- અને ચોક્સી કેશવલાલ હાલદાસના પીનાકીનભાઈ જયંતિભાઈ પટેલ દ્વારા રૂા.૧૫,૦૦૦/- બ્લડ બેંકમાં દાન કરવામાં આવ્યુ હતુ.