Select Page

ટુ વ્હીલર ચાલક ઉતરાયણ સુધી ખાસ કાળજી રાખે

ટુ વ્હીલર ચાલક ઉતરાયણ સુધી ખાસ કાળજી રાખે

ચાઈનીઝ દોરીથી ગંભીર ઈજા અને મૃત્યુ થયુ

ઉતરાયણ પર્વ ચાઈનીઝ દોરીના વેચાણ ઉપર પ્રતિબંધ છે. તેમ છતા કેટલાક વેપારી પોતાના સ્વાર્થમાં ઘાતક દોરીનુ વેચાણ કરી રહ્યા છે. ચાઈનીઝ દોરીનો મોટે ભાગે ટુ વ્હીલર ચાલક ભોગ બને છે. બાઈક કે એક્ટીવા ઉપર જતા ચાલકોને ચાઈનીઝ દોરી વાગવાના બનાવો પણ બન્યા છે. ત્યારે ટુ વ્હીલર ચાલકોને ઉતરાયણ પર્વ સુધી ખુબજ સાવચેતી રાખવી જરૂરી છે. અપડાઉન કરતા ટુ વ્હીલર ચાલક હેલ્મેટ પહેરે તે હિતાવહ છે.
લોકોનો જીવન લેતી અને ગળા તથા મોંના ભાગે ગંભીર ઈજા પહોચાડતી ચાઈનીઝ દોરીના વેચાણ ઉપર પ્રતિબંધ હોવા છતા છાને છપને વેચાણ થાય છે અને ઉપયોગ પણ થાય છે. ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવતા મોટે ભાગે ટુ વ્હીલર વાહન ચાલકજ ભોગ બને છે. ચાઈનીઝ દોરી ધ્યાનમાં ન આવે તો મોં કે ગળાના ભાગે વીંટળાય છે અને ઈજા થાય છે. ખેરાલુ તાલુકાના લીમડી ગામના એ ખેડૂત બાઈક ઉપર ખેતમજૂરોને મુકવા જતા હતા. ત્યારે ખેડૂતના મોઢા ઉપર ચાઈનીઝ દોરી ભરાતા હોઠ અને જડબાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ચાઈનીઝ દોરીથી ઈજા પામનાર ખેડૂતને પ્રથમ વડનગર સિવિલમાં ત્યારબાદ વિસનગર સિવિલમાં દાખલ કરાયા હતા. જ્યાંથી મહેસાણા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોઠ અને જડબાના ભાગે ઓપરેશન કરવામાં આવતા ૪૦ ટાંકા લેવા પડ્યા હતા. ચાઈનીઝ દોરીથી જડબાના ભાગનુ હાંડકુ પણ ચીરાયુ ગયુ હતુ. દોરી ગળાના ભાગે ઉતરી વાગી હોત તો જીવ જોખમમાં મુકાયો હોત.
મોટાભાગે ટુ વ્હીલર ચાલકજ ચાઈનીઝ દોરીનો ભોગ બને છે. જેથી ઉતરાયણ સુધી ટુ વ્હીલર ચાલકે ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે. અત્યારે ટુ વ્હીલરમાં બાળકને આગળ બેસાડવુ કે ઉભુ રાખવુ પણ ઘાતક છે. નજીકના શહેર કે ગામમાં રોજીંદા અપડાઉન કરતા ટુ વ્હીલર ચાલકે ખાસ સાવચેતી રાખવાની છે. આમ તો ટુ વ્હીલર ચાલકે હેલ્મેટ પહેરવાનો નિયમ છે. પરંતુ નિયમોનુ કોઈ પાલન કરતુ નથી. અત્યારે ઉતરાયણ પર્વ સુધી ટુ વ્હીલર ચાલક હેલ્મેટ પહેરે તો ગળાના કે મોંના ભાગે ચાઈનીઝ દોરી વાગવાથી બચી શકે તેમ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us