Select Page

વિસનગરમાં ૩ ટન ગુચ્છામાં ૯૦ ટકા ચાઈનીઝ દોરી

વિસનગરમાં ૩ ટન ગુચ્છામાં ૯૦ ટકા ચાઈનીઝ દોરી

હાઈકોર્ટનો હુકમ છતા પોલીસની ઢીલી નીતિનુ પરિણામ

  • મુંગા જીવ પ્રત્યેના જીવદયા પ્રેમમાં પ્રોત્સાહક ભેટ સાથે વેસ્ટ દોરી એકઠી કરવાનુ સરાહનીય કાર્ય
મુંગા પશુ પક્ષીઓના હિતમાં ઉતરાયણ બાદ દોરીના ગુચ્છા(ગુંચ) એકઠી કરવા માટે વિસનગરની વિવિધ સંસ્થાઓ દ્વારા આકર્ષક ભેટ સાથે સ્કીમ મુકવામાં આવી હતી. જેમાં ૩ ટન દોરી એકઠી થઈ હતી. હાઈકોર્ટના હુકમોનુ તંત્ર તથા પોલીસ દેખાવ પૂરતુ પાલન કરે છે તે એકઠી કરવામાં આવેલી વેસ્ટ દોરી ઉપરથી જણાયુ. ૩ ટન ગુચ્છામાંથી ૯૦ ટકા ચાઈનીઝ દોરી હતી. આ વર્ષે પોલીસે રેડ કરી ઘણા વેપારીઓ સામે કાર્યવાહી કરી ચાઈનીઝ દોરીના રીલ જપ્ત કર્યા. તેમ છતા મોટા પ્રમાણમાં ચાઈનીઝ દોરીનુ વેચાણ થયુ અને ઉપયોગ થયો.
ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવવો એ કોઈના માટે પ્રાણઘાતક સાબીત થાય છે. તેજ રીતે ચાઈનીઝ દોરીના ગુચ્છા પણ જીવમાત્ર માટે જોખમી છે. ચાઈનીઝ દોરી બસમાં ભરાઈ હતી તેમ છતાં વિસનગરમાં બાળકીએ જીવ ગુમાવ્યો. ચાઈનીઝ દોરીની ગુચ્છ કોઈના પગમાં આવે તો ઈજા થઈ શકે છે. વિજળીના તાર, ઝાડ કે છત ઉપર ચાઈનીઝ દોરી લટકતી હોય તો પક્ષીઓ માટે ઘાતક બની શકે છે. ઉતરાયણ પર્વ બાદ લટકતી દોરી કે દોરીના ગુચ્છા કોઈ માટે નુકશાનકારક ન બને તે માટે વિસનગરની વિવિધ સંસ્થાઓ દ્વારા આકર્ષક સ્કીમ મુકવામાં આવી હતી. જેમાં ઈશ્વરકૃપા બેકરી દ્વારા મુકવામાં આવેલી સ્કીમમાં ૭૦૦ કિલો વેસ્ટ દોરીના ગુચ્છા એકઠા થયા હતા. ૨૦૦ કિલો ખારી, ૨૫૦ ગ્રામની એક એવી ૧૫૦ નંગ કેક, ૧૮૦ કિલો પેસ્ટ્રી, કપ કેપ ભેટરૂપે આપવામાં આવ્યા હતા. માય ન્યુ ઈન્ડીયા ટ્રસ્ટ દ્વારા રૂા.૪૦,૦૦૦/- ની કિંમતના ગોળના રવા ભેટમાં આપવામાં આવ્યા હતા. ગોળના રવા ખુટતા છેલ્લે દોરી પ્રમાણે ૫૦૦ કે ૨૫૦ ગ્રામ ખાંડ આપવામાં આવતી હતી. વિજાપુર અને સતલાસણાની સ્કુલોએ પણ સંપર્ક કર્યો હતો. જેમણે ૩૦ થી ૪૦ કિલો દોરીનો નાશ કર્યો હતો. માય ન્યુ ઈન્ડીયા ટ્રસ્ટ દ્વારા દોરી પ્રમાણે ભેટરૂપે વસ્તુ મોકલવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ૭૫૦ કિલો દોરીના ગુચ્છા એકઠા થયા હતા.
ક્ષત્રિય ઠાકોર સેના વિસનગરના પ્રમુખ લાલાજી ઠાકોરે ટીફીન, ગરમુ, સ્ટીલ ડબ્બો તથા હેન્ડ તપેલીની સ્કીમ મુકી હતી. જે વસ્તુઓ ખૂટતા છેલ્લે પ્લાસ્ટીક ડોલ અને ટબ આપવામાં આવ્યા હતા. જેમાં ૫૦૦ કિલો દોરી એકઠી થઈ હતી. કાંસા એન.એ.માં પ્રયાસ વેલફેર ફાઉન્ડેશન દ્વારા દોરીની ગુંચ આપી જનાર બાળકને પ્લાસ્ટીકની સ્કુલ બોટલ આપવામાં આવતી હતી. જેમાં ૭૧૫ કિલો વેસ્ટ દોરી જમા થઈ હતી. વિસનગર પાલિકાના વોર્ડ નં.૪ ના સભ્ય તેમજ પાલિકા ગુમાસ્તાધારાના ચેરમેન વિષ્ણુજી ઠાકોરે ૩૬ ચાંદીના સિક્કા, ૪૫ ને રૂા.૫૦૦ રોકડ તથા ટીફીન બોક્ષ આપવામાં આવ્યા હતા. જેમાં ૧૫૦ કિલો દોરી એકઠી થઈ હતી. રીબર્થ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન દ્વારા ૧૦૦ ગ્રામ દોરી ઉપર નોટબુક, ૨૫૦ ગ્રામ દોરી ઉપર ૫ નંગ બોલપેન તથા ૫૦૦ ગ્રામ દોરી ઉપર કેલ્ક્યુલેટરની ભેટ આપવામાં આવી હતી. જેમાં પણ મોટા જથ્થામાં દોરી એકઠી થઈ હતી. તાલુકાના ગામડાઓમાં પણ આકર્ષક ભેટ આપી દોરી એકઠી કરવામાં આવી હતી.
વિવિધ સંસ્થાઓ દ્વારા વેસ્ટ દોરી એકઠી કરવામાં આવી જેનુ લગભગ ૩ ટન ઉપર વજન થતુ હતુ. અને મહત્વની વાત તો એ છેકે ૯૦ ટકા દોરી ચાઈનીઝ હતી. દોરીના ઢગલા સળગાવવામાં આવતા રબ્બર સળગાવ્યુ હોય તેમ ધુમાડા નિકળતા હતા. દોરીની ગુંચ એકઠી કરવાની સ્કીમના કારણે વિસનગરમાં ક્યાંય પણ વેસ્ટ દોરી જોવા મળતી નહોતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us