Select Page

માર્ગ સલામતી સપ્તાહમાં જમણી સાઈડ ડ્રાઈવીંગનુ દુષણ દૂર કરવુ જોઈએ

<strong>માર્ગ સલામતી સપ્તાહમાં જમણી સાઈડ ડ્રાઈવીંગનુ દુષણ દૂર કરવુ જોઈએ</strong>

વર્ષે દેશમાં ૧.૫૦ લાખ અને ગુજરાતમાં ૭ હજારથી વધુનુ માર્ગ અકસ્માતમાં મૃત્યુ

તંત્રી સ્થાનેથી…

માર્ગ અકસ્માતમાં ભારતનો મૃત્યુ દર દુનિયાના અન્ય દેશો કરતા સૌથી વધારે છે. ઈન્ટરનેશનલ રોડ ફેડરેશનના સર્વે પ્રમાણે દુનિયાભરમાં દર વર્ષે ૧૨.૫ લાખથી વધારે લોકોનુ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થાય છે. જેમાં ૧૨ ટકાથી વધુનુ ભારતમાં મૃત્યુ થાય છે. જે ટકાવારી પ્રમાણે ભારતમાં ૧.૫૦ લાખથી વધુ લોકોનુ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થાય છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાના અહેવાલ અનુસાર દુનિયામાં કુલ વાહનોની સંખ્યામાં ભારતમાં ૩ ટકા જેટલો હિસ્સો છે. છતા દેશમાં માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુનો દર દુનિયાના અન્ય દેશો કરતા ૧૨ ટકાથી વધુનો છે. આ સર્વે પ્રમાણે દેશમાં રોજના ૪૦૦ થી વધુ અને દર કલાકે ૧૬ થી વધુ લોકોનુ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થાય છે. જ્યારે ગુજરાત રાજ્યમાં વર્ષે સરેરાશ ૭ હજારથી વધુ લોકોનુ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થાય છે અને ૧૫ હજારથી વધુ ઘાયલ થાય છે. જે પ્રમાણે ગુજરાતમાં રોજ ૧૯ લોકોનુ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થાય છે. આતંકવાદ તથા કુદરતી આપત્તીઓથી પણ વધારે મૃત્યુ માર્ગ અકસ્માતમાં થાય છે. વાહનની અડફેટે રાહદારીનુ મૃત્યુ, વાહનની અડફેટે ટુ વ્હીલર ચાલકનુ મૃત્યુ, કાર ચાલકે કાબુ ગુમાવતા પરિવારે જીવ ગુમાવ્યો, લક્ઝરી બસના ચાલકે કાબુ ગુમાવતા પેસેન્જરોનુ મૃત્યુ જેવા સમાચારો અખબારોના પાને રોજ જોવા મળે છે. માર્ગ અકમાસ્તમાં ગંભીર ઈજાગ્રસ્ત થયેલા અને મોતના મુખમાંથી પાછા ફરેલા લોકોએ સૌપ્રથમ વર્ષ ૧૯૯૩ માં માર્ગ સલામતી સપ્તાહ ઉજવવાની શરૂઆત કરી હતી. જેને યુ.એન.એ. દ્વારા ૨૦૦૫ માં માન્યતા આપી હતી. ત્યારથી દર વર્ષે માર્ગ સલામતી સપ્તાહ ઉજવવામાં આવે છે. અત્યારે માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત સરકાર દ્વારા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ટીવી ચેનલોમાં ડીબેટ કરવામાં આવી રહી છે. ડાબી સાઈડથી ઓવરટેક કરવો નહી. શીટ બેલ્ટ લગાવવો, હેલમેટ પહેરીને ટુ વ્હીલર ચલાવવુ, નશાની હાલતમાં ડ્રાઈવીંગ કરવુ નહી વિગેરે વિગેરે ડ્રાઈવીંગમાં સાવચેતીના સુચનો કરતી લાખ્ખો રૂપિયાના ખર્ચે જાહેરાતો કરવામાં આવી રહી છે. સરકારના પરિપત્ર મુજબ શાળા તથા કોલેજોમાં માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે. માર્ગ અકસ્માતમાં મૃત્યુમાં ૧૮ થી ૩૫ વર્ષની વયજૂથના યુવાનોનુ પ્રમાણ ૪૬ ટકાથી વધુ છે. યુવાન અવસ્થામાં જોશ હોય છે. આ ઉંમરના લોકો વાહનો ફુલ સ્પીડમાં હંકારતા હોય છે. જે અકસ્માતનો ભોગ બની મોતના મુખમાં ધકેલાય છે. માર્ગ અકસ્માતોનો રેશીયો ઓછો કરવા સરકાર માર્ગ સલામતી સપ્તાહ ઉજવે છે. પરંતુ હાલમાં જે ડ્રાઈવીંગ પેટર્ન બદલાઈ છે અને તેના કારણે અકસ્માત વધ્યા છે તે બાબતે તંત્ર કેમ ધ્યાન આપતુ નથી. નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે મોટે ભાગે સીક્સ લેન તથા ફોરલેન થઈ ગયા છે. હાઈવે ઉપર ડાબી સાઈડે ડ્રાઈવીંગ કરવાનુ હોય છે અને જમણી સાઈડથી ઓવરટેક કરવાનો હોય છે. તેની જગ્યાએ ડ્રાઈવીંગ સીસ્ટમ બદલાઈ ગઈ છે. અત્યારે મોટાભાગના વાહન ચાલકો જમણી સાઈડ વાહન ચલાવે છે. ઓવરટેક કરવો હોય ત્યારે ગમે તેટલા હોર્ન મારવા છતા સાઈડ આપવામાં આવતી નથી. છેવટે વાહન ચાલક ડાબી સાઈડથી ઓવરટેક કરે છે. આ બદલાયેલી ડ્રાઈવીંગ સીસ્ટમના કારણે અકસ્માતની સંખ્યા વધી છે. જે બાબતે તંત્રએ ખાસ ધ્યાન દોરવા જેવુ છે. ડ્રાઈવીંગમાં બદલાયેલી સીસ્ટમ સુધારવા માટે સીસીટીવી કેમેરાની દેખરેખ જરૂરી છે. મોટા શહેરોના સિગ્નલ ઉપર સીસીટીવી કેમેરાની નજરથી ટ્રાફીક પોલીસ વગર નિયમોનુ પાલન થઈ રહ્યુ છે. સરકાર નેશનલ તથા સ્ટેટ હાઈવેના વિકાસમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. ત્યારે ડ્રાઈવીંગના નિયમોનુ કડક પાલન થાય તે માટે હાઈવે ઉપર સીસીટીવીની સુવિધા જરૂરી બની છે. દંડ હોય ત્યા નિયમોના પાલનનો ડર હોય છે. હાઈવે ઉપર બગડેલી ડ્રાઈવીંગ પેટર્નમાં સુધારો થાય તો અકસ્માતોમાં ઘણા અંશે ઘટાડો થાય તેમ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us