- વિધાનસભાની ચુંટણીનો રાગદ્વેષ કે પછી બીજુ કોઈ કારણ?
કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ જાણે છેકે પછી ચા કરતા કીટલી વધારે ગરમ હોય તેમ મંત્રીશ્રીની જાણ બહાર કોઈ રમત રમી રહ્યુ છે. વિસનગરમાં ધરોઈ કોલોની રોડ ઉપર આવેલ અર્બુદા સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણી વિતરણમાં ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. ચૌધરી સમાજના લોકોના મકાનો સોસાયટીમાં વધારે છે. ત્યારે વિધાનસભાની ચુંટણી બાદ રાજકીય દ્વેષભાવમાં પીવાના પાણી બાબતે હેરાન કરવામાં આવે છે કે શુ તેવી ચર્ચાઓ થઈ રહી છે. પાલિકા પ્રમુખ તથા વોટર વર્કસ ચેરમેનના વોર્ડમાજ પુરતા પ્રમાણમાં પાણી મળતુ ન હોય તો શહેરના અન્ય વિસ્તારમાં શુ દશા હશે.
પાટીદાર અનામત આંદોલનના સમયમાં વર્ષ ૨૦૧૭ ની વિધાનસભાની ચુંટણીમાં વિસનગર સીટના ઉમેદવાર ઋષિભાઈ પટેલને મોટાભાગના પટેલ સમાજના મતદારોએ મત આપ્યા નહોતા. તેમ છતા ઋષિભાઈ પટેલે જીત મેળવ્યા બાદ પટેલ સમાજની બહુમતી ધરાવતા વિસ્તારમાં સુવિધાઓ કે વિકાસમાં ભેદભાવ રાખ્યો નહોતો. ત્યારે આ વખતે ચૌધરી સમાજના મોટાભાગના મતદારોએ ઋષિભાઈ પટેલને મત નહી આપતા આ સમાજે જાણે મોટો ગુનો કર્યો હોય તેમ દ્વેષભાવ રાખવામાં આવતો હોવાનુ ચર્ચાય છે. જોકે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલનુ મનદુઃખ ક્ષણીક હોય છે એટલેજ સર્વ સમાજમાં સ્વિકાર્ય છે. ત્યારે ચા કરતા કીટલી ગરમ હોય તેવી કહેવત પ્રમાણે કેબીનેટ મંત્રીની નજીકના ટેકેદારના ઈશારે ચુંટણી પછીનુ વેરઝેર ચાલી રહ્યુ હોવાનુ વિસનગરની અર્બુદા સોસાયટીના બનાવ ઉપરથી ચર્ચાય છે.
વિસનગરમાં ધરોઈ કોલોની રોડ ઉપર આવેલ અર્બુદા સોસાયટીમાં મોટે ભાગે ચૌધરી સમાજના મકાન છે. જોકે અન્ય સમાજના લોકો પણ મકાન ધરાવે છે. આ સોસાયટીમાં વિધાનસભાની ચુંટણી બાદ પાણી પુરવઠામાં હેરાનગતી કરવામાં આવી રહી છે. છેલ્લા એક માસથી પુરતા પ્રમાણમાં પાણી આપવામાં આવતુ નથી. ગત અઠવાડીયાની વાત કરીએ તો સોમવાર અને મંગળવારના રોજ પાણી આપવામાં આવ્યુ નહોતુ. બુધવારે થોડો સમય પાણી આપવામાં આવ્યુ. ગુરૂવારે કાપ હોવાથી પાણી આવ્યુ નહી. બે દિવસ કાપ હોય તો નિયત કાપ હોવો જોઈએ નહી. શુક્રવારના દિવસે થોડુ પાણી આપ્યુ અને ઉતરાયણના તહેવારના દિવસે શનિવારે પાણી ન આવ્યુ. ઉતરાયણના દિવસે ઓપરેટર ખેતરમાં જતો રહ્યો હોવાનુ કારણ આપ્યુ. પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ અને વોટર વર્કસ ચેરમેન જગદીશભાઈ પટેલના વોર્ડની સોસાયટીમાં ઓપરેટર નિયમિત રહેતા ન હોય અને પાણીની મુશ્કેલી સર્જાય તો શહેરના અન્ય વિસ્તારમાં પાણીની કેવી વ્યવસ્થા હશે.
અર્બુદા સોસાયટીમાં રહેતા ચૌધરી સમાજના કોઈ બોલવા તૈયાર નથી. પરંતુ આ સોસાયટીમાં રહેતા જીવણભાઈ દેસાઈએ જણાવ્યુ છેકે છેલ્લા એક માસથી પીવાના પાણીની હેરાનગતી થઈ રહી છે. વારંવાર કમ્પલેન કરીએ ત્યારે એક ટેન્કર મોકલવામાં આવે છે. એક ટેન્કરથી સોસાયટીનુ શુ થાય. ઉતરાયણના તહેવારના દિવસે ઓપરેટર ખેતરમાં જતો રહે અને લોકોને પાણી વગર રાખે તે કેવું? આવા ઓપરેટર સામે કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી. ધરોઈ કોલોની રોડ વિસ્તારમાં ફક્ત અર્બુદા સોસાયટીના ઝોનમાજ પાણીની હેરાનગતી કેમ થાય છે? અન્ય ઝોનમાં કેમ કોઈ તકલીફ થતી નથી. અર્બુદા સોસાયટીને ટાર્ગેટ કરીને પાણીમાં હેરાન કરવામાં આવી રહ્યા છે. જ્યારે આ વોર્ડના પાલિકા સભ્ય આર.ડી.પટેલે જણાવ્યુ છેકે એક માસથી નહી પરંતુ ઘણા સમયથી આ વિસ્તારમાં પાણીની તકલીફ છે. પ્રમુખ તથા વોટર વર્કસ ચેરમેનનુ વારંવાર ધ્યાન દોર્યુ છે. પરંતુ કોઈ સુધારો થતો નથી.