કાંસા ગણપતિ પરામાં ગટરના પાણીથી આરોગ્યને ખતરો
- સિલીકોન વેલી સોસાયટીથી ગણપતી પરા વિસ્તાર સુધી ૬૦૦ ડાયાની નવી પાઈપલાઈન નાંખી ગટરના પાણીનો નિકાલ કરીશુ-પ્રમુખ સુમિત્રાબેન પટેલ
વિસનગર તાલુકામાં વિકસીત ગણાતા કાંસા ગામમાં ગણપતિ પરા વિસ્તારમાં આવેલ છેલ્લી લાઈનમાં ગટરના ભરાતા ગંદા પાણીથી નર્કાગાર સ્થિતિ સર્જાઈ છે. ગટરના ભરાતા પાણીથી ગંદકી ફેલાતા આજુબાજુમાં રહેતા રહીશોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. ત્યારે કાંસા ગ્રામ પંચાયતના ઈન્ચાર્જ સરપંચ આ રહેણાંક વિસ્તારમાં ભરાતુ ગટરનુંં પાણી તાત્કાલિક ધોરણે બંધ કરાવે તેવી રહીશોની માંગણી છે. જો કે આ બાબતે ગામના તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલે અઠવાડીયામાં ગટરનું ભરાતું પાણી બંધ કરવાની ખાત્રી આપી છે.
વિસનગર નજીક કાંસા ગામમાં આવેલ ગણપતિ પરા વિસ્તારની છેલ્લી રહેણાંક લાઈનમાં વિસનગર શહેરમાંથી પસાર થતી ગટરલાઈનનું અને કાંસા એન.એ.વિસ્તારની સોસાયટીઓનું ગટરનું ગંદુ પાણી ભરાય છે. ગટરના સતત ભરાતા પાણીથી અત્યારે રહેણાંક વિસ્તારમાં જાણે ગંદા પાણીનું તળાવ હોય તેવી નર્કાગાર સ્થિતિ સર્જાઈ છે. ગટરના ભરાતા પાણીથી ઝેરી જીવજંતુઓનો ઉપદ્રવ વધતા આજુબાજુમાં વસતા રહીશો અને બાજુમાં આવેલ મોડેલ આંગણવાડી કેન્દ્ર નં.૩ ના નાના બાળકોના આરોગ્ય સામે મોટો ખતરો ઉભો થયો છે. ગ્રામ પંચાયતના સરપંચ ગાયત્રીબેન પટેલ અચાનક વિદેશ ગયા હોવાથી અત્યારે ઉપસરપંચ રાજેશભાઈ પટેલ સરપંચનો ચાર્જ સંભાળી રહ્યા છે. આ સરપંચ ગણપતિ પરા વિસ્તારમાં રહે છે. જેઓ આ ગટરના ભરાતા પાણીની વિકટ સમસ્યાથી વાકેફ છે. સ્થાનિક રહીશોએ પણ આ ગટરના ભરાતા પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા ગ્રામ પંચાયતમાં વારંવાર મૌખિક રજુઆતો કરી છે. છતા ગ્રામ પંચાયત દ્વારા રહીશો અને નાના બાળકોના આરોગ્યને ધ્યાને રાખી ગટરનું ગંદુ પાણી બંધ કરાવવા કોઈ કડક કાર્યવાહી કરવામા આવી નથી. આ ગંભીર સમસ્યા બાબતે ઈન્ચાર્જ સરપંચ રાજુભાઈ પટેલનો સંપર્ક કરતા તેમને જણાવ્યુ હતુ કે કાંસા એન.એ. વિસ્તારની સોસાયટીઓમાંથી ગટરનું પાણી અહી ભરાય છે. ગટરનું પાણી બંધ કરવા એન.એ. સરપંચને જાણ કરી છે. છતાં જો ગટરનું પાણી બંધ નહી થાય તો અમે ગટર લાઈનમાં સીલ મારી દઈશું. જયારે ગામના રહીશ અને તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલે જણાવ્યુ કે વિસનગર શહેરમાંથી પસાર થતી ગટર લાઈન અને કાંસા એન.એ. વિસ્તારની ગટરલાઈન ચોકઅપ થવાથી ગટરનું પાણી રહેણાંક વિસ્તારમાં ભરાય છે. ગટરનું ભરાતું ગંદુ પાણી બંધ કરવા અમે સિલીકોન વેલી સોસાયટીથી ગણપતી પરા વિસ્તાર સુધી નવી ૬૦૦ ડાયાની પાઈપ લાઈન નાખવાના છીએ. ગટરનું ભરાતુ ગંદુ પાણી અઠવાડીયામાં બંધ કરી રહીશોને પડતી મુશ્કેલી દુર કરીશું. હવે ગ્રામ પંચાયતના સરપંચ રાજુભાઈ પટેલ અને તાલુકા પંચાયતના પ્રમુખ સુમિત્રાબેન પટેલ ગણપતિપરા વિસ્તારના રહીશોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં કેટલો રસ દાખવે છે તે જોઈએ.