કેરાલાના નિવૃત્ત અધિકારીની ઠગાઈમાં વિસનગરના શખ્સોની સંડોવણી
શેરબજારમાં નફો કરી આપવાની લાલચ આપી રૂા.૪.૯૦ કરોડ ખંખેરી લીધા
- વિસનગર અને વડનગરના ગામડામાં ડબ્બા ટ્રેડીંગનો ગેરકાયદેસર ધમધમતો વેપાર
વર્ષ ૨૦૨૦ માં કેરાલાના નિવૃત્ત અધિકારીને ફોન કરી શેરબજારમાં નફો કરી આપવાની લાલચ આપી આઠ માસમાં રૂા.૪.૯૦ કરોડ ટ્રાન્સફર કરાવ્યા હતા. જે નાણાં શેરબજારમાં નહી રોકી છેતરપીંડી કરી હતી. નિવૃત્ત અધિકારીની ફરિયાદ આધારે પોલીસે વિસનગર દલાલ સ્ટોકના હિમાંશુ ભાવસાર, હિમાંશુ પટેલ, ફોન કરનાર બે ઈસમો તથા જેમના ખાતામાં નાણાં ટ્રાન્ફસર કર્યા છે તે સાત ખાતાધારકો સહીત કુલ અગીયાર ઈસમો સામે ગુનો નોધાયો છે. વિસનગરમાં ધમધમતુ દલાલ સ્ટોક તો ક્યારનુય બંધ થઈ ગયુ. પરંતુ દલાલ સ્ટોકમાં નોકરી કરતા કર્મચારીઓ છુટા થયા બાદ વિસનગર અને વડનગરના ગામડામાં ડબ્બા ટ્રેડીંગનો ગેરકાયદેસર વેપાર કરી હજુ પણ લોકોને ખંખેરી રહ્યા છે.
સાપ નિકળી ગયા પછી લીસોટા રહી જાય તેમ વિસનગરનુ દલાલ સ્ટોક તો બંધ થઈ ગયુ પરંતુ લોકો પાસે જે છેતરપીંડી કરી છે તે પીછો છોડતા નથી. કેરાલાના જેકોબ વર્ગીસ બ્રહ્માકુલમ ઓ.એન.જી.સી.માંથી નિવૃત્ત થયા બાદ મુંબઈમાં ફરજ બજાવે છે. વર્ષ ૨૦૨૨ ના જુન માસમાં આ નિવૃત્ત અધિકારીના મોબાઈલ ઉપર અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. જેણે વિસનગરમાંથી સોમાભાઈ બોલુ છુ તેવી ઓળખાણ આપી હતી. આ સોમાભાઈ નામના શખ્સે શેરબજારમાં રસ ધરાવો છો તેવુ પુછતા નિવૃત્ત અધિકારીએ રસ દાખવ્યો હતો. ફોન કરનારે અમે અલગ અલગ કંપનીમાં શેરની લે-વેચ કરીએ છીએ અને અમારા દ્વારા રોકાણ કરશો તો મોટો નફો મળશે તેવી લાલચ આપી હતી. નિવૃત્ત અધિકારી સાથે સોમાભાઈ અને જગદીશભાઈ નામના શખ્સ વાતચીત કરતા હતા. જેમણે હિમાંશુ ઉર્ફે પીન્ટુ ભાવસાર અને હિમાંશુ પટેલ બન્ને શેર બજારના મોટા બ્રોકર છે તેમ કહી વાત કરાવી હતી. શેરમાં વધુ કમાણીની લાલચમાં આવી ગયેલ નિવૃત્ત અધિકારીએ જુન ૨૦૨૦ થી જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં તેમના તથા પત્નીના ખાતામાંથી અલગ અલગ સાત એકાઉન્ટમાં રૂા.૪.૯૦ કરોડ ટ્રાન્સફર કરાવ્યા હતા. અધિકારી સાથે વાતચીત કરનાર સોમાભાઈ અને જગદીશભાઈએ જે ખાતાની ડીટેલ મોકલી હતી તે ખાતામાં આર.ટી.જી.એસ.થી નાણાં મોકલ્યા હતા. મોટી રકમ જમા થઈ ગયા બાદ સોમાભાઈ અને જગદીશભાઈએ નિવૃત્ત અધિકારીના ફોન ઉપાડવાનુ બંધ કરી દીધુ હતુ. નિવૃત્ત અધિકારીને છેતરાયાની જાણ થતાજ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં પોલીસે સોમાભાઈ, જગદીશભાઈ, હિમાંશુ ભાવસાર, હિમાંશુ પટેલ, જેમના ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યા હતા તે આઈ.સી.આઈ.સી. બેંક ખેરાલુ ક્રિષ્ણા એન્ટરપ્રાઈઝ, આઈ.સી.આઈ.સી.આઈ. બેંક અમદાવાદ ગણેશ એન્ટરપ્રાઈઝ, એસ.બી.આઈ. કલોલ બેંકના ખાતેદાર અજીત નરેન્દ્રભાઈ પરમાર, એચ.ડી.એફ.સી. બેંક ઉધનાના ખાતેદાર અનિલ કનુભાઈ વાઘેલા, આઈ.સી.આઈ. સી.આઈ.બેંક પાટણના ખાતેદાર પલક મહેન્દ્રભાઈ પંચાલ, એચ.ડી.એફ.સી. બેંક દિલ્હી દરવાજાના ખાતેદાર તથા એક્સીસ બેંકના ખાતેદાર નીતિન મુકેશભાઈ લુહાર વિરુધ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
ખેરાલુ પોલીસે હિમાંશુ પટેલની વિસનગરમાં તેના મકાનમાંથી અટકાયત કરી હતી. કોર્ટમાં રજુ કરતા બે દિવસના રિમાન્ડ મળ્યા હતા. અન્ય ૧૦ આરોપીઓની પોલીસે શોધખોળ શરુ કરી છે. પોલીસે બેન્કોના એકાઉન્ટ માટે બેન્કના હેડ ઓફ ડીપાર્ટમેન્ટ, ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સિસ દ્વારા તપાસ શરુ કરી છે. ફરિયાદીના નાણાં કયા એકાઉન્ટમાંથી કોણ ઉપાડી ગયુ તેની તપાસ શરુ કરતા હજુ વધુ આરોપીઓના નામો જાહેર થવાની શક્યતા લાગે છે.