Select Page

સહકારીતાથી ગામનો વિકાસ થાય છે-મંત્રી ઋષિભાઈ પટેલ

ઘાઘરેટમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો સુવર્ણ જયંતી મહોત્સવ ઉજવાયો

વિસનગર તાલુકાના ઘાઘરેટ ગામની દૂઘ ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપનાને પ૦વર્ષ પૂર્ણ થતા ગામમાં આવેલ જોગણીયા મંદિરથી સામે તા.૧પ-૧ના રોજ સાંજે સુવર્ણજયંતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામા આવી હતી. આ પ્રસંગે વિસનગર ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલ, મહેસાણા દૂધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, દૂધ સાગર ડેરીના ડીરેક્ટર એલ.કે.પટેલ, દિલીપભાઈ ચૌધરી (કિયાદર), જીલ્લા પંચાયત સદસ્ય મીનાબેન અરવિંદભાઈ પટેલ, ગામના સરપંચ, ઉપસરપંચ ભારતીય કિસાન સંઘના પ્રમુખ, ગામની ક્રેડીટ સોસાયટીના હોદ્દેદારો, સહકારી મંડળીના પ્રમુખ પરસોત્તમભાઈ પટેલ, મંત્રી ભીખાભાઈ એ.પટેલ તથા કારોબારી સભ્યો ગ્રામ પંચાયતના સભ્યો વિકાસ કમિટીના સભ્યો, આગેવાનો, આજુબાજુના ગામોની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખો, મંત્રીઓ, સભાસદો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ ઉજવણી પ્રસંગે કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતુ કે સહકારીતાથી ગામનો વિકાસ થાય છે. અત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશનો અવિરત વિકાસ થઈ રહ્યો છે. ગુજરાત સરકાર પણ વિકાસની દિશામાં કામ કરી રહી છે. ગામડાઓના વિકાસ માટે સરકારે ખેતી, પશુપાલન, સહકાર તેમજ પ્રાથમિક અને માધ્યમિક સુવિધાઓને મહત્વ આપ્યુ છે. ત્યારે દરેક આગેવાનોએ વેરઝેર, અને જાતિવાદ ભુલી પોતાના ગામનો શ્રેષ્ઠ અને સર્વોત્તમ વિકાસ કરવો જોઈએ. જયારે દૂધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ જણાવ્યુ હતુ કે મારી દૂધ સાગર ડેરીમાં ચેરમેન તરીકે નિમણૂંક થયા પછી સતત પાંચ વખત દૂધના ભાવમાં વધારો કરી છેલ્લા ર૦ મહિનામા કિલો ફેટના ૬પ૦ થી વધારીને રૂા. ૭૭૦ કર્યા છે. ડેરીમાં બચત કરી વધુમાં વધુ નફો ખેડુતો અને પશુપાલકોને ડેરી મારફતે મળે તેવો અમે પ્રયત્ન કરી રહ્યા છે. જયારે દૂધ સાગર ડેરીના ડીરેક્ટર એલ.કે.પટેલે જણાવ્યુ હતુ કે દૂધ સાગર ડેરીએ ઓર્ગેનિક (પ્રાકૃતિક)ખેતીથી ઉત્પાદિત ચીજવસ્તુઓ ખરીદવાનું શરૂ કર્યુ છે. જેનો પુરેપુરો લાભ લઈ ખેડુતો વધુ આવક મેળવે તે ખુબજ જરૂરી છે. આ કાર્યક્રમમાં ઘાઘરેટ ગામના મહેશભાઈ પ્રભુદાસ પટેલના ઘરેથી રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલ અને ડેરીના ચેરમેન અશોકભાઈ ચોધરીનું ડી.જે.સાઉન્ડ સાથે ગામમાં ભવ્ય વરઘોડો કાઢી સ્વાગત કરવામા આવ્યુ હતુ. આ ઉપરાંત ગામમાં સ્વર્ણિમ વર્ષ દરમિયાન ડેરીમાં વધુ દૂધ ભરાવનાર પ્રથમ દશ ઉત્પાદકોનું સન્માન કરી પ્રોત્સાહીત કરવામા આવ્યા હતા. આ સાથે ડેરીના પૂર્વ પ્રમુખો અને મંત્રીઓનુ પણ સન્માન કરવામાં આવ્યુ હતુ. સહકારી મંડળીના પ્રમુખ પરસોત્તમભાઈ એસ.પટેલે ગામની દૂધમંડળીની સ્થાપનાથી લઈને અત્યાર સુધીની કામગીરીનો અહેવાલ રજુ કર્યો હતો. જેમાં ડેરીના વિકાસમાં સહયોગ આપનાર ગામના આગેવાનો અને નાગરિકોની નોંધ લેવામાં આવી હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us