કડા રોડ નાળા ઉપરના દબાણ હટાવવા કોઈ જવાબદારી લેવા તૈયાર નથી
તંત્રની બેવડી નીતિ-મહેસાણા રોડ નાળાને મંજુરી
વગ અને પૈસાના જોરે સરકારી તંત્રને વાળવુ હોય તેમ વળી શકે છે. વિસનગરમાં કડા રોડ ઉપર વહેળામાં થયેલ દબાણ હટાવવા કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. જ્યારે આજ તંત્ર દ્વારા મહેસાણા રોડ ઉપરના વહેળા ઉપર આર.સી.સી. નાળાની મંજુરી આપવામાં આવી છે. સિંચાઈ વિભાગ તેમજ માર્ગ મકાન વિભાગ કેટલામાં ખરીદાયુ તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
અગાઉ શહેર ભાજપ પ્રમુખ તરીકે ગરજતા અને વરસતા વિજયભાઈ પટેલ બાંધકામ ચેરમેન બન્યા પછી કેમ ચુપ?
વિસનગરના મોટાભાગના વિસ્તારના વરસાદી પાણીનો નિકાલ મહેસાણા રોડ ઉપરના વહેળામાં – કાચી કેનાલમાં થાય છે.
આ વહેળામાં જતા દબાણોની દેખરેખ રાખવાની જવાબદારી પાલિકા તંત્રની છે. પાલિકાના જવાબદાર હોદ્દેદારો ધ્યાન નહી રાખે અને દબાણોના કારણે વહેળો પુરાશે કે સાંકડો થશે તો ભવિષ્યમાં ચોમાસામાં પાણીનો નિકાલ થશે નહી અને શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી તારાજી થશે. આ વહેળા ઉપર અત્યારે તિરૂપતી રોયલ સોસાયટીથી આગળ એક આર.સી.સી.નાળુ બનાવવામાં આવ્યુ છે. પાકુ નાળુ બનાવવા માટે બીલ્ડરે કયા વિભાગના કોને કેટલામાં ખરીદ્યા તે ચર્ચાનો વિષય બન્યો છે. પાલિકાએ મંજુરી આપવાની રહેતી નથી તેમ કહી ચીફ ઓફીસરે હાથ અધ્ધર કરી દીધા છે. પ્રમુખ વર્ષાબેન પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ છેકે, આર.સી.સી. નાળુ બનતુ હોવાનુ ધ્યાન ઉપર આવતા તુર્તજ ટાઉન પ્લાનીંગ વિભાગને જાણ કરીને કામ રોકાવ્યુ છે. બાંધકામ ચેરમેન વિજયભાઈ પટેલે મહેસાણા ચાર રસ્તા પાસે વહેળા ઉપર નાળુ બનાવ્યુ તે વખતે ભારે વિરોધ કર્યો હતો. જેમની પીપુડી વાગી નહી અને નાળુ પણ બની ગયુ. આ બાંધકામ ચેરમેન નવા બનેલા નાળા બાબતે કેમ ચુપ છે તે એક પ્રશ્ન છે. નોધપાત્ર બાબત છેકે વિજયભાઈ પટેલ જ્યારે શહેર ભાજપ પ્રમુખ પદે હતા ત્યારે મહેસાણા રોડ ઉપર સંસ્કૃતિ સોસાયટી માટે બનાવેલ નાળા બાબતે ભારે વિરોધ કર્યો હતો. સોસાયટી પાછળના ખેતરમાં અવરજવર કરવા માટે નાળામાં પુરાણ કરાયુ તે દુર કરવા પણ કોઈની કાર્યવાહી કરી શક્યા નથી. વિજયભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ તરીકે વરસાદી નાળાના થતા દબાણ બાબતે જે રીતે વરસતા અને ગરજતા હતા તે હવે બાંધકામ ચેરમેન બન્યા બાદ ચુપ થઈ ગયા છે.
મહત્વની બાબત તો એ છેકે વહેળામાં થયેલા દબાણો દુર કરવા જે તંત્ર અમારામાં આવતુ નથી તેવો જવાબ આપતુ હતુ તે તંત્રએ મહેસાણા રોડ ઉપરના નાળા માટે મંજુરી આપી છે. પાલિકાના પૂર્વ સભ્ય ફુલચંદભાઈ પટેલે કડા રોડ ઉપર વહેળાના માર્ગે થયેલા દબાણો અને નાની સાઈઝની નાખવામાં આવેલ પાઈપો બાબતે રજુઆત કરી હતી. જેમાં તપાસમાં આવેલ માર્ગ મકાન વિભાગ, ધરોઈ સીંચાઈ કાંસ વિભાગ, તાલુકા પંચાયત વિભાગ, પાલિકા તંત્ર વિગેરે વિભાગના ઉપસ્થિત અધિકારીઓએ જણાવ્યુ હતું કે, દબાણ દૂર કરવાનુ અમારામાં આવતુ નથી. જ્યારે મહેસાણા રોડ ઉપર નાળુ બનાવવામાં ધરોઈ સીંચાઈ વિભાગ અને માર્ગ મકાન વિભાગ દ્વારા મંજુરી આપવામાં આવી હોવાનુ જાણવા મળ્યુ છે. વિસનગર શહેરનુ ભવિષ્યમાં અહીત કરતા નાળાની મંજુરી આપવામાં સરકારના જે તે વિભાગના અધિકારીઓ બીલ્ડરના હાથે કેટલામાં વેચાયા તેની ભારે ચર્ચાઓ થઈ રહી છે.