Select Page

એન.એફ.એસ.યોજના તળે માત્ર ગરીબોને જ અનાજ મળે તે માટે સરકાર ચિંતિત પરંતુ
સમૃધ્ધ બી.પી.એલ.કાર્ડધારકોને દૂર કરવા સરકાર કેમ કોઈ નિર્ણય કરતી નથી?

એન.એફ.એસ.યોજના તળે માત્ર ગરીબોને જ અનાજ મળે તે માટે સરકાર ચિંતિત પરંતુ<br>સમૃધ્ધ બી.પી.એલ.કાર્ડધારકોને દૂર કરવા સરકાર કેમ કોઈ નિર્ણય કરતી નથી?

તંત્રી સ્થાનેથી…
ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં ર૦૧૧ની સાલમાં બી.પી.એલ.યાદીનું સર્વે કરવામા આવ્યુ હતુ. તે સમયે બનેલી બી.પી.એલ. યાદીઓ પછી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં હવે સમૃધ્ધ થયેલા બી.પી.એલ.કાર્ડ ધરાવતા લોકો જાતે કોઈ સરકારી લાભ છોડવા તૈયાર નથી. સરકાર દ્વારા બી.પી.એલ.યાદીની સમીક્ષા કરવામા આવતી નથી. જેથી ગરીબ વધુ ગરીબ અને સમૃધ્ધ બી.પી.એલ.કાર્ડધારક સરકારી લાભો મેળવી વધુ સમૃધ્ધ થયા છે. કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં હવે આર્થિક પછાત ને અનામત આપવાનું નક્કી કર્યુ છે તે રીતે હવે બી.પી.એલ.કાર્ડનો કોઈ અર્થ રહેતો જ નથી જેથી બી.પી.એલ.કાર્ડ રદ કરી તમામ ગરીબોને સીધા જ સરકારી લાભો આપવા જોઈએ. ગ્રામ્ય વિસ્તારોમાં સરકારે શૂન્યથી ૧૬ અને ૧૭થી ર૦ એવા ક્રમાંક આપી ગ્રામ સભાઓમાં ઠરાવો કરી રાજય સરકારને મોકલવામાં આવે તો બી.પી.એલ.યાદીમાં લોકોનો સમાવેશ કરવા ગ્રામ વિકાસ એજન્સીની ભલામણની સત્તા આપવામા આવી છે. ગ્રામ વિકાસ એજન્સીના અધ્યક્ષ જિલ્લા વિકાસ અધિકારી છે. આવેલ ગ્રામસભાની દરખાસ્તની ચકાસણી કરી જે તે વ્યક્તિને બી.પી.એલ.કાર્ડ આપવા રાજ્ય સરકારમાં ભલામણ કરે તે પછી રાજ્ય સરકાર બી.પી.એલ.કાર્ડના લીસ્ટમાં નામ ઉમેરી જેતે વ્યક્તિનો બી.પી.એલ.કાર્ડમાં સમાવેશ કરે છે. બી.પી.એલ.કાર્ડ ધરાવતો સમૃધ્ધ વ્યક્તિનુ નામ કમી કરવાની સત્તા પણ ગ્રામ પંચાયતની ગ્રામ સભાને હોય છે. પરંતુ ગ્રામ સભામાં તલાટીઓ અને સરપંચોની મિલી ભગતથી ગુજરાત રાજ્યમાં બી.પી.એલ.કાર્ડ રદ કરવાની દરખાસ્ત કયારેય કરવામા આવતી જ નથી. તલાટીઓ સંપુર્ણ રીતે વાકેફ હોય છે કે બી.પી.એલ લાભાર્થી સમૃધ્ધ છે. છતા તેનુ નામ રદ કરવા ગ્રામસભામાં ઠરાવ કરી દરખાસ્ત કરતા નથી. બી.પી.એલ.યાદીમાં સમાવેશ કરવા માટે સરકાર દ્વારા ધારાધોરણ પ્રમાણે નિયમો બનાવ્યા છે. બી.પી.એલ.યાદીમાં સમાવેશ થનાર વ્યક્તિનું બી.પી.એલ.કાર્ડ કયારે રદ થાય તે જોઈએ તો, ચાર પૈડા વાળુ વાહન ધરાવતો હોય, કુટુંબનો સભ્ય સરકારી કર્મચારી હોય, કુટુંબની માસિક આવક ૧૦ હજાર કરતા વધુ હોય, કુટુંબનો કોઈપણ સભ્ય ઈન્કમટેક્ષ કે વ્યવસાય વેરો ચુકવતો હોય, નિયત ધારાધોરણ કરતા વધુ ખેતીની જમીન ધરાવતો હોય, કુટુંબનો સભ્ય પેન્શન મેળવતો હોય, કુટુંબ આર્થિક સુખાકારી/ સધ્ધરતા ધરાવતા હોય, શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં પાકુ મકાન ધરાવતો હોય, કોઈપણ ખાનગી કંપનીમાં પગાર ૧૦ હજાર કરતા વધુ હોય, આવા અનેક માપદંડ ધરાવતો વ્યક્તિ રેશનકાર્ડથી વિતરણ કરવામા આવતુ મફત અનાજ કે બી.પી.એલ.કાર્ડ મેળવવા હક્કદાર નથી. સરકાર દ્વારા ગુજરાતમાં ઓ.બી.સી.અનામતની સમીક્ષા માટે ગ્રામ પંચાયતોમાં વહીવટદાર તરીકે તલાટીઓની નિમણુંક કરી છે. હાલ સરપંચો સત્તામાં ન હોવાથી સરકાર દ્વારા તલાટીઓને સીધી સુચના આપી આર્થિક, સમૃધ્ધ બી.પી.એલ.ધારકોની સમીક્ષા કરાવે તો ખરેખર જરૂરીયાતવાળા ગરીબોનો બી.પી.એલ.યાદીમાં સમાવેશ કરી શકાય તેમ છે. ગુજરાતની ભાજપ સરકારના ગરીબો અને ખેડૂતોનુ વિશેષ ધ્યાન રાખી વધુમાં વધુ સરકારી લાભો વર્ષોથી આપે છે. સરકારની ગરીબલક્ષી સફળ નિતિઓને કારણે ગુજરાતની જનતાએ વિધાનસભામાં ૧પ૬ સીટો આપી છે. તો ગુજરાત સરકાર દ્વારા યુધ્ધના ધોરણે બી.પી.એલ.કાર્ડધારકોની સમીક્ષા કરી ઝડપથી લાભો અપાવે તે હાલના સમયમાં જરૂરી છે. ર૦૧૧માં જે ગરીબ હતો તેનો બી.પી.એલ.યાદીમાં સમાવેશ થયો. પરંતુ ર૦૧૧નો ગરીબ હવે સમુધ્ધ બન્યો છે. જેથી તેનું નામ રદ થવુ જોઈએ તો જ હાલના સાચા ગરીબનો બી.પી.એલ.યાદીમાં સમાવેશ થઈ શકશે. કેન્દ્ર સરકાર હવે ચુંટણી કાર્ડ અને આધારકાર્ડને પાનકાર્ડ સાથે લીંક કરી રહી છે. તે જ રીતે રેશનીંગ કાર્ડને પણ પાનકાર્ડ સાથે લીંક કરવા સરકાર વિચારણા કરે તો હાલનો સમૃધ્ધ બી.પી.એલ.કાર્ડ ધારકનું નામ રદ થશે અને સરકારના ખોટા લાભ મેળવતો બંધ થશે. જેનાથી સરકારી યોજનાઓના કરોડો રૂપિયા બચી જશે. અને ખરેખર જરૂરીયાતમંદ છે તેને સરકારી યોજનાનો સાચો લાભ મળશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us