બાંધકામ ચેરમેન વિજયભાઈ પટેલનો પ્રમુખ તથા ચીફ ઓફીસરને પત્ર
વિસનગર પાલિકામાં સભ્યોના પગ તળે રેલો આવે તેવા ઠરાવો જનરલમાં કરવામાં આવી રહ્યા છે. જ્યારે મળતરવાળી મંજુરીમાં કોઈને ગંધ પણ ન આવે તેવી રીતે કામગીરી કરવામાં આવી રહી છે. મહેસાણા રોડ ઉપરના વહેળામાં પરવાનગી વગર બનાવવામાં આવેલા નાળાની એન.ઓ.સી. આપતો ઠરાવ પ્રમુખ સ્થાનેથી જનરલમાં લાવવામાં આવતા બાંધકામ ચેરમેન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. બાંધકામ ચેરમેને પ્રમુખ તથા ચીફ ઓફીસરને લખેલા પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છેકે, ભાજપના મેન્ડેટથી સભ્યો ચુંટાયા છે. સભ્યોની સંમતીથી એન.ઓ.સી. આપવામાં આવે અને ભવિષ્યમાં વહેળામાં થયેલા નાળાના દબાણથી વરસાદી પાણી ભરાશે અને માલ મિલ્કતને નુકશાન થશે તો એન.ઓ.સી.નો ઠરાવ મંજુર કરનાર સભ્યોની જવાબદારી બનશે. આવા ઠરાવોથી ભાજપની છબી ખરડાશે.
વિસનગર પાલિકાના બાંધકામ ચેરમેન વિજયભાઈ પટેલ વર્ષોથી વરસાદી પાણીના વહેળામાં દબાણરૂપ નાળાના તથા ગેરકાયદેસર બાંધકામના વિરોધી રહ્યા છે. મહેસાણા રોડ ઉપર વહેળામાં ઘણા સમયથી નાળાનુ કામ ચાલી રહ્યુ છે. વહેળામાં નાળા માટે ખોદકામ ચાલતુ હતુ અને આર.સી.સી. નાળુ બની ગયુ ત્યા સુધી પાલિકાને કે સભ્યોના ધ્યાનમાં આવ્યુ નહી. જ્યારે નાળાનુ ૯૦ ટકા કામ પુર્ણ થયુ ત્યારે પાલિકા સભ્યો જાગ્યા છે. પાલિકાની જનરલમાં આર.સી.સી.નાળાને એન.ઓ.સી. આપતો ઠરાવ પ્રમુખ સ્થાનેથી રજુ કરવામાં આવ્યો હતો. જોકે પાલિકાની તા.૩૧-૧-૨૦૨૩ ના રોજની જનરલના આગળના દિવસે તથા સંકલન મળે તે પહેલા તા.૩૦-૧-૨૦૨૩ ને સોમવારના રોજ પાલિકા ઓફીસ ખુલતાજ બાંધકામ ચેરમેન પ્રમુખ તથા ચીફ ઓફીસરને ઉલ્લેખી પત્ર ઈનવર્ડ કરાવ્યો હતો.
બાંધકામ ચેરમેને લખેલા પત્રમાં એ ઉલ્લેખ કરાયો છેકે, શુકન સોસાયટીની બાજુમાં આવેલ સર્વે નં.૨૭૩૫ માંથી મેઈન રોડ ઉપર આવવા વરસાદી પાણીના વહેળામાં આર.સી.સી. નાળુ બનાવવામાં આવ્યુ છે. જેનુ ૮૦ ટકા કામ પુર્ણ થઈ ગયુ છે. નાળાની એન.ઓ.સી. માટે જનરલ બોર્ડમાં પ્રમુખ સ્થાનેથી ઠરાવ રજુ કરવામાં આવી રહ્યાનુ ધ્યાનમાં આવ્યુ છે પરંતુ જનરલ સભામાં ભાજપના સભ્યોએ નાળાની એન.ઓ.સી.ના ઠરાવને સંમતી આપવાની થતી નથી. નગરપાલિકાના કોઈપણ વિસ્તારમાં બાંધકામ કરાયુ હોય તો તેની પરવાનગી માટે નગર નિયોજક ટાઉન પ્લાનર ગાંધીનગરની કચેરીમાં અરજી કરવાની થાય છે. નડતરરૂપ બાંધકામ છેકે નહી તેની ચકાસણી કર્યા બાદ એન.ઓ.સી. આપવા વિસનગર પાલિકાના મુખ્ય અધિકારીને સુચન કરવામાં આવે છે. કાયદાનુસાર જે તે કામની એન.ઓ.સી. આપવાની સત્તા ચીફ ઓફીસરને છે. નાળાની એન.ઓ.સી.નો ઠરાવ જનરલમાં મુકવામાં આવ્યો છે. વરસાદી પાણીના વહેળામાં સમગ્ર વિસનગર શહેરનુ પાણી જાય છે. આ જગ્યાએ વિસનગરનો જુનો રાજમાર્ગ છે. જગ્યાની માલિકી કલેક્ટરની છે. ભવિષ્યમાં ભારે વરસાદ પડે ત્યારે વહેળામાં થયેલા દબાણોના કારણે પાણી ભરાવાથી વિસ્તાર ડૂબમાં જાય, મોટી દુર્ઘટના સર્જાય તેમજ પ્રજાની જાનમાલનુ નુકશાન થાય તો તેની સમગ્ર જવાબદારી એન.ઓ.સી.ના ઠરાવને સંમતી આપનાર સભ્યોની બને.
બાંધકામ ચેરમેને પત્રમાં એ પણ ઉલ્લેખ કર્યો છેકે, વિસનગર પાલિકામાં ભાજપના ૩૧ સભ્યોની બહુમતી ધરાવતુ બોર્ડ છે. આ સભ્યો ભાજપના મેન્ડેટથી ચુંટાઈ આવ્યા છે ત્યારે આવા ઠરાવોથી ભારતીય જનતા પાર્ટીની છબીને નુકશાન થાય છે. એન.ઓ.સી.ના ઠરાવ અંતર્ગત ચાલતી ભ્રષ્ટાચારની ચર્ચાથી ભાજપનીજ છબી ખરડાય છે. પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર અને ચુંટાયેલા સિનિયર સભ્ય તરીકે આ ઠરાવ સામે વિરોધ છે. અન્ય સભ્યોનુ પણ ઠરાવ બાબતે ધ્યાન દોરવા સંકલન મીટીંગમાં પત્ર વંચાણમાં લેવા જણાવ્યુ હતુ.