ચુંટણી સમયે પ્રકાશભાઈ પટેલે આપેલુ વચન નિભાવ્યુ
- પ્રકાશભાઈ પટેલે આપેલુ વચન પાળી બતાવ્યુ હવે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે કમાણામાં પી.એચ.સી.સેન્ટર બનાવવાનું વચન કયારે પુરુ કરશે ?
વિધાનસભાની ચુંટણીની પ્રચાર સભાઓ દરમ્યાન કમાણા ગ્રામજનો દ્વારા ગામમાં પી.એચ.સી.સેન્ટરની માંગણી કરવામા આવી હતી. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગ્રામજનો દ્વારા કરવામાં આવેલી માંગણીને માન આપી એસ.કે. યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલે નુતન હોસ્પિટલ સંચાલીત આરોગ્ય સેન્ટર ખોલવા વચન આપ્યુ હતુ. પ્રકાશભાઈ પટેલે આવેલા વચન પ્રમાણે કમાણામાં આરોગ્ય સેન્ટર શરૂ કરવામા આવતા ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઈ છે. હવે કમાણામાં પી.એચ.સી. સેન્ટર કાર્યરત કરવાનું વચન કેબીનેટ મંત્રી કયારે પુરુ કરશે તેની ગ્રામજનો રાહ જોઈ રહ્યા છે.
વિધાનસભાની ચુંટણી દરમ્યાન કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના પ્રચાર માટે જંગી સભા મળી હતી. જેમાં એસ.કે. યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, રાજુભાઈ પટેલ આર કે., તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય મહેન્દ્રકુમાર પટેલ વિગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં ગ્રામજનો દ્વારા કમાણામાં કાયમી પી.એચ.સી. સેન્ટર મંજુર કરવા માટે માંગણી કરવામા આવી હતી. જેમાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે ગ્રામજનોની માંગણી સંતોષવા માટે વચન આપ્યુ હતુ. આ સભામાં ઉપસ્થિત એસ.કે.યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલે પણ વચન આપ્યુ હતુ કે જયાં સુધી ગામમાં પી.એચ.સી. સેન્ટર કાર્યરત નહી થાય ત્યાં સુધી નુતન હોસ્પિટલ સંચાલીત હેલ્થ સેન્ટર ગ્રામજનોની તબીબી સારવાર કરશે. હેલ્થ સેન્ટર માટે ગ્રામજનો સમક્ષ જગ્યાની માંગણી કરી હતી. કમાણા ગ્રામજનોને ઘર આંગણે જ તબીબી સુવિધા ઉભી થાય તે માટે સાર્વજનિક પુસ્તકાલય કમિટીએ પુસ્તકાલયનો હોલ આપવા સંમત્તી આપી હતી. જેમા એસ.કે.યુનિવર્સિટીના ચરેમેન પ્રકાશભાઈ પટેલના પ્રયત્નોથી નુતન મેડીકલ કોલેજ રીસર્ચ સેન્ટર સંલગ્ન નુતન જનરલ હોસ્પિટલ વિસનગર સંચાલીત કમાણામાં રૂરલ હેલ્થ સેન્ટરનો શુભારંભ કરવામા આવ્યો છે. કેબીનેટ મંત્રીના ચુંટણી પ્રચારમાં તેમના હિત ખાતર તથા ગ્રામજનોની માંગણી મુજબ પ્રકાશભાઈ પટેલે કહેલુ કરી બતાવતા ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઈ છે. ગ્રામજનોએ પ્રકાશભાઈ પટેલનો તથા જગ્યા ફાળવવા બદલ સાર્વજનિક પુસ્તકાલયના પ્રમુખ, મંત્રી તેમજ કમિટીનો આભાર માન્યો હતો. શુભારંભ પ્રસંગે નુતન હોસ્પિટલના અધિક્ષક પંકજ નિર્બાલકર, મહેન્દ્રભાઈ પટેલ, ડેલીગેટ ભૂમિબેન મિતેશભાઈ પટેલ, વિરમભાઈ પટેલ વિગેરે આગેવાનો તથા ગ્રામજનોએ હાજરી આપી હતી. ગ્રામજનોએ કમાણામાં ઝડપી પી.એચ.સી.સેન્ટર ફાળવાય તેવી લાગણી વ્યક્ત કરી હતી.
શુભારંભ પ્રસંગે હોસ્પિટલના અધિક્ષક ડૉ.પંકજ નિબાલકરે જણાવ્યુ હતુ કે હેલ્થ સેન્ટર રોજ સવારે ૯-૦૦ થી સાંજે ૪-૦૦ કલાક સુધી ખુલ્લુ રહેશે. હેલ્થ સેન્ટરમાં નિયમિત એમ.બી.બી.એસ.ડૉકટર સેવા આપશે. જ્યાં સારવાર તથા દવાઓ વિના મૂલ્યે આપવામાં આવશે જરૂર જણાય તો એમ્બ્યુલન્સ દ્વારા દર્દીને નુતન હોસ્પિટલમા સીફ્ટ કરવામા આવશે. જયાં પણ વિના મૂલ્યે સારવાર આપવામા આવશે. આ ઉપરાંત હેલ્થ સેન્ટરમાં અઠવાડીયામાં બે દિવસ હોમિયોપેથીક તથા બે દિવસ આર્યુવેદિક ડૉકટરની પણ સેવા ઉપલબ્ધ થશે.