તંત્રી સ્થાનેથી…ફાયનાન્સરોમાં અવિશ્વાસ ઉભો થશે તો આર્થિક વ્યવહારો ખોરવાશે
વ્યાજખોરોને ડામવાના ચક્કરમાં ખોટા કેસ થશે તો
તંત્રી સ્થાનેથી…
મોજ શોખ માટે દેવુ કરનાર લોકો ઓછા છે. મોટા ભાગના કિસ્સામાં અચાનક આવી પડેલ ખર્ચને પહોચી વળવા નાણાની વ્યવસ્થા કે બચતની રકમ ન હોય ત્યારે ઉછીના નાણા લેવા પડે છે. નાણાંની જરૂરીયાત ઉભી થાય ત્યારે સબંધી મદદ કરે તેવા દરેક લોકો સદ્નસીબ હોતા નથી. જેથી જરૂર પડે ત્યારે મોટાભાગના લોકોને વ્યાજે નાણા ઉછીના લેવાની ફરજ પડે છે. પહેલા જુબાનની કિંમત હતી. હવે લોકોની પ્રમાણિકતામા ખોટ આવી છે. જેથી આર્થિક વ્યવહારમાં પ્રોમિશરી નોટ ઉપર સહીયો અને ગેરન્ટી રૂપે ચેક લેવામાં આવે છે. મિલ્કત મોર્ગેજ કરીને કે મિલ્કતનો સ્ટેમ્પ કરીને જે ફાયનાન્સર નાણાં આપે છે તેમને કોઈ તકલીફ નથી. પરંતુ પ્રોમિશરી નોટ ઉપર સહી કરીને, ચેક આપીને કે હાથ ઉછીના જે વ્યવહાર થાય છે તેમાં નાણાં પાછા લેતી વખતે સબંધો બગડે છે. વ્યવહાર સાચવવા જે વખતે ઉછીના નાણાં આપે તે વ્હાલા લાગે છે. પરંતુ ઉઘરાણી કરવામાં આવે ત્યારે ખરી જરૂરીયાતના સમયે નાણાંની મદદ કરનાર દુશ્મન જેવો લાગતો હોય છે. દેવાદાર બની ગયા હોય ત્યારે પૈસા ન આપવા પડે તે માટે થોડુ ફિનાઈલ પીને કે ઉંઘની ગોળીઓ ગળી હોસ્પિટલમાં દાખલ થવાના ઘણા બનાવો બન્યા છે. ધિરધારનુ લાયસંસ લઈને ફાયનાન્સનો ધંધો કરનાર નીતિ નિયમો પ્રમાણે વ્યાજ લે છે. પરંતુ ઘર ખાનગી ફાયનાન્સ કરનાર ધંધાર્થિઓમાં વ્યાજની ટકાવારીની કોઈ લીમીટ હોતી નથી. ખાનગી ફાયનાન્સરોનુ વ્યાજ પાંચ થી દશ ટકા સુધીનુ હોય છે. મોટો વ્યવસાય કરનારને બેંકમાંથી કે ફાયનાન્સ કંપની કે પેઢીમાંથી એક થી બે ટકાના વ્યાજે નાણા મળી રહે છે. પરંતુ નાના વેપારીઓ કે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને ઉંચી ટકાવારીમાં નાણાં લેવા પડે છે. નાના વેપારીઓ તેમજ મધ્યમ અને ગરીબ વર્ગના લોકોજ વ્યાજના ખપ્પરમાં હોમાય છે અને વ્યાજની ઉંચી ટકાવારીના કારણે આર્થિક સક્ષમ બની શકતા નથી. આવા પરિવારોના મોભીને કે સમગ્ર પરિવારને છેવટે આત્મહત્યા કરવા મજબુર બનવુ પડે છે. મોટાભાગના બનાવમાં નાનો વેપારી, ખેડૂત કે ગરીબ મધ્યમ વર્ગના પરિવારનો વ્યક્તિજ વ્યાજખોરોની ચુંગાલમાંથી છુટવા આત્મહત્યા માટે પ્રેરાયો છે. વ્યાજખોરોનો પણ આવા વર્ગ ઉપરજ ત્રાસ હોય છે. વ્યાજખોરોના સાણસામાં ફયાયેલા લોકોને મુક્ત કરવા માટે સરકાર દ્વારા મુહિમ શરૂ કરવામાં આવી છે. સરકારની સુચનાથી પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કેસ કરવામાં આવી રહ્યા છે. પોલીસ કાર્યવાહીથી વ્યાજખોરોમાં ફફડાટ ફેલાયો છે. વ્યાજના ચક્રવ્યુહમાં ફસાયેલા લોકોની અરજીઓનો પોલીસ સ્ટેશનમાં ખડકલો થયો છે. કામગીરી બતાવવાની લ્હાયમાં આડેધડ કેસ કરવામાં આવતા ફાયનાન્સ કરનાર ધંધાર્થિ વ્યવસાય બંધ કરવાનુ વિચારી રહ્યા છે. ખાનગીમાં ફાયનાન્સ કરતા કેટલાક લોકોએ તો ધંધાના શટર પાડી દીધા છે. ઉછીના નાણાં લઈ પરત નહી આપવાની દાનત રાખનાર કેટલાકને ફાવતુ મળી ગયુ છે. વ્યાજખોરોને નેસ્તનાબુદ કરવાની સરકારની મુહિમ બાદ ખરેખર જે લોકો લારીઓમાં વ્યવસાય કરતા નાના વેપારીઓ, ગરીબ અને મધ્યમ વર્ગને ચુસી આર્થિક પાયમાલ કરી રહ્યા છે તેવા વ્યાજખોરો સામે હજુ એક પણ કેસ થયો નથી. વિસનગરનીજ વાત કરીએ તો વ્યાજખોરીના જે કેસ થયા છે તેમાં તથ્ય કેટલુ? નાણાંની જરૂરીયાત ઉભી થાય ત્યારે દસ્તાવેજ આપવાની બેંકની કે કોર્પોરેટ ફાયનાન્સ કંપનીની જટીલ પ્રક્રિયામાંથી પસાર થવુ ન પડે ત્યારે લોકો ખાનગી ફાયનાન્સ પેઢી કે ફાયનાન્સર પાસે નાણાં લેવા માટે જાય છે. ખાનગી ફાયનાન્સરોના કારણે અડધી રાત્રે વ્યવહારો સચવાતા હોય છે. ત્યારે વ્યાજખોરોને ડામવાના અભિગમમાં પોલીસ તેમજ તંત્ર તથ્ય જાણ્યા વગર જો આડેધડ કેસ કરશે તો ફાયનાન્સરોમાં અવિશ્વાસ ઉભો થશે તો ખાનગી આર્થિક વ્યવહારો બંધ થશે. જેમાં છેવટે તો નાના વર્ગના લોકોનેજ સહન કરવાનુ છે.