ખેરાલુ ધારાસભ્યએ વિકાસ માટે આળસ ખંખેરી
ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી વિધાનસભામાં ચુંટાયા પછી બે મહિને આળસ ખંખેરી ખેરાલુ- સતલાસણા તાલુકાના પડતર પ્રશ્નો બાબતે આળસ ખંખેરી હોય તેવુ લાગે છે. મહેસાણા જીલ્લા ભાજપ પ્રમુખ જસુભાઈ પટેલ સમક્ષ જીલ્લા પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા સમક્ષ પડતર પ્રશ્નો માટે લેખીત રજુઆત કરી છે.
ખેરાલુ વિધાનસભામાં સિંચાઈનો મોટો પ્રશ્ન છે પરંતુ તેમાં નક્કર કામગીરી શરૂ ન થતા પાણી મુદ્દે આંદોલન કરતા ખેડુતો ફરીથી અકળાયા છે. ત્યારે તળાવો ભરવાની યોજનાની વહીવટી મંજુરી ઝડપથી અપાવી ટેન્ડરીંગ કરવા રજુઆત કરી છે. ખેરાલુ તાલુકા પંચાયત ભવન નવિન બનાવવા છેલ્લા ત્રણ ચાર વર્ષથી પ્રશ્ન હલ થતો નથી. તાલુકા સેવા સદન પાસે માર્ગ અને મકાન વિભાગનું કર્મચારી આવાસ તાલુકા પંચાયત બનાવવા ફાળવવા વિનંતી કરી છે. આ જગ્યા ફાળવી દેવાય તો ખેરાલુ શહેર પડી ભાંગશે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. ચિમનાબાઈ સરોવરનુ લેવલ ૨૨ ફુટ ભરેલુ રાખી સિંચાઈ માટે પાણી આપવા રજુઆત કરાઈ છે. સતલાસણા તાલુકાના હિંમતપુરા ખાતે બિન ઉપયોગી સરકારી પડતર જમીન લેવા કલેક્ટરમાં પડેલી દરખાસ્ત મંજુર થાય તો દુધ સાગર ડેરીના પ્રોજેક્ટ શરૂ કરી શકાય જેમાં યુવાનોને રોજગારી મળે તે માટે રજુઆત કરી છે. જે ખરેખર સારી બાબત છે પરંતુ ખેરાલુ પાલિકાએ ૧૦૮ વિઘા જમીન સૈનિક સ્કુલ માટે આપવા મંજુરી આપી છે તે માટે ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ પત્રમાં ક્યાંય ઉલ્લેખ કર્યો નથી જે ખરેખર ખુબજ દુઃખદ બાબત છે. ખેરાલુ તાલુકાના ડાવોલ, ડાલીસણા, વરેઠાના તળાવો ભરવા ટેન્ડરો ખોલી ઝડપી પ્રક્રિયા કરી કામગીરી શરૂ કરવા રજુઆત કરી છે. ખેરાલુ શહેરમાં સાંસ્કૃતિક હોલ બનાવવા બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી મંજુર કરવા રજુઆત કરી છે. કોઈપણ ધારાસભ્યએ ન વિચાર્યુ હોય તેવુ સરાહનીય કામ કહેવાશે. ખેરાલુ તાલુકામાં રમત-ગમતનું સ્પોર્ટસ સંકુલ બનાવવા ગ્રાન્ટ ફાળવણી કરવા રજુઆત કરી છે. ખેરાલુ પાલિકા પાસે સેંકડો વિઘા જમીનો પડી છે. સ્પોર્ટસ સંકુલ ગામડામાં નહી પણ ખેરાલુ શહેરમાંજ બનાવવા રજુઆત કરવી જોઈએ પણ કોણ જાણે કેમ તાલુકામાં સ્પોર્ટસ સંકુલ બનાવવા માંગણી કરી છે જે ગેરવ્યાજબી છે. ખેરાલુ શહેર, ખેરાલુ તાલુકાની મધ્યમા છે જેથી સ્પોર્ટસ સંકુલ ખેરાલુ શહેર આજુબાજુ બનવુ જોઈએ. ખેરાલુ, વડનગર, સતલાસણામાં વધુમાં વધુ ચેકડેમો બનાવવા રજુઆત કરાઈ છે. પુર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર દ્વારા રૂપેણ નદી ઉપર ૧૨ કિલોમિટરના વિસ્તારમાં ૧૪ ચેકડેમ મંજુર કર્યા છે. તેની કામગીરી પુર્ણ થવી જોઈએ. વડનગર-વલસાડ ટ્રેન ખેરાલુ સુધી લંબાવવા માંગણી કરી છે. મદદનીશ ખેતિ નિયામકની કચેરીમાં લાઈટ કનેક્શન ખેરાલુ શહેરમાંથી આપવુ જોઈએ હાલ ખેતીવાડી ફિડરમાંથી લાઈટ કનેક્શન હોવાથી દેશ આઝાદ થયા પછી અપાયુ છે જે તબદીલ નથી કરાયુ તે ખેતીવાડી વિભાગની લાલીયાવાડી સાબિત કરે છે. તે તબદીલ કરાવવા રજુઆત કરાઈ છે. ખેરાલુ સીડ ફાર્મની જમીન રાજ્ય સરકારે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીને સુપ્રત કરી દીધી છે. પરંતુ કલેક્ટર કચેરી દ્વારા છેલ્લા પાંચ મહિનાથી કાર્યવાહી થતી નથી. તે ઝડપથી કરાવવા રજુઆત કરી છે. હવે આ રજુઆતો ઉપરથી લાગે છે કે ખેરાલુ ધારાસભ્યએ વિકાસ માટે આળસ ખંખેરી છે.