રીઢા બાકીદારોની મિલ્કત જપ્તી સુધીની કાર્યવાહી કરવામાં આવશે
વિસનગર પાલિકાના ૩૮ ટકા વેરા બાકીદારોને વળતરની તક
નિયમિત વેરો ભરનારને વધારાના કોઈ લાભ મળતા નથી. ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત સરકારે વેરા બાકીદારોને ઘી કેળા કરાવી દીધા છે. તા.૩૧-૩ સુધી માગણા બીલના તમામ પ્રકારના વેરાની બાકી રકમ ભરનારને દંડનીય રકમ માફ કરવાની યોજના અમલમાં આવતા વિસનગર પાલિકાના ૩૮ ટકા વેરા બાકીદારોને વળતરની તક પ્રાપ્ત થઈ છે. બાકી વેરો ભરી શહેરના વિકાસ અને સુવિધામાં સહભાગી બનવા ચીફ ઓફીસર પાર્થ ત્રીવેદીએ મિલ્કત ધારકોને વિનંતી કરી છે.
લાઈટ, પાઈપલાઈન ગેસ, મોબાઈલ કનેક્શન કપાઈ ન જાય તે માટે વપરાશકર્તા સામે ચાલીને બીલ ભરપાઈ કરે છે. જ્યારે રોજીંદી સેવાઓ અને સુવિધાઓ આપતી પાલિકામા મિલ્કત વેરો ભરવા માટે કેટલાક મિલ્કત ધારકો ઠાગાઠૈયા કરી રહ્યા છે. નિયમિત વેરો ભરવો એ દરેક મિલ્કતધારકની નૈતિક ફરજ છે. ત્યારે પાલિકાની નિયમિત સેવાઓનો આગ્રહ રાખતા કેટલાક મિલ્કતધારકો બાકી વેરો ભરવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે. પાલિકાના બાકી મિલ્કતધારકો માટે પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ ગાંધીનગરે આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના જાહેર કરી છે. આ યોજના અંતર્ગત કરદાતા તેમની મિલ્કત પેટે તા.૧-૪-૨૦૨૧ થી તા.૩૧-૩-૨૦૨૨ અંતિત અથવા તે પહેલાના માગતા બીલના તમામ પ્રકારના વેરાની બાકી રકમ તા.૩૧-૩-૨૦૨૩ સુધીમાં ભરપાઈ કરે તો નોટીસ ફી, વ્યાજ, પેનલ્ટી, વોરંટ ફી પેટેની ૧૦૦% રકમ વળતર મળશે. આ યોજના હેઠળ નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ ની વેરાની રકમ તા.૩૦-૬-૨૦૨૩ સુધીમાં એડવાન્સ ભરપાઈ કરવા પર ૧૦ ટકા વળતર મળવા પાત્રા રહેશે. આ ઉપરાંત્ત મોબાઈલ એપ કે ઈ-નગરના ઓનલાઈન પોર્ટલ મારફતે તા.૩૦-૬-૨૦૨૩ સુધીમાં વેરાની રકમ ભરપાઈ કરવામાં વધુ ૫ ટકા વળતર મળવાપાત્ર રહેશે.
વિસનગર પાલિકાના હદમાં આવતી મિલ્કતોના બાકી વેરાની રકમ વધુમાં વધુ વસુલ થાય તે માટે ચીફ ઓફીસર પાર્થ ત્રીવેદીના માર્ગદર્શનમાં પાલિકાની વેરા વસુલાત ટીમ તૈનાત બની છે. પાલિકા તંત્ર પાસેથી મળેલી માહિતી મુજબ પાછલી બાકી રૂા.૨૦૬ લાખ છે. જેની સામે રૂા.૪૭ લાખની ૨૩ ટકા વસુલાત થઈ છે. ચાલુ વર્ષનુ માંગણુ રૂા.૭૦૨ લાખ સામે રૂા.૫૦૮ લાખની ૭૨.૬૩ ટકા વસુલાત થઈ છે. પાછલી બાકી અને ચાલુ વર્ષના માગણા સાથે કુલ રૂા.૯૦૭ લાખની સામે રૂા.૫૫૬ લાખ પ્રમાણે ૬૨ ટકા વસુલાત થઈ છે. કુલ ૩૮ ટકા વેરા વસુલાત બાકી છે. રહેણાંક તથા કોમર્શિયલ મિલ્કત થઈ કુલ ૩૧૪૪૯ બીલ આપવામાં આવ્યા છે. વેરા વસુલાત માટે ૧૦૫૦ નોટીસ અત્યાર સુધી આપવામાં આવી છે.
ચીફ ઓફીસર પાર્થ ત્રીવેદીએ આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજનાનો લાભ લઈ બાકી વેરો ભરવા મિલ્કતધારકોને વિનંતી કરી છે. પાલિકા દ્વારા એ પણ ચીમકી આપવામાં આવી છેકે, દંડનીય રકમ માફીનો લાભ આપવા છતા બાકી વેરો ભરવામાં મિલ્કત ધારક આળસ રાખશે તો પાણીના કનેક્શન કાપવાની, મિલ્કત સીલ મારવાની અને જપ્ત કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે.