Select Page

દેશમાં નફરતનુ વાતાવરણ ફેલાવનાર ઉશ્કેરણીજનક ચર્ચાઓ ઉપર અંકુશ જરૂરી

દેશમાં નફરતનુ વાતાવરણ ફેલાવનાર ઉશ્કેરણીજનક ચર્ચાઓ ઉપર અંકુશ જરૂરી

પ્રિન્ટ મીડિયાની જેમ ન્યુઝ ચેનલ માટે કોઈ પ્રેસ કાઉન્સીલ નથી

તંત્રી સ્થાનેથી…

ગુજરાતમાં ગોધરાકાંડ બાદ નરેન્દ્રભાઈ મોદી પાછળ મુસ્લીમ વિરોધી હિન્દુ નેતાની એક છાપ ઉભી કરવામાં આવી છે. ગોધરાકાંડના કોમી રમખાણો બાદ અનેક કેસ થયા હતા. જેમાં સજાના હુકમો પણ થયા હતા. ગોધરાકાંડમાં કેન્દ્રમાં કોંગ્રેસની સરકારના ઈશારે એસ.આઈ.ટી. નરેન્દ્રભાઈ મોદીની પાછળ પડી ગઈ હતી. પરંતુ ક્લીન ચીટ મળી હતી. ત્યારબાદ નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બનતા જાણે કોઈ કટ્ટરવાદીના હાથમાં દેશનુ સુકાન આવી ગયુ હોય તેટલી હદે વિરોધપક્ષ દ્વારા તથા હિન્દુ વિરોધી દેશો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે અને અત્યારે વડાપ્રધાન છે ત્યારે તેમના શાસનમાં જેટલી પણ યોજનાઓ અમલમાં આવી તેમાંથી કોઈ પણ યોજના એક સમાજના લાભ માટે હોય તેવુ બન્યુ નથી. નરેન્દ્રભાઈ મોદીની યોજનાઓનો તમામ સમાજના લોકોને લાભ મળ્યો છે. દેશની ૧૪૦ કરોડની વસતીમાં ૨૨ કરોડની વસતી મુસ્લીમ સમાજની છે. દેશની આઝાદી બાદ પ્રથમ વખત વડાપ્રધાન મોદીના શાસનમાં લઘુમતિને વિવિધ સહાયો થકી સીધો લાભ મળતો થયો છે. વડાપ્રધાન પાકિસ્તાન વિરોધી એટલા માટે છેકે ભાગલા પડ્યા બાદ આ દેશ દ્વારા સતત ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. દેશમાં બોમ્બ ધડાકા અને આતંકવાદ પાછળ પાકિસ્તાનનો હાથ છે. એનો મતલબ એ નથી કે મોદી મુસ્લીમ વિરોધી છે. તુર્કિ અને સિરીયા મુસ્લીમોની આબાદી ધરાવતા દેશ છે. તેમ છતા વડાપ્રધાન મોદી દ્વારા અન્ય દેશો કરતા સૌથી વધુ સહાય ભુકંપ પીડીતો માટે કરવામાં આવી. તેમ છતાં મોદી મુસ્લીમ વિરોધી ગણવામાં આવે છે. નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા બાદ ઉશ્કેરણીજનક વાતાવરણ દેશમાં બન્યુ રહે તે માટેના સતત પ્રયત્નો થઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીની સત્તામાં હિન્દુવાદ વધ્યો છે. દેશમાં લોકોમાં હિન્દુ હોવાનુ ગૌરવ થઈ રહ્યુ છે. જેનો લાભ અત્યારે ઈલેક્ટ્રોનિક મીડિયા વધુમાં વધુ લઈ રહ્યુ છે. પ્રિન્ટ મીડિયા ઉપર અંકુશ માટે પ્રેસ કાઉન્સીલ ઓફ ઈન્ડીયા કાર્યરત છે. આ સંસ્થાના કારણેજ ત્વરીત ગતિએ લોકો સુધી ન્યુઝ પહોચતા કરનાર ઈલેક્ટ્રોનિક મીડિયા કરતા પ્રિન્ટ મીડિયા ઉપરનો લોકોનો વિશ્વાસ અકબંધ છે. ઈલેક્ટ્રોનિક મીડિયા ઉપર સરકારી સંસ્થાનો કોઈ અંકુશ નહી હોવાથી તેમજ અંગ્રેજો વખતથી ચાલી આવતા કાયદામાં કોઈ ફેરફાર નહી હોવાથી ન્યુઝ ચેનલો બેફામ બની છે. ન્યુઝ ચેનલોનો રાફડો ફાટ્યો છે. જેથી ટેલીવિઝન રેટીંગ પોઈન્ટ (ટી.આર.પી.) વધારવા માટે વિવિધ ન્યુઝ ચેનલમાં હોડ જામી છે. વડાપ્રધાન મોદીએ દેશમાં સત્તા સંભાળ્યા બાદ હિન્દુ – મુસ્લીમ વચ્ચે વેરઝેર વધે તેવા સતત પ્રયત્નો થઈ રહ્યા છે. જેમાં ન્યુઝ ચેનલોનો વધુમાં વધુ ઉપયોગ થઈ રહ્યો છે. વિવિધ ન્યુઝ ચેનલોમાં ભાજપના નેતાઓ, હિન્દુ આગેવાનો, સંતો મહંતો તેમજ મુસ્લીમ નેતાઓ, આગેવાનો, ધર્મગુરૂઓ વચ્ચે વારંવાર ડીબેટ કરવામાં આવે છે. જેમાં બન્ને પક્ષે નફરત ફેલાવતી ચર્ચાઓ જાહેર મંચ ઉપરથી થાય છે. હવે તો ન્યુઝ ચેનલોમાં વર્ચ્યુઅલ ડીબેટથી પાકિસ્તાનના મુસ્લીમ નેતાઓ સાથે ચર્ચાઓ થાય છે. જેમાં ભડકાઉ અને આપત્તીજનક સ્ટેટમેટ કરવામાં ખચકાતા નથી. દેશમાં નફરત ફેલાવનાર ભાષણો તથા હેટ સ્પીચની પરિસ્થિતિ એટલી વણસી છેકે તેના ઉપર અંકુશ મુકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ છે. જેમાં સુપ્રીમ કોર્ટે પણ અવલોકન કર્યુ છેકે ચેનલો પરસ્પર હરિફાઈ કરવામાં સમાજમાં ભાગલા પાડી રહી છે. ડીબેટમાં નફરત ફેલાવનાર એન્કર્સને હટાવવા જોઈએ અને નફરત ફેલાવવામાં ભાગ ભજવતી ન્યુઝ ચેનલોને દંડ ફટકારવો જોઈએ. ન્યુઝ ચેનલ માટે કોઈ પ્રેસ કાઉન્સીલ નથી. હેટ સ્પીચ સદંત્તર બંધ થવુ જોઈએ. વડાપ્રધાન મોદીની સત્તામાં દેશ વિશ્વગુરૂ બનવા તરફ છે. ત્યારે વિકાસમાં બાધારૂપ હિંસા ભડકાવતા ભાષણો તથા ચર્ચાઓ ઉપર અંકુશ આવે તે માટેનો કાયદો જરૂરી બન્યો છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us