Select Page

વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકોએ આત્મહત્યા કરી-મંત્રી ઋષિભાઈ પટેલ

વિસનગર એ.પી.એમ.સી.માં જીલ્લા પોલીસ દ્વારા લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પ યોજાયો

  • તગડુ વ્યાજ લેતા વ્યાજખોરો નાણાં લેનાર પાસેથી પ્રોપર્ટી લખાવી લઈ તેમને આત્મહત્યા કરવા મજબુર કરે છે- ડી.એસ.પી. અચલ ત્યાગી
  • મહેસાણા પોલીસ મગરના ઝડબામાંથી જેવી રીતે કોઈ પ્રાણીને બચાવવાનુ હોય તેમ વ્યાજખોરોના ત્રાસમાંથી લોકોને બચાવવાનું માનવતાનું કામ કરી રહી છે- મંત્રી ઋષિભાઈ પટેલ

વિસનગર એ.પી.એમ.સી.ના હોલમાં ગુજરાત સરકારના આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગત સોમવારના રોજ વ્યાજખોરોના ત્રાસમાંથી નાગરિકોને મુક્તિ આપવાના સરકારના ગૃહવિભાગના અભિયાન અંતર્ગત મહેસાણા જીલ્લા પોલીસ તંત્ર દ્વારા “લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પ”નુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં વ્યાજખોરોના ત્રાસમાંથી બચવા માટે નાગરિકોએ શુ કરવુ જોઈએ તેમજ સરકારની કઈ સહાય યોજનામાં નાગરિકોને બેંકમાંથી લોન મળી શકે તેનુ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. આ કેમ્પનો શહેર અને તાલુકાના આગેવાનો, વેપારીઓ તથા નાગરિકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, રાજ્યના નાગરિકો વર્ષોથી વ્યાજખોરોનો ત્રાસ સહન કરતા હતા. ત્યારે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા ઉંચી ટકાવારી લેતા વ્યાજખોરોના ત્રાસમાંથી લોકોને બચાવવાનુ અભિયાન ચલાવવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે મહેસાણા જીલ્લા પોલીસે બેંક અને નાણાંકીય સંસ્થાઓના સંકલનથી આજે “લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પનુ” આયોજન કર્યુ છે. મહેસાણા જીલ્લાની પોલીસ મગરના ઝડબામાંથી જેમ કોઈ પ્રાણીને બચાવવાનું હોય તેમ વ્યાજખોરોના ત્રાસમાંથી લોકોને બચાવવાનું માનવતાનુ કાર્ય કરી રહી છે. વ્યાજખોરોએ તગડુ વ્યાજ લઈ અનેક પરિવારોને આત્મહત્યા કરવા મજબુર કર્યા છે. ત્યારે ઉચું વ્યાજ લેતા વ્યાજખોરો સામે કોઈપણ જાતનો ડર રાખ્યા વગર પોલીસ ફરિયાદ નોંધાવવાની તેમજ સરકારની વિવિધ સહાય યોજના હેઠળ બેંકમાંથી લોન મેળવી પ્રમાણિક્તાથી લોન ભરી વેપાર-ધંધામાં આર્થિકરીતે સધ્ધર બનવાની લોકોને સલાહ આપી હતી. વધુમાં મંત્રીશ્રીએ જે વ્યક્તિઓ લોકો પાસેથી રૂપિયા લઈને તેમને પરત આપતા નથી તેવા બુચ મારવાવાળા લોકો ખોટી ફરિયાદ ન કરે તેનુ ધ્યાન રાખવા પોલીસને ટકોર કરી હતી. આ ઉપરાંત તેમને પોલીસ, મામલતદાર તથા અન્ય કચેરીના અધિકારીઓ અને જન પ્રતિનિધિઓને આરોગ્ય અને શિક્ષણક્ષેત્રે લોકોને મદદરૂપ બની પુણ્યનુ ભાથુ બાંધવા અનુરોધ કર્યો હતો. જ્યારે જીલ્લા પોલીસ વડા અચલ ત્યાગીએ જણાવ્યુ હતુ કે, ગુજરાત સરકાર દ્વારા છેલ્લા દોઢ મહિનાથી વ્યાજખોરોને ડામવાની ઝુંબેશ ચાલી રહી છે. તગડુ વ્યાજ લેતા વ્યાજખોરો નાણાં લેનાર લોકો પાસેથી પ્રોપર્ટી લખાવી ચેક લઈ તેમને આત્મહત્યા કરવા મજબુર કરતા હોય છે. મુડી અને વ્યાજ આપ્યુ હોવા છતાં વ્યાજખોરો લોકોને ખોટીરીતે હેરાન કરતા હોય છે. જો કોઈ વ્યાજખોર ઘરે ઉઘરાણી આવે કે ધમકી આપે તો ફોનના રેકોર્ડીંગ, મેસેજ કે અન્ય કોઈ પુરાવો રાખવો અને જરૂર જણાય તો પોલીસ હેલ્પ લાઈન નંબર ૧૦૦ ડાયલ કરી પોલીસને જાણ કરવાની સલાહ આપી હતી. વધુમાં જે વ્યક્તિ લોકો પાસેથી પૈસા લઈ પરત આપવા ન પડે તે માટે ખોટી અરજીઓ કરનાર વ્યક્તિઓનું ધ્યાન રાખવાની પોલીસને સુચન કર્યુ હતુ. જ્યારે વિસનગર દેના ગ્રામિણ બેંકના બ્રાન્ચ મેનેજર કે.ડી.કાપડીયાએ સરકારની વિવિધ સહાય યોજનામાં બેંક દ્વારા ક્યા વેપારીઓ અને નાગરિકોને કેટલા વ્યાજદરમાં કેટલી લોન મળી શકે છે તેની માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલ સહિત ઉપસ્થિત આમંત્રિત આગેવાનોના હસ્તે બેંક દ્વારા આપવામાં આવેલ રૂા.૨૦,૦૦૦ થી ૪,૫૦,૦૦૦ લાખ સુધીના લાભાર્થીઓને લોન સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ માર્ગદર્શન કેમ્પમાં ઉંઝા ધારાસભ્ય કે.કે.પટેલ, વિસનગર ડી.વાય.એસ.પી. ડી.એમ.ચૌહાણ, ગુજરાત ગ્રામિણ બેંક બરોડાના રીજીયોનલ મેનેજર એન.એલ. વાઘેલા, તાલુકા ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, શહેર પ્રમુખ મનિષભાઈ પટેલ (ગળિયા), નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, મહેસાણા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી સુરેશભાઈ ચૌધરી, એ.પી.એમ.સી. ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, ચિફ ઓફિસર પાર્થ ત્રિવેદી, શહેર પી.આઈ. એસ.એસ. નિનામા, તાલુકા પી.આઈ.એન.પી.રાઠોડ, મહેસાણા દુધ સાગર ડેરીના ડીરેક્ટર એલ.કે.પટેલ, કનુભાઈ ડી.ચૌધરી, એ.પી. એમ.સી.ના વાઈસ ચેરમેન હરેશભાઈ ચૌધરી સહિત મહેસાણા જીલ્લાના પોલીસ અધિકારી, પદાધિકારીઓ, વેપારીઓ તથા શહેર અને તાલુકાના નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us