Select Page

બોર્ડની એક્ઝામ આપતા વિદ્યાર્થીઓનુ ખાસ ધ્યાન રાખજો

બોર્ડની એક્ઝામ આપતા વિદ્યાર્થીઓનુ ખાસ ધ્યાન રાખજો

માર્ચથી મે સુધીના ત્રણ માસ પરીક્ષાના

તંત્રી સ્થાનેથી…

વૈશ્વિક મહામારી કોરોના કાળના બે વર્ષમાં ઓનલાઈન અભ્યાસ અને પરીક્ષાના કારણે વિદ્યાર્થીઓનુ શૈક્ષણિક સ્તર નીચુ ગયુ છે. ઓનલાઈન અભ્યાસના કારણે સતત મોબાઈલના સંપર્કથી ગેઈમ તેમજ અલગ અલગ પ્રવૃત્તિઓમાંથી વિદ્યાર્થીઓ માંડ છુટ્યા છે અને ઓફલાઈન શૈક્ષણિક કાર્યમાં પરોવાયા છે. છેલ્લા શૈક્ષણિક વર્ષમાં લોકડાઉન કે શાળા બંધની કોઈ મુશ્કેલી નહી આવતા ઓફલાઈન અભ્યાસક્રમ પુરા કરી શકાયા છે. માર્ચથી મે સુધીના ત્રણ માસ પરીક્ષાના છે. શૈક્ષણિક વર્ષ બાદ આ ત્રણ માસમાં ધો.૧૦ અને ૧૨ બોર્ડની, શાળા કોલેજોની પરીક્ષા લેવાય છે. ત્યારે બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓના ભાવિ શૈક્ષણિક ઘડતર માટે મહત્વની બની રહે છે. વર્ષ દરમ્યાન સ્કુલ તથા ટ્યુશન ક્લાસીસમાં ભલે ગમે તેટલો અભ્યાસ કર્યો હોય અને ધ્યાન રાખ્યુ હોય છતા છેલ્લા સમયની તૈયારીઓ મહત્વની હોય છે. એકાગ્રતા, આત્મવિશ્વાસ અને દૃઢ મનોબળ એ પરીક્ષામાં સફળતાના ત્રણ મંત્ર છે. બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ તૈયારીઓમાં દિવસ રાતના ઉજાગરા કરી રહ્યા છે. ત્યારે શિક્ષણશાસ્ત્રીઓના મત પ્રમાણે પરીક્ષાનો ભય દૂર કરવા તેમજ બોર્ડની પરીક્ષાના મહત્વના સમયે તબીયત બગડતી અટકાવવા પુરતી ઉંઘ ખુબજ મહત્વની છે. પરીક્ષાનો તણાવ દૂર થાય તે માટે વાંચન સાથે થોડો સમય મન પ્રફુલ્લીત રહે તે માટે મનગમતી પ્રવૃત્તિ પણ કરવી જોઈએ. આહાર પણ પૂરતા પ્રમાણમાં લેવો જોઈએ જેથી મહત્વના સમયે શરીર કુપોષણનો ભોગ ન બને. ધો.૧૨ ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને ધો.૧૦ ની બોર્ડની પરીક્ષાનો અનુભવ હોય છે. ત્યારે આ વર્ષે ધો.૧૨ ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાનો પ્રથમ વખત અનુભવ થશે. કારણ કે વર્ષ ૨૦૨૧ ના કોરોના કાળમાં ધો.૧૦ માં ઓનલાઈન બોર્ડની પરીક્ષા આપી હતી. ધો.૧૨ બોર્ડની પરીક્ષા ખુબજ મહત્વની હોવાથી પરીક્ષા કેન્દ્રોમાં આ વિદ્યાર્થીઓ માટે ખુબજ કાળજી રાખવાની થશે. મોટાભાગના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો હાઉ હોય છે. બોર્ડની પરીક્ષા વખતે કેટલાક વાલી એટલા ગંભીર બની જતા હોય છેકે જેની અસર વિદ્યાર્થી ઉપર પડતી હોય છે. જેથી આવા સમયે ઘરમાં હળવાશનુ વાતાવરણ બની રહે તે ખુબજ જરૂરી છે. ક્ષમતા કરતા વધારે અપેક્ષા રાખવાથી વિદ્યાર્થી હતાશામાં ધકેલાય છે. પ્રોત્સાહન આપવાથી વિદ્યાર્થીનો ઉત્સાહ વધે છે અને પરીક્ષામાં સારો દેખાવ કરી શકે છે. શહેરનો કોઈ વિસ્તાર, મહોલ્લો કે સોસાયટી તેમજ કોઈ ગામ એવુ નહી હોય કે જ્યા વિદ્યાર્થી બોર્ડની પરીક્ષાની તૈયારી કરતો ન હોય. આ વિદ્યાર્થીઓના અભ્યાસમાં કોઈ ખલેલ ન પહોચે, પરીક્ષાના સમયે વાંચન ન બગડે તે જોવાની જવાબદારી આપણા સૌની છે. કોરોના પછી આ વર્ષે લગ્નની મૌસમ પુર બહારમાં ખીલી. દિવાળી પછી શરૂ થયેલા લગ્નના મુર્હત હજુ પણ પુરા થયા નથી. હોળાષ્ટક બાદ ફરીથી લગ્નોની ધુમધામ જોવા મળશે. ત્યારે લગ્ન પ્રસંગે મોટા અવાજે વાગતા સ્પીકરોના કારણે આસપાસ બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા કોઈ વિદ્યાર્થીના અભ્યાસમાં મુશ્કેલી ઉભી ન થાય તે જોવાની જવાબદારી આપણા સૌની છે. રાત્રે ૧૦-૩૦ કે ૧૧-૦૦ કલાક પછી પોલીસ જાણવા છતા સ્પીકર બંધ કરાવતી નથી. ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી બોર્ડની પરીક્ષાના દિવસો દરમ્યાન મોટા અવાજે સ્પિકર વગાડવા ઉપર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવે તે ખુબજ જરૂરી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us