Select Page

વિપુલભાઈ ચૌધરીના ભાજપ-આરોગ્ય મંત્રી વિરુધ્ધ વાગ્બાણ

વિપુલભાઈ ચૌધરીના ભાજપ-આરોગ્ય મંત્રી વિરુધ્ધ વાગ્બાણ

દૂધસાગર ડેરીની ચુંટણીની અદાવતનો ખદબદતો લાવા

વિસનગરમાં આદર્શ વિદ્યાલયનો વાર્ષિકોત્સવ શૈક્ષણિક કાર્યક્રમ સાથે વિપુલભાઈ ચૌધરીના વ્યંગથી રાજકીય કાર્યક્રમ બની ગયો હતો. વિધાનસભાની ચુંટણીમાં રાજકીય શક્તિનો પરિચય નહી કરાવી શકવાની મનની મનમાં રહી જતા શાળામાં વાર્ષિકોત્સવમાં વિપુલભાઈ ચૌધરીના ભાજપ અને આરોગ્ય મંત્રી વિરુધ્ધના વાગ્બાણ ચર્ચાસ્પદ બન્યા હતા. શાળાના આગામી અમૃત મહોત્સવમાં સમાજ શક્તિને ઉજાગર કરવા તેમજ શૈક્ષણિક સંસ્થાના વિકાસમાં સહકાર આપવા જણાવ્યુ હતુ.
દૂધસાગર ડેરીની ચુંટણીની અદાવતનો લાવા વિપુલભાઈ ચૌધરીના મનમાં હજુ પણ ખદબદી રહ્યો હોય તેવુ જણાય છે. વિધાનસભાની ચુંટણી પહેલા અર્બુદા સેનાનુ નિર્માણ કરી સેનાની તાકાતથી રાજકીય શક્તિ બતાવવાનો તખ્તો તૈયાર હતો. પરંતુ ચુંટણી ટાણે ધરપકડ થતા વિસનગર સીટમાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલને નુકશાન કરવાના અરમાનો ઉપર પાણી ફરી વળ્યુ. જોકે રાજકીય કાવાદાવાથી પ્રુફ બનેલા વિપુલભાઈ ચૌધરીનો જોશ અને જુસ્સો હજુ પણ એવોજ જોવા મળી રહ્યો છે. શ્રી અખીલ આંજણા કેળવણી મંડળ વિસનગર સંચાલીત આદર્શ વિદ્યાલયના વાર્ષિકોત્સવમાં પૂર્વ ગૃહમંત્રી વિપુલભાઈ ચૌધરીએ હાજરી આપી હતી. જેમાં ભાજપ આરોગ્ય મંત્રી તથા શિક્ષણ મંત્રી ઉપર વ્યંગ કરતા વિપુલભાઈ ચૌધરીએ જણાવ્યુ હતું કે, આજે શિક્ષણ વેપાર બની ગયો છે, એક કરોડના ૨૬ કરોડ કરે છે લોકો જે યાદ કરવુ જરૂરી છે. આરોગ્ય મંત્રી સરકારી વ્યવસ્થાના ગુણવત્તા ઉપર ભરોસો રાખતા નથી અને ખાનગી હોસ્પિટલનો લાભ લે છે. જ્યારે શિક્ષણ મંત્રી પોતાના બાળકોને સરકારી શાળામાં ભણાવે છે ખરા? આ પ્રશ્ન કોઈ પુછનાર નથી. વિપુલભાઈ ચૌધરીનો ભાજપ સરકાર વિરુધ્ધ વ્યંગ અને સરકારના મંત્રીઓ વિરોધના વાગ્બાણે ભારે ચકચાર જગાવી હતી.
કેળવણી મંડળના પ્રમુખ કાનજીભાઈ કે.ચૌધરીના વહીવટને બીરદાવી અભિનંદન આપતા વિપુલભાઈ ચૌધરીએ જણાવ્યુ હતુ કે, આદર્શ વિદ્યાલયના વિદ્યાર્થીઓ આદર્શ લાગ્યા અને વહિવટ પણ આદર્શ લાગ્યો. સંસ્થાના માધ્યમથી વિસનગર શહેરને શિક્ષણ મળી રહ્યુ છે જ્યારે શહેર અને તાલુકાના ગામડાના વિદ્યાર્થીઓને શિક્ષણનો લાભ મળી રહ્યો છે. સંસ્થા અમૃત મહોત્સવ ઉજવવા જઈ રહી છે ત્યારે આ મહોત્સવના માધ્યમથી સમાજની શક્તિને ઉજાગર કરવાની છે. શૈક્ષણિક સંસ્થાના વિકાસમાં સહકાર આપવા માટે પણ જણાવ્યુ હતુ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us