Select Page

પોલીસ સ્ટાફ વિરુધ્ધ અનેક આક્ષેપો છતા સબ સલામત
તાલુકા પી.આઈ.રાઠોડ નિંદ્રામા-ગામડામાં ચોરીનો હાહાકાર

પોલીસ સ્ટાફ વિરુધ્ધ અનેક આક્ષેપો છતા સબ સલામત<br>તાલુકા પી.આઈ.રાઠોડ નિંદ્રામા-ગામડામાં ચોરીનો હાહાકાર

વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. નિંદ્રામાં હોવાથી ગામડામાં ચોરોએ હાહાકાર મચાવ્યો છે. તાલુકાના ગુંજા, દેણપ અને ઉમતામા ચોરીના બનાવો બનતા ગામડાની જનતાની ઉંઘ હરામ થઈ ગઈ છે. તાલુકામાં ઈકો ગાડીના સાયલેંસર ચોરીના પણ બનાવો વધ્યા છે. ગેરકાયદેસર ગોધી રાખી ઉઘરાણીની વસુલાત કરતી પોલીસ સામે આક્ષેપો થવા છતા કોઈ કાર્યવાહી નહી થતા લોકોનો રોષ વધ્યો છે. પોલીસની સત્તાનો દુર ઉપયોગ કરનાર કર્મચારીઓ સામે પગલા ભરવામાં આવે તેમજ તાલુકામાં કાયદો અને વ્યવસ્થાનુ પાલન કરી શકે તેવા અધિકારીની નિમણુક થાય તેવુ ગ્રામજનો ઈચ્છી રહ્યા છે.
• ગેરકાયદેસર ગોધી રાખી ઉઘરાણીની વસુલાત કરતી પોલીસ સામે કોઈ કાર્યવાહી નહી
• ઉમતામાં એકજ રાતમાં બે મકાનના તાળા તોડી રૂા.૪,૧૦,૦૦૦/- ની ચોરી
• ગામડાઓમાં પાર્ક કરેલી ઈકો ગાડીના સાયલેંસર ચોરીનુ પગેરૂ શોધવામાં પોલીસ નિષ્ફળ
વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.પી.રાઠોડ તાલુકાના ગામડામાં કાયદો અને વ્યવસ્થાનુ પાલન કરાવવામાં સદંત્તર નિષ્ફળ ગયા છે. તાલુકા પોલીસ ઉપર સત્તાનો દુર ઉપયોગ કરી ઉઘરાણીની વસુલાત કરી આપતા હોવાના ગંભીર આક્ષેપો થયા છે. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે પણ નિર્દોષોને પરેશાન કરતી પોલીસ ઉપર તાડુક્યા હોવાનુ જાણવા મળ્યુ છે. છતા જવાબદાર પોલીસ કર્મચારીઓ ઉપર કોઈ કાર્યવાહી નહી થતા આવા લાલચુ કર્મચારીઓ બીન્દાસ્ત બનતા છેવટે ગામડાની પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે. તાલુકા પોલીસની નિષ્કાળજીથી નાઈટ પેટ્રોલીંગના અભાવે ગામડામાં ચોરીનુ પ્રમાણ વધ્યુ છે. બે સપ્તાહ અગાઉ કમાણા ગામમાં એક સાથે બે ઈકોના સાયલેંસર ચોરાયા હતા. જે ચોરીનુ પોલીસ પગેરૂ શોધી નહી શકતા નિશ્ચીત બનેલ ચોરો ગામડામાં અન્ય ચોરીનો અંજામ આપી રહ્યા છે.
મહેસાણા ખાતે વિદ્યાનગર સોસાયટીમાં રહેતા હરીસંગભાઈ રૂપાભાઈ નરસંગભાઈ ચૌધરી વતન ગુંજામાં આવ્યા હતા. જેમના એકજ શેરીમાં સામ સામે બે મકાન છે. હરીસંગભાઈ ચૌધરી તથા તેમના પત્ની એક ઘરને લોક મારી સામેના બીજા ઘરમાં સુવા માટે ગયા હતા. સવારે ઉઠતા રૂમનો નકુચો બહારથી બંધ હતો. પડોશીને બુમ પાડી બોલાવી રૂમ ખોલી બહાર આવતા સામેના બીજા ઘરના દરવાજાનુ લોક તુટેલુ હતુ. અંદર જોતા તિજોરીમાં મુકેલ રોકડ, ચાંદીની પાયલ, હાથીદાંતની સોનાની ચુડી મળી કુલ રૂા.૫૪,૦૦૦/- ની ચોરી થઈ હતી. જે બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે.
દેણપ ગામમાં કમલેશભાઈ ભુદરભાઈ ગંગારામ પટેલ ઉપ સરપંચ તરીકે ફરજ બજાવે છે. જેમની ઉપર વહેલી સવારે બોર ઓપરેટર ડાહ્યાભાઈ સોલંકીનો ફોન આવ્યો હતો અને ગ્રામ પંચાયતના બોરનો કેબલ ચોરાયાની જાણ કરી હતી. તપાસ કરતા બોરની ટાંકીથી મોટર સુધી તેમજ ઓરડીથી ટાંકી સુધીનો ૫૫ ફૂટ કેબલ કપાયેલો હતો. ઉપ સરપંચની ફરિયાદ આધારે પોલીસે રૂા.૨૦,૦૦૦/- ની કિંમતનો કેબલ ચોરીનો ગુનો નોધ્યો છે.
ઉમતા શક્તિનગર સોસાયટીમાં રહેતા વિષ્ણુભાઈ સોમાભાઈ મોતીદાસ પટેલના પત્ની સુભદ્રાબેન પટેલ દિકરીના ઘરે અમદાવાદ ગયા હતા. વિષ્ણુભાઈ પટેલ ઘરે એકલા હતા. જેઓ ખેતરમાં વાઢેલ વરીયાળીનુ ધ્યાન રાખવા માટે ખેતરમાં ઉંઘવા ગયા હતા. સવારે ઉઠીને ઘરે આવતા ઘરના દરવાજાનો નકુચો કાપીને તોડી નાખ્યો હતો. ઘરમાં સામાન વેર વિખેર પડ્યો હતો. ત્રીજા રૂમમાં મુકેલી તિજોરી તુટેલી હાલતમાં હતી. તપાસ કરતા રૂા.૪૫,૦૦૦/- ની કિંમતના ૧૪ ગ્રામ વજનના સોનાના બે પાટલા, રૂા.૪૫,૦૦૦/- ની કિંમતની સોનાની ૭ વીંટી, રૂા.૬૦૦૦/-ની કિંમતની ૩ ગ્રામની સોનાની ૪ ચુની, રૂા.૪૫,૦૦૦/- ની કિંમતનો દોઢ તોલાનો સોનાનો દોરો, રૂા.૩૦,૦૦૦/- ની કિંમતની સોનાની લકી, રૂા.૬૦,૦૦૦/- ની કિંમતની ૨૦ ગ્રામની સોનાની બે લગડી, રૂા.૨૦,૦૦૦/- ની કિંમતના ચાંદીના ૨૦ સીક્કા, રૂા.૧૦,૦૦૦/- ની કિંમતની ૩ જોડ ચાંદીની શેરો, રૂા.૨૦૦૦/- ની કિંમતની ચાંદીની ગણપતિદાદાની બે મૂર્તિ અને રૂા.૩૫,૦૦૦/- રોકડ મળી કુલ રૂા.૨,૯૮,૦૦૦/- ની ચોરી થઈ હતી. જ્યારે સોસાયટીમાં બાજુમાં રહેતા પટેલ મહેશકુમાર રતિલાલ ચુનીલાલના ઘરમાં પણ ચોરી થઈ હતી. જેમના ઘરમાં તિજોરી તોડી રૂા.૪૫,૦૦૦/- ની કિંમતનુ સોનાનુ ડોકીયુ, રૂા.૪૫,૦૦૦/- ની કિંમતની દોઢ તોલાની સોનાની પાટલી, રૂા.૭૦૦૦/- ની કિંમતના ચાંદીના ૭ સીક્કા, રૂા.૧૦,૦૦૦/- ની ચાંદીની કંઠી, રૂા.૫૦૦૦/- રોકડ મળી કુલ રૂા.૧,૧૨,૦૦૦/- ની ચોરી થઈ હતી. પોલીસે ૧૦ ગ્રામ સોનાનો રૂા.૩૦,૦૦૦/- નો ભાવ ગણ્યો છે. અત્યારની સોનાની કિંમત ગણે તો ચોરીની રકમ ડબલ થઈ જાય. પોલીસે કુલ રૂા.૪,૧૦,૦૦૦/- ની ચોરીનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે. તાલુકા પી.આઈ. એન.પી.રાઠોડની નિષ્ફળતાથી તેમજ સ્ટાફ કહ્યામાં નહી હોવાથી તાલુકાના ગામડામાં પોલીસ ફરજ બજાવતી નથી અને ગામડાના લોકો ચોરીના ઉપદ્રવનો ભોગ બની રહ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts