Select Page

મહેસાણા મિશન મંગલમ્‌ યોજનાના ઈન્ચાર્જ ડી.એલ.એમ
વર્ષાબેન પ્રજાપતિની જોહુકમીથી કર્મચારીઓ માનસિક તણાવમાં

મહેસાણા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની એન.આર.એલ.એમ (મિશન મંગલમ્‌) યોજનાના ઈન્ચાર્જ ડી.એલ.એમ. વર્ષાબેન પ્રજાપતિની વહીવટી અણઆવડત અને જોહુકમીથી જીલ્લાના આઉટ સોર્સ કર્મચારીઓ ત્રાહીમામ પોકારી ગયા છે. આ બાબતે કર્મચારીઓએ અગાઉ જી.એલ.પી.સી. ગાંધીનગરના મેનેજીંગ ડીરેક્ટર અને ઈન્ચાર્જ એચ.આર, જનરલ મેનેજર રણજીતસિંહ પરમારને લેખીત અને મૌખિક અવાર-નવાર રજુઆત કરી છે. છતાં તેઓએ ગમે તે કારણે આ ડી.એલ.એમ. વિરૂધ્ધ કોઈ તપાસ કે કાર્યવાહી નહી કરતા આજે કર્મચારીઓ ભારે માનસિક તણાવમાં ફરજ બજાવી રહ્યા છે. ત્યારે રાજ્યના કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ આ ઈન્ચાર્જ ડી.એલ.એમ સામે કડક પગલા ભરે તેવી કર્મચારીઓની માંગણી છે.
કોઈપણ સરકારી કચેરીમા જરૂરી લાયકાત અને અનુભવ ધરાવતા ન હોય તેવા કર્મચારીને ઉચ્ચ હોદ્દો આપવામાં આવે તો તે કીડીના મોંમાં કારંગડાં જેવુ કહેવાય , “ઠોઠ નિશાળીયાનું દફતર ભારે” તે કહેવતની જેમ લાયકાત વગરના બિન અનુભવી અધિકારી પોતાની સત્તાનો વટ બતાવવા હાથ નિચેના નિષ્ઠાવાન કર્મચારીઓને ગમે તે બહાને હેરાન કરતા હોવાથી કર્મચારીઓ સતત માનસિક તણાવ અનુભવતા હોય છે. મહેસાણા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના પૂર્વ નિયામક વી.એમ.પ્રજાપતિના સમયગાળામાં તા.૧૯- પ-ર૦રરના રોજ કરાર આધારીત ફરજ બજાવતા લાયકાત વગરના બિન અનુભવી કર્મચારી વર્ષાબેન પ્રજાપતિને ઈન્ચાર્જ ડી.એલ.એમ. તરીકે ચાર્જ સોંપવામા આવ્યો હતો. મહેસાણા જીલ્લો અગાઉના વિવિધ ઈન્ચાર્જ ડી.એલ.એમ.શ્રીની રાહબરી હેઠળ દર વર્ષે ૧થી ૩ માં નંબરે રહ્યો હતો. છતા ગમે તે કારણે વોટર શેડ યોજનામાંથી પ્રતિનિયુક્તી ઉપર આવેલા કર્મચારી વર્ષાબેન પ્રજાપતિને ડી.એલ.એમ.નો ચાર્જ સોંપતા સમગ્ર જીલ્લાના કર્મચારીઓમાં ભારે તર્ક વિર્તક ઉભા થયા હતા. જો કે સત્તા આગળ શાણપણ નકામુ તેમ વિચારી મિશન મંગલમ યોજનાના જીલ્લાના કર્મચારીઓ નિષ્ઠાપુર્વક ફરજ બજાવતા હતા. પરંતુ આ ઈન્ચાર્જ ડી. એલ.એમ. વોટરશેડ યોજનામાંથી આવેલા હોવાથી તેમને એન.આર.એલ.એમ. યોજનાના વહીવટનું કોઈ જ્ઞાન ન હતુ. જેથી તેઓ વડી કચેરીથી આપવામાં આવતી કોઈપણ સુચનામાં પોતે જવાબદારી સ્વીકારવાના બદલે સીધા જે તે કર્મચારીના માથે જવાબદારી થોપી દે છે અને જો કોઈ કર્મચારી કામગીરી બાબતે માર્ગદર્શન માગવા જાય તો તેઓ પોતાની વહીવટી અણઆવડત છુપાવવા નિયામકશ્રી આગળ આ કર્મચારી કામ કરતા નથી તેવું વારંવાર બહાનુ બતાવી ખોટી નોટીસો અપાવી કર્મચારીઓને માનસિક હેરાન કરી રહ્યા છે. અગાઉ જીલ્લામાં આચાર સંહિતા અમલમાં હતી ત્યારે જીલ્લાના ચાર કર્મચારીઓ નિયત દિવસોમાં દિવસે ઓફીસની કામગીરી કરી રાત્રે કન્ટ્રોલરૂમની જવાબદારી નિભાવતા હતા. જેમાં એક કર્મચારીએ ર૪ કલાક ફરજ બજાવી હોવા છતા તેને સામાન્ય કામ માટે ઓફીસ બોલાવ્યો હતો. જ્યારે બીજા એક કર્મચારી તેમના પિતાશ્રીનું અવસાન થતા અગાઉથી રજા લઈને શ્રાધ્ધ વિધી કરવા પરિવાર સાથે સિધ્ધપુર ગયા હતા ત્યારે આ ડી.એલ.એમ.એ. શ્રાધ્ધવિધીમાં બેેઠેલા કર્મચારીને પાંચ વાગ્યા પહેલા તેનુ કામ પુરુ કરવાનુ દબાણ કરી હેરાન કર્યા હતા. આ બાબતે જીલ્લાના કર્મચારીઓએ વડગામ તાલુકાના વતની અને પ્રતિનિયુક્તિથી ગાંધીનગર માં ઈન્ચાર્જ એચ.આર.જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા રણજીતસિંહ પરમારને ટેલીફોનીક અને મૌખિક રજુઆત કરી હતી. પરંતુ તેમને ગમે તે કારણે આ ડી.એલ.એમ.એ વિરૂધ્ધની રજૂઆત ધ્યાને નહી લેતા છેવટે માનસિક અને ત્રાસેલા કર્મચારીઓએ સામુહીક રાજીનામા આપવાનું વિચાર્યુ હતુ. આ મહિલા ડી.એલ.એમ. કોઈપણ રીતે પોતાના અધિકારીને પ્રભાવિત કરી કર્મચારીઓને હેરાન કરે છે.
વિધાનસભાની ચુંટણી ટાણે ડી.એલ.એમ.વર્ષાબેન પ્રજાપતિએ પોતાના મોબાઈલના વોટ્‌સએપ ગ્રૃપમાં ભાજપ સરકાર વિરોધી કોમેન્ટ કરતી પોસ્ટ મૂકી આડકતરી રીતે બીજી પાર્ટીને સમર્થન આપવા કર્મચારીઓને ઈશારો કર્યો હતો
વધુમાં ડી.એલ.એમ.વર્ષાબેન પ્રજાપતિએ વિધાનસભાની ચુંટણી ટાણે પોતાના મોબાઈલ વોટસએપ ગ્રૃપમાં ભાજપ સરકાર વિરોધી કોમેન્ટ કરતી જુદી જુદી પોસ્ટ મુકી આડકતરી રીતે અન્ય કર્મચારીઓને બીજી પાર્ટીને સમર્થન આપવાનો ઈશારો કર્યો હતો અને જયારે ગુજરાતમાં ભાજપની સરકાર બની ત્યારે આ મહિલા ડી.એલ.એમ. મહેસાણા જીલ્લામાં યોજાતા ભાજપના કાર્યક્રમોમાં નેતાઓની આગળ પાછળ ફરી પોતે જાણે ભાજપ સમર્પિત હોય તેવો ખોટો દેખાવ કરી રહ્યા હતા. જો કે આ ડી.એલ.એમ. ઉપર ભાજપના એક જીલ્લા સદસ્યની ગમે તે કારણે છત્રછાયા હોવાથી તેમને નોકરીનો કે બદલી થવાનો કોઈ ડર ન હોવાનું કર્મચારીઓમાં ચર્ચાય છે. આ ડી.એલ.એમ.ની વહીવટી અણઆવડત અને જો હુકમીથી ત્રાસેલા જીલ્લાના કર્મચારીઓએ થોડા સમય પહેલા ન્યાય માટે જી.એલ.પી.સી.ના મેનેજીંગ ડીરેક્ટરશ્રી કેબિનેટ ઋષિભાઈ પટેલ તથા સી.એમ. કાર્યાલયમાં લેખિત અને ઈ-મેઈલથી અલગ અલગ રીતે ફરીયાદ કરી હતી. જેમાં જી.એલ.પી.સી.ના એમ.ડી.ને કરેલી લેખીત ફરીયાદમાં તેમને કરાર ઉપર ફરજ બજાવતા એચ.આર. રણજીતસિંહ પરમારનું નામ અરજીમાં લખતા તેમને મારૂ નામ કેમ લખ્યુ છે. તેમ કહી એક આઉસ સોર્સ જીલ્લાના એ.પી.એમ ને ફોન ઉપર ધમકાવી હવે તમને હું જોઈ લઈશ તેવુ કહી છુટા કરવાની કાર્યવાહીની ધમકી આપી હોવાનું પણ ચર્ચાય છે. ત્યારે મહેસાણા જીલ્લાના કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ અને મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ જી.એલ.પી.સી. ના એમ.ડી. આ લાયકાત વગરના બિન અનુભવી મહેસાણાના ઈન્ચાર્જ ડી.એલ.એમ.વર્ષાબેન પ્રજાપતિ સામે કડક કાર્યવાહી કરી તેમની હેરાનગતીમાંથી કાયમી મુક્તિ અપાવે તેવી મીશન મંગલમ્‌ યોજનાના કર્મચારીઓની લાગણી અને માંગણી છે. હવે આ કર્મચારીઓ ઈન્ચાર્જ ડી.એલ.એમ.ની હેરાનગતીથી કયારે મુક્ત થાય છે તે જોવાનુ રહ્યુ ?

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us