ધારાસભ્ય કાર્યાલયમાં અરજીઓ સ્વિકારવાની વ્યવસ્થા ઉભી કરાઈ
વિસનગરના લોકોને ગાંધીનગર સુધી ધક્કા ખાવા ન પડે તે માટે
સરકારની મહત્વની જવાબદારીઓના ભારણના કારણે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલને વિસનગર ધારાસભ્ય કાર્યાલયમાં સમય ફાળવવો કઠીન બની રહ્યુ છે. ત્યારે શહેર અને તાલુકાની જનતાની રજુઆતો મંત્રી સમક્ષ પહોચે તેમજ નિકાલ થાય તે માટે ધારાસભ્ય કાર્યાલયમાં અરજીઓ સ્વિકારવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હવે રજુઆતો તથા ભલામણો માટે ગાંધીનગર ધક્કા ખાવા પડશે નહી. વિસનગર ખાતેના ધારાસભ્ય કાર્યાલયમાંજ અરજી કરી શકાશે.
ધારાસભ્ય પદની જવાબદારી હતી ત્યારે વિસનગર ખાતેના ધારાસભ્ય કાર્યાલયમાં ઋષિભાઈ પટેલ જે રીતે નિયમિત મળતા હતા તે રીતે હવે મળે તે આશા રાખવી ખોટી છે. ઋષિભાઈ પટેલ પાસે વિસનગર કરતા પણ વધારે સરકારની જવાબદારી છે. તેમ છતા વિસનગર પ્રત્યે પૂરતુ ધ્યાન આપી રહ્યા છે. ગત સરકારમાં સવા વર્ષના મંત્રીપદના કાળમાં વિસનગરમાં ઓછો સમય આપતા શહેર અને તાલુકાના લોકોને વિવિધ રજુઆતો માટે ગાંધીનગર સુધી લાંબા થવુ પડ્યુ હતુ. વિધાનસભાની ચુંટણી બાદ અગાઉની ટર્મ કરતા પણ આ ટર્મમાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલને સરકારમાં મહત્વની જવાબદારીઓ સોપવામાં આવી છે. જેથી એવુ ઘણી વખત બને છેકે લોકો ગાંધીનગર સચીવાલયમાં ઋષિભાઈ પટેલને મળવા જાય છે. પરંતુ અચાનક ઉભા થતા કાર્યક્રમના કારણે કે મહત્વની મીટીંગના કારણે મુલાકાત થતી નથી. ઘણી વખત ગુજરાતભરમાંથી આવેલા મુલાકાતીઓનો એટલો બધો રસ હોય છેકે ઋષિભાઈ પટેલને મળવા ઓફીસમાં રાહ જોઈને બેસી રહેવુ પડે છે. વિસનગરના લોકોના મતથી ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી બન્યા ત્યારે તેમને મળવા મતદારોને રાહ જોવી પડે તેનુ પણ લોકોમાં મનદુઃખ થાય છે. ઋષિભાઈ પટેલ વિસનગરમાં પણ સમય આપી શકતા નથી. જેથી લોકોને મળવા માટે ગાંધીનગર જવુ પડે છે. જ્યારે ગાંધીનગર મળવા માટે લાંબો સમય બેસવુ પડે છે કે મળતા નથી.
વિસનગરની જનતાની આ વિટંબણાઓ લક્ષમાં રાખીને ધારાસભ્ય કાર્યાલયમાં અરજીઓ સ્વિકારવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના માર્ગદર્શનમાં અરજીઓ માટે સેન્ટ્રલાઈઝ વ્યવસ્થા કરાઈ છે. જેમાં અરજદારને ગાંધીનગર સુધી લાંબા થવુ ન પડે તે માટે ધારાસભ્ય કાર્યાલયમાં અરજી સ્વિકારી દિવસની તમામ અરજીઓ ઓનલાઈન કેબીનેટ મંત્રીને પહોચાડવામાં આવશે. ટાઈમ મળે ત્યારે દિવસ દરમ્યાન કેબીનેટ મંત્રી ઓનલાઈન અરજીઓ જોઈ શકશે. વિસનગર શહેર અને તાલુકાની પ્રજાને હાલાકી પડે નહી તે માટે સરાહનીય કાર્ય કરવામાં આવ્યુ છે.